નવી દિલ્હી: કર્ણાટકની (Karnataka) હાસન સીટના સાંસદ પ્રજ્વલ રેવન્નાના (Prajwal Revanna) કથિત સેક્સ સ્કેન્ડલે રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. આ ખુલાસા બાદ રેવન્ના દેશ છોડીને ભાગી ગયા હોવાના પણ અહેવાલો સામે આવ્યા હતા. JDS પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી એચડી દેવગૌડાના (HD Deve Gowda) પૌત્ર પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ મહિલાઓના વાંધાજનક વીડિયો બનાવવા અને તેમના પર દબાણ કરવા બદલ કાર્યવાહી કરી હતી.
સાંસદ પ્રજ્વલ રેવન્ના પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ પાર્ટીના સંસ્થાપક એચડી દેવગૌડાના પૌત્ર આ વખતે પણ હાસન બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. હવે કથિત સ્કેન્ડલને ધ્યાનમાં રાખીને JDSએ પ્રજ્વલ રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જેડીએસની કોર કમિટીની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે પ્રજ્વલ રેવન્નાને કારણ બતાવો નોટિસ પણ મોકલવામાં આવી છે.
અમે રેવન્ના-કુમારસ્વામીને બચાવવાના નથી
કર્ણાટકના પૂર્વ સીએમ અને જેડી(એસ)ના નેતા એચડી કુમારસ્વામીએ પણ સાંસદ પ્રજ્વલ રેવન્ના સાથે જોડાયેલા અશ્લીલ વીડિયો કેસ પર નિવેદન આપ્યું હતું. કુમાર સ્વામીએ કહ્યું કે અમે રેવન્નાને બચાવવાના નથી. અમે ગંભીર પગલાં લઈશું પરંતુ જવાબદારી સરકારની છે.
તેમણે કહ્યું કે માત્ર કાકા તરીકે જ નહીં પરંતુ દેશના એક સામાન્ય માણસ તરીકે પણ આપણે આગળ વધવાનું છે. આ એક શરમજનક મુદ્દો છે. કુમારસ્વામીએ પૂછ્યું કે સરકાર કોણ ચલાવી રહ્યું છે? સરકારે વાસ્તવિક ચિત્ર ઉજાગર કરવાનું છે, સરકારે જમીની વાસ્તવિકતા જાહેર કરવાની છે, મારે નહીં.
જેડીએસ કમિટીના સભ્ય જીટી દેવગૌડાએ કહ્યું કે રાજ્ય સરકારે આ મામલે એસઆઈટીની રચના કરી છે. અમે તેનું સ્વાગત કરીએ છીએ. જ્યાં સુધી તપાસ નહીં થાય ત્યાં સુધી અમે આ મામલે કોઈ નિવેદન આપીશું નહીં. અમે તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશું. રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા અંગે દેવેગૌડાને સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ જ્યાં સુધી SITનો તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી રેવન્નાને સસ્પેન્ડ કરવામાં આવશે.
રેવન્ના ઉતાવળે જર્મની ભાગી ગયો હતો
રેવન્નાના કથિત અશ્લીલ વીડિયો જાહેર થયા બાદ 33 વર્ષીય રેવન્ના શનિવારે સવારે જર્મની ભાગી ગયો હતો. તેમજ સમગ્ર મામલે રેવન્નાએ દાવો કર્યો છે કે તેના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે અને આ વીડિયો તેની ઈમેજને ખરાબ કરવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે.