National

સેક્સ સ્કેન્ડલ મામલે વિશેષ અદાલતે પ્રજ્વલ રેવન્નાને 6 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

જનતા દળ સેક્યુલર નેતા પ્રજ્વલ રેવન્નાને (Prajwal Revanna) વિશેષ અદાલતે 6 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. પ્રજ્વલનું નામ સેક્સ સ્કેન્ડલમાં (Sex Scandal) સામે આવ્યું છે. તેના ઘણા અશ્લીલ વીડિયો વાયરલ થયા હતા. આ પછી એક યુવકે આરોપ લગાવ્યો હતો કે પ્રજ્વલ તેની માતાનું શોષણ કરતો હતો. આ મામલો સામે આવ્યા બાદ તે વિદેશ ગયો હતો. વિદેશ મંત્રાલયે તેમનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવાની વાત કરી હતી. આ પછી પ્રજ્વાલે વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થશે. તે શુક્રવારે ભારત આવ્યો છે અને વિશેષ અદાલતે તેને 6 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.

કર્ણાટકની હાસન લોકસભા સીટ પરથી સાંસદ પ્રજ્વલ રેવન્ના આ વખતે પણ ચૂંટણી લડી રહ્યા છે. તેમના લોકસભા ક્ષેત્રમાં બીજા તબક્કામાં મતદાન થયું હતું. 26મી એપ્રિલે મતદાનની સાથે જ તેના ઘણા અશ્લીલ વીડિયો વાયરલ થવા લાગ્યા હતા. દરમિયાન પ્રજ્વલ વિદેશ ગયો હતો. તેની અને તેના પિતા એચડી રેવન્ના વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ પછી એચડી રેવન્નાની ધરપકડ કરવામાં આવી હતી અને થોડા દિવસો સુધી કસ્ટડીમાં રહ્યા બાદ તે જામીન પર બહાર આવ્યા હતા. તેમની સામેના આરોપોની તપાસ ચાલુ છે. દરમિયાન પ્રજ્વલ ગુમ રહ્યો હતો. સમાચાર આવતા રહ્યા કે તે જર્મનીમાં છે. પ્રજ્વલના પિતા અને જેડીએસ નેતા એચડી રેવન્ના પણ આ કેસમાં આરોપી હતા અને જેલમાં ગયા બાદ તેઓ પણ જામીન પર બહાર આવી ગયા છે. તેમની સામે અપહરણના આરોપોની તપાસ ચાલી રહી છે.

ઈન્ટરપોલે પ્રજ્વલ વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જારી કરી હતી. આ દરમિયાન સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે વિદેશ મંત્રાલયને પ્રજ્વલનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવાની પણ માંગ કરી હતી. કર્ણાટકના મુખ્યમંત્રીએ આ અંગે પીએમ મોદીને બે વખત પત્ર લખ્યા હતા. આ પછી વિદેશ મંત્રાલયે પ્રજ્વલને કારણ બતાવો નોટિસ જારી કરી અને તેનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવા કહ્યું હતું. પાસપોર્ટ કેન્સલ કરવાની નોટિસ મળ્યા બાદ પ્રજ્વલે એક વીડિયો જાહેર કર્યો હતો અને તેના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેણે કહ્યું હતું કે તે ડિપ્રેશનમાં છે. આ સાથે તેણે કહ્યું કે તે જલ્દી જ વિશેષ તપાસ ટીમ સમક્ષ હાજર થશે. હવે તે ભારત આવ્યો છે અને પોલીસ કસ્ટડીમાં છે.

Most Popular

To Top