સુરત : પ્રધાનમંત્રી આવાસ યોજનાના (Pradhan Mantri Awas Yojana) માધ્યમથી દરેકને પોતાનું ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અવારનવાર કહેતા હોય છે કે ઘર એ માત્ર ચાર દીવાલો અને પાકી છતવાળું મકાન નથી પરંતું શ્રદ્ધાનું એવું આગવું સ્થળ છે. જ્યાં પરિવારના સપનાઓ આકાર લેતા હોય છે. પીએમ આવાસ યોજના દેશના સામાન્ય લોકોના સપનાને આકાર આપતી યોજના સાબિત થઈ છે. સુરતના અમરોલી કોસાડ રોડ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહી કડિયાકામ કરતાં જીગ્નેશભાઈ હરીશભાઈ કડિયાએ આવાસનું ફોર્મ ભર્યું હતું અને તેમને છાપરાભાઠાના આવાસમાં પોતાનું ઘર મળ્યું છે. તેમનો પરિવાર પોતાનું ઘર મેળવીને આનંદવિભોર થયો છે.
મુળ જામનગર જિલ્લાના માધાપર ગામના વતની જીગ્નેશ હરીશભાઈ કડિયા છેલ્લા 15 વર્ષથી સુરત શહેરમાં કડિયાકામ કરી અન્યના સપનોને આકાર આપવાનું કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી જીગ્નેશભાઈનું પણ પોતાના ઘરના ઘરનું સોહામણું સપનું પુર્ણ થયું છે. જીગ્નેશભાઈએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે છેલ્લાં 9 વર્ષથી અમરોલી કોસાડ રોડ ખાતે ભાડાના મકાનમાં રહીએ છીએ. ભાડે રહેતા હોઈએ એટલે મકાન માલિકના ઘરે આવવા-જવા, પાણીના વપરાશ, પાર્કિંગ, ડિપોઝીટના પોતાના નિયમો અને મહિનાની છેલ્લી તારીખે ભાડુ આપવામાં મોડું થાય તો હેરાન-પરેશાન થવાનો વારો આવે છે. આ સાથે ક્યારે ઘર ખાલી કરવા માટે કહેવામાં આવે એનું કંઈ નક્કી રહેતું નથી.
જીગ્નેશભાઈએ વધુમાં જણાવ્યું કે ઘરમાં જયારે કોઈ બીમાર પડે ત્યારે ઘરનું ભાડું ભરવામાં અનેક મુશ્કેલી પડે છે, જેના લીધે મકાન માલિકનો ઠપકો અને ખરી-ખોટી વારંવાર સાંભળવી પડતી હતી. જેના કારણે વારંવાર એક મકાનમાંથી બીજા મકાનમાં અને ત્યાંથી ત્રીજા મકાનમાં ભાડે જવું પડતું હતું. વારંવાર મકાન બદલાવાના કારણે મારા દીકરાના અભ્યાસમાં પણ મુશ્કેલી પડતી હતી. જીગ્નેશભાઈએ વધુમાં જણાવ્યું કે એક દિવસ સમાચારમાં પત્રમાં જાહેરાત વાંચી કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ બેંકમાં મળે છે. યોજનાની જાણકારી મેળવી ત્યારે વિશ્વાસ ન્હોતો બેસતો કે અમારા જેવા ગરીબ પરિવારોને આટલા નજીવા દરે સારા વિસ્તારમાં ઘર મળતું હશે. પણ બેંકમાંથી ફોર્મ મેળવી જરૂરી ડોકયુમેન્ટ સાથે ફોર્મ જમા કર્યું હતું. નિયત તારીખે પદાધિકારીઓ-અધિકારીઓની હાજરીમાં પારદર્શક રીતે કોમ્પ્યુટરાઈઝ ડ્રો થયો અને મકાન માટે મારી પસંદગી થઈ ત્યારે અમારી ખુશીનો કોઈ પાર જ ન રહ્યો હતો.
ભાડાની રકમ ચૂકવતા તે નાણાથી હવે દર મહિને લોનના હપ્તા ભરીશું : જીગ્નેશભાઈ
તેમણે વધુમાં જણાવ્યું કે હવે અમે જે ભાડાની રકમ ચૂકવતા તે નાણાથી હવે દર મહિને લોનના હપ્તા ભરીશું. અમારા માટે ભાડાના ઘરમાંથી મુક્તિ મળી એ જ સૌથી આનંદદાયક ક્ષણ છે. સુરત જેવા મોંઘા અને પૂરઝડપે વિકસીત થતા શહેરમાં છાપરાભાઠા જેવા વિસ્તારમાં રૂ. 25 લાખની બજાર કિંમતે મળતો ફ્લેટ પીએમ આવાસ યોજનામાં માત્ર રૂ. 5.50 લાખમાં અમને નજીવા દરે ઉપલબ્ધ થયો છે. પોતાનું સ્થાયી મકાન મળતાં હવે દિકરાને પણ અભ્યાસમાં પડતી મુશકેલીઓથી છુટકારો મળ્યો છે. અમે સપનામાં પણ વિચાર્યું ન હતું કે સુરત જેવા મેગા સિટીમાં પોતાનું ઘર બનશે. પરંતુ સરકારની સહાય થકી ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. તે બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું.
આવાસોમાં માયવન ટેક્નોલોજી પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું છે
જો વાત કરીએ તો છાપરાભાઠા વિસ્તારમાં આવેલા આવાસોમાં માયવન ટેક્નોલોજી પ્રકારનું બાંધકામ, આંતરિક રસ્તાઓ, પાર્કિંગ સગવડ, લિફ્ટ, પાણીની વ્યવસ્થા, સિક્યોરીટી કેબિન, ફાયરફાઈટીંગ સિસ્ટમ, સોલાર સિસ્ટમ, વરસાદી પાણીનો સંગ્રહ અને નિકાલ, કેમ્પસ ગાર્ડનિંગ, આપાત કાલીન પરિસ્થિતિમાં ડિઝલ જનરેટર,સોલાર સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા ઉપલબ્ધ છે.