નડિયાદ: પરસ્ત્રીઓના મોહમાં પાગલ ખેડા જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી પ્રદિપ પ્રજાપતિએ લગ્ન કર્યાંના બીજા જ વર્ષથી પત્નિ ઉપર ત્રાસ ગુજારવાનો શરૂ કરી દીધો હતો. પત્નિએ સતત 18 વર્ષ સુધી પતિનો અસહ્ય ત્રાસ સહન કર્યો હતો. જોકે, પત્નિ પિયર ચાલી ગઈ હતી અને છુટાછેડા તેમજ ખાધાખોરાકીનો કેસ મુક્યો હતો. જે બાદ પણ પતિ મારી નાંખવાની ધમકીઓ આપતો હોવાથી પત્નિએ આ મામલે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. નડિયાદમાં મિશન રોડ પર રહેતાં દક્ષાબેને વીસેક વર્ષ અગાઉ સિવિલ રોડ પર આવેલ જનકલ્યાણ સોસાયટીમાં રહેતાં પ્રદિપ મોહનભાઈ પ્રજાપતિ (હાલ ખેડા જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી) સાથે લગ્ન કર્યાં હતાં.
જેના એક વર્ષ બાદ દક્ષાબેનને વિજાપુર ખાતે બી.એડ કોલેજમાં લેક્ચરર તરીકેની નોકરી મળી હતી. જેથી દક્ષાબેન અને તેમના પતિ પ્રદિપભાઈ વિજાપુર રહેવા ગયાં હતાં. દરમિયાન પ્રદિપને અન્ય છોકરીઓ સાથે લફડાં થઈ ગયાં હતાં. આ અંગેની જાણ દક્ષાબેનને થતાં તેઓએ પતિ પ્રદિપને ઠપકો આપ્યો હતો. જે બાદથી પ્રદિપ પોતાની પત્નિ દક્ષાબેન સાથે સારો વ્યવહાર રાખતાં ન હતાં અને અવારનવાર ઝઘડાં કરી, મારઝુડ કરવા લાગ્યાં હતાં. એ સમયગાળા દરમિયાન જ દક્ષાબેને સંતાનમાં એક પુત્રને જન્મ આપ્યો હતો. પતિના આ ત્રાસથી કંટાળેલાં દક્ષાબેન પોતાના એક વર્ષના પુત્રને લઈ અલગ મકાનમાં રહેવા ચાલ્યાં ગયાં હતાં.
એક વર્ષ સુધી અલગ રહ્યાં બાદ વડીલોની મધ્યસ્થીથી દક્ષાબેન પરત પોતાના પતિ સાથે રહેવા ગયાં હતાં. જે બાદ પણ પ્રદિપે અન્ય મહિલાઓ સાથે આડસબંધ ચાલુ રાખ્યાં હતાં. સન 2014 માં તેઓ પરત નડિયાદ રહેવા આવી ગયાં હતાં. જે બાદ પતિ ઉપરાંત સસરાં મોહન પરષોત્તમભાઈ પ્રજાપતિ અને દિયર શૈલેષ મોહનભાઈ પ્રજાપતિએ પણ દક્ષાબેન ઉપર ત્રાસ ગુજારતા હતા.. આથી પતિ સાથે નડિયાદમાં જ ભાડાના મકાનમાં રહેવા લાગ્યાં હતાં. પરંતુ, પ્રદિપ ઝઘડાં કરી દક્ષાબેન સાથે મારઝુડ કરતો જ હતો.
જોકે, માર્ચ 2021 માં પ્રદિપના મોબાઈલમાં અન્ય છોકરીઓ સાથેના ફોટા પુત્ર જોઈ જતાં ઘરમાં વધુ એક વખત ઘમાસાણ મચ્યું હતું. દરમિયાન પ્રદિપે ઉશ્કેરાઇ પત્નિ દક્ષાબેન અને પુત્રને મારમાર્યો હતો. જેથી દક્ષાબેને પોતાના પુત્રને લઈને પિયર ચાલ્યાં ગયાં હતાં. જે બાદ પોતાના પતિ સાથે છુટાછેડા તેમજ ખાધાખોરાકીનો કેસ મુક્યો હતો. જે કેસ હાલ કોર્ટમાં ચાલું છે. આ અંગે નડિયાદ પોલીસે પતિ પ્રદિપ દલવાડી, સસરાં મોહનભાઈ દલવાડી અને દિયર શૈલેષભાઈ દલવાડી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.