Entertainment

પ્રભાસની ‘આદિપુરુષ’ ની પ્રશંસા થઇ શકે એમ નથી?!

બાહુબલી’ પછી પ્રભાસને પોતાને જે ફિલ્મ માટે સૌથી વધુ આશા હતી એ ‘આદિપુરુષ’ નું ટીઝર આવ્યા પછી ચારે તરફથી વિવિધ મુદ્દે ટીકા થઇ રહી હોવાથી એની સ્થિતિ કફોડી બની છે. ‘તાન્હાજી’ ના નિર્દેશક ઓમ રાઉત માટે પણ મોટી આશા હતી એ ટીઝર પૂરી કરી શક્યું નથી. ટીઝર જોયા પછી ફિલ્મ કોઇ પણ રીતે દર્શકો અને સમીક્ષકોની આશા પર ખરી ઊતરે એવું લાગ્યું નથી. એક માત્ર પ્રભાસ માટે શરદ કેળકરના અવાજ સિવાય દરેક બાબતે નિર્દેશકની ચૂક થઇ ગઇ હોય એવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ‘રામાયણ’ પર આધારિત આ ફિલ્મના ઐતિહાસિક પાત્રોની પસંદગી જ નહીં એના લુક ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું નથી અને વાર્તાની બધાંને ખબર છે ત્યારે એની રજૂઆત પર બધો આધાર રહે છે.

‘આદિપુરુષ’ માં અડધા પાત્રો જીવંત અને વાનર વગેરે નકલી જેવા બતાવવામાં આવ્યા છે. જો દર્શકોને કાર્ટૂન જેવી જ ફિલ્મમાં ‘રામાયણ’ બતાવવી હતી તો રૂ.500 કરોડનો ખર્ચ કરવાની જરૂર ન હતી. અસલી કલાકારોને બદલે કાર્ટૂન જેવા પાત્રો ઘૂસાડીને નિર્દેશકે મોટી ભૂલ કરી છે. એટલું જ નહીં રામની ભૂમિકા ભજવતા પ્રભાસનો લુક જ કાર્ટૂન ફિલ્મના પાત્ર જેવો દેખાય છે. ચહેરા પર કોઇ હાવભાવ કે ઇમોશન નથી. તે પાત્રમાં બિલકુલ બંધબેસતો લાગતો નથી.

અત્યાર સુધીની ધાર્મિક સીરિયલોમાં આથી વધુ સારી રીતે ઘણા અભિનેતાઓ દ્વારા શ્રીરામના પાત્રને રજૂ કરવામાં આવ્યું હતું અને એમને ઘણું માન મળ્યું હતું. રાવણ બનતા સૈફ અલી ખાનનો લુક પણ સ્વીકારી શકાય એવો નથી. આ 3D ફિલ્મના નબળા VFX ની ભારે ટીકા થઇ રહી છે. આ ફિલ્મથી ભારતીય સિનેમાનું સ્તર નીચું જવાની ચિંતા વ્યક્ત થઇ છે. ‘આદિપુરુષ’ માટે ભારે ટીકા પછી પ્રભાસે નિર્દેશક ઓમ રાઉત પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હોવાના અહેવાલ છે ત્યારે પ્રશ્ન એ થાય કે છેલ્લા 1 વર્ષથી તૈયાર ફિલ્મના VFX નું કામ ચાલતું હતું ત્યારે પ્રભાસે કોઇ ધ્યાન આપ્યું નહીં હોય?

અને જો એની જાણમાં થયું હોય તો એને VFX ની નબળાઇનો ખ્યાલ આવ્યો નહીં હોય? અગાઉ ‘સાહો’ વખતે પણ તેની ટીકા થઇ હતી. ત્યારે એમને પ્રશ્ન કરવાનું મન થાય કે ફિલ્મને બાળકોની ચેનલ પર રજૂ કરવા જેવી હોવાની ટીકા કેમ થઇ રહી છે? અને આવી મોટા બજેટની ફિલ્મો થિયેટરમાં રજૂ કરવા જ હોય છે. આ બાબત કહેવાની હોતી નથી. પ્રભાસની ‘આદિપુરુષ’ પર પસ્તાળ પડ્યા પછી શાહરૂખ એટલા માટે ખુશ થઇ શકે છે કે જાન્યુઆરીમાં જ તેની ‘પઠાન’ પણ રજૂ કરવાની જાહેરાત થઇ છે.

Most Popular

To Top