સાત વર્ષની દિકરીને દીક્ષા અપાવવા મુદ્દે દિકરીના માતા-પિતા વચ્ચે છેલ્લા છ મહિનાથી ઘર્ષણ ચાલી રહ્યું છે. માતાની જીદના કારણે એક માસૂમ સાત વર્ષીય પુત્રીના ભવિષ્ય પર અંધકાર છવાઈ ગયો. પુત્રીના વિવિધ સપનાઓ પૂરા થાય તે તે પહેલાં જ, તેને કચડી નાંખવા તત્પર પત્નીના ત્રાસથી કંટાળી આખરે પિતાએ કોર્ટનું શરણું લીધું. કોર્ટના આ આદેશ મુજબ, માતાને ફક્ત કાનૂની મંજૂરી સાથે જ દીક્ષા માટે આગળ વધવા મંજૂરી મળશે. હવે પ્રશ્ન એ થાય કે સાત વર્ષની નાદાન વયે દીક્ષા અપાવવી યોગ્ય છે? આટલી નાની વયે દીક્ષા લેવાનો નિર્ણય બાળક જાતે લઈ શકે નહી.
શકય છે, તેના બાળમાનસમાં દીક્ષા અંગે પણ કૂતુહલ જ હોય! દુનિયાદારી, સંસારરૂપી માયાજાળ વગેરેથી અપરિપકવ તેનું બાળમાનસ સંસારત્યાગ જેવા ગહન મુદ્દે નિર્ણય લેવા સક્ષમ ન હોય! વળી, સંસારમાં રહી સંસારની અનેકવિધ સમસ્યાઓ, જવાબદારીઓ તથા પ્રશ્નો વિગેરે સામે બાથ ભીડી સફળ જીવન જીવવું એ પણ એક પ્રકારનું તપ જ કહી શકાય. અહીં દિકરીના પિતાએ કોર્ટમાં દિકરી 18 વર્ષની ન થાય, ત્યાં સુધી દીક્ષા માટે મનાઈ હુકમ માંગ્યો. જે કોર્ટે ગ્રાહ્ય રાખી અને 8 ફેબ્રુઆરીએ દીક્ષા અપાવવાના નિર્ણય પર હાલ પુરતી રોક લગાવી. જે યોગ્ય જ છે. આખરે દિકરીના કલ્યાણ અને અધિકારીઓનું રક્ષણ જરૂરી છે.
સુરત- કલ્પના વિનોદ બામણીયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.