ગરીબ દર્દીઓ સારવાર થી વંચિત ન રહી જાય તે માટે કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજના અમલ માં મૂકી છે. જેમાં લાભાર્થી ને કાર્ડ અપાય છે. દર્દી દાખલ થાય એટલે એ કાર્ડ આપતાં જ 5 લાખ સુધીની સારવાર ફ્રી મળે છે તેણે એકપણ રૂપિયો આપવાનો હોતો નથી.હાલ આ રકમ માં વધારો થશે એવી ઘોષણા થઈ છે. પરંતુ નિ: શુલ્ક યોજના છતાં કેટલીક હૉસ્પિટલ માં થી આ અંગે ના રુપિયા રોકડ માં લેવાતાં હોવાની ફરિયાદ ઊઠી છે. જોકે તે અંગે યોગ્ય પગલાં પણ લેવામાં આવ્યાં છે.બીજું કે આ યોજના હેઠળ અમુુક જ હૉસ્પિટલ આવરી લેવામાં આવી છે , જેથી ખાતરી કરી સારવાર લેવી ઘટે. તો આ યોજના અંગે સતર્ક રહી સારવાર મેળવો એ જ કલ્યાણ.
સુરત – વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
‘મધર ઈન્ડિયા’ નામનું પુસ્તક વિવાદાસ્પદ હતું
તા.21-6-23ના ‘ગુજરાતમિત્ર’ની દર્પણ પૂર્તિમાં નરેન્દ્ર જોશીની કોલમ ‘સમુદ્ર એક કિનારા અનેક’માં ‘મધર ઈન્ડિયાની જનેતા’ શીર્ષક હેઠળનો લેખ વાંચી લખવાની પ્રેરણા મળી. એમણે અમેરિકાની ઈતિહાસકાર કેથેરીન મેયાએ ‘મધર ઈન્ડિયા’પુસ્તક લખ્યું હતું જેમાં તેમણે ભારતીય સમાજ, ધર્મ અને સંસ્કૃતિને ભાંડી શકાય તેટલી તમામ ગાળો ભાંડી હતી. તે રંગભેદી ઈતિહાસકાર હતી. ભારતના મોહનદાસ કરમચંદ ગાંધીએ એના પુસ્તકને ‘ગંદકીભર્યું ચિત્રણ’ગણાવ્યું અને અમેરિકાના કોંગ્રેસ સભ્ય બનનાર દિલીપસિંહ સૌંદેએ‘મધર ઈન્ડિયા’ પુસ્તક લખીને કેથેરીનને જડબાંતોડ જવાબ આપ્યો હતો.
બીજા ઘણા લેખકોએ કેથેરીનને જવાબ આપતાં પુસ્તકો લખ્યાં હતાં. 1940માં કેથેરીનનું મૃત્યુ થયું અને તે જ વર્ષમાં મહેબુબખાને ‘ઔરત’નામે ફિલ્મ બનાવી હતી. જેનું શુટીંગ પલસાણા તાલુકાના પલસાણા ગામમાં થયું હતું. ‘મધર ઈન્ડિયા’ફિલ્મ મહેબુબખાને એમણે બનાવેલી ‘ઔરત’ફિલ્મની રીમેક છે. તેમ છતાં ‘મધર ઈન્ડિયા’ફિલ્મ ચિરંજીવી બની અને આજે પણ જનતા હોંશથી જુએ છે. એ ફિલ્મની ઓસ્કાર એવોર્ડ માટે પણ ભલામણ થઈ હતી. આ ફિલ્મના ડાયરેક્ટર મહેબુબખાન બિલીમોરાના વતનીએ ‘મધર ઈન્ડિયા’સર્વોત્તમ ફિલ્મ બનાવી ભારતનું નામ રોશન કર્યું.
નવસારી – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભોજન સામાજિક મેળાવડા માટેનું સાધન છે
વિદેશના મેળાવડામાં ભોજનસમારંભનો આનંદ ભરપૂર લેવાય છે. તેઓ ભોજનના સહારે હસી-મઝાક, વાતચીત, ઓળખાણો થકી પ્રસંગને માણે છે. સામાજિક મેળાવડામાં ખરેખર તો તમે ધંધા કે વ્યાપાર જગતમાં જે છો તે નકાબ ઉતારીને આવવાનું હોય તો જ હળવા થવાને! ભારતમાં તો જે છીએ અને જે નથી તેવા બહુરૂપી બનીને આપણે મેળાવડામાં જતા હોઈએ છીએ. આપણે ત્યાં ભોજન સમારંભનું એકમાત્ર લક્ષ ભોજન જ છે. ખરેખર તો ભોજન સામાજિક મેળાવડા માટેનું સાધન છે, સાધના નથી.
વિજલપોર – ડાહ્યાભાઈ એચ.પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.