દિલ્લીનાં પરિણામોએ ફરી ભાજપ અને ભાજપના શીર્ષ નેતૃત્વમાં પ્રાણ પૂરવાનું કામ કર્યું છે. પરિણામો ખરેખર ચોંકાવનારાં છે.પહેલાં કોંગ્રેસ અને પછી લગભગ છેલ્લા એક દશકથી આપની સરકાર મળીને ભાજપને દિલ્લીની સત્તાથી ૨૭ વર્ષ દૂર રાખી.કેન્દ્રમાં ભાજપ સરકારની ખરડાયેલી છબી,તાજેતરમાં કુંભમાં ભાગદોડ,બેકારી, મોંઘવારી આ તમામ બાબતો છતાં ભાજપનો વિજય અને સામે સારું સરકારી શિક્ષણ,સારું સ્વાસ્થ્ય, મહોલ્લા ક્લિનિક, ફ્રી વીજળી, ફ્રી બસ સેવા અને અનેક યોજનાઓ પછી પણ આપ ની હાર.એમાં પણ કેજરીવાલ પોતે પણ હારનો સામનો કરે એટલે ખૂબ મોટી વાત કહેવાય.દિલ્લી પરિણામ પરથી ગુજરાતની પ્રજાએ વિચારવું રહ્યું કે ગમે તેવી સારી સરકાર હોય તો પણ સમય થાય તો બદલી જ નાંખવી એ જ પ્રજાના હિતમાં હોય છે.
સુરત – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સુરત શહેરીજનોની તકલીફ ઓછી કરો
સુરત સિલ્ક સિટી, ડાયમંડ સિટી, હવે સ્માર્ટ સુરત અને ડ્રીમ સિટી બનવા હરણફાળ ભરી રહ્યું છે એ ગૌરવપ્રદ છે.
પરંતુ સુરત શહેરનાં વસ્તીભર્યા વિસ્તારોમાં, મેટ્રો ટ્રેન તથા ગટરનાં મોટા મોટા પાઈપોની કામગીરીને કારણે, મૂકતા બેટીકોટ ત્થા રસ્તા બંધને કારણે લોકો આવવા-જવાની ખૂબ મુશ્કેલી ભોગવી રહ્યાં છે.આ અંગે સુરત મહાનગરપાલિકા તથા મેટ્રો ટ્રેન સંબંધિત આયોજકો તથા અધિકારીઓને નમ્ર વિનંતિ છે કે આ કામગીરી ઝડપી બનાવી, સૌ જનતાને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરો.
બીજું હેલ્મેટ પહેરવાનો ફતવો 15-2-25 થી અમલમાં રહેશે. તે અંગે નમ્ર સૂચન છે કે હેલ્મેટ પહેરવા, શહેરી વિસ્તારો માટે મરજીયાત રાખો અને હાઈવે પરનાં વાહનો ચાલકો, દ્વિચક્રી માટે ફરજિયાત રાખો.ત્રીજું સુરત શહેર અને આજુબાજુના રસ્તાઓ પર સિગ્નલ વ્યવસ્થા માટે શહેર પોલીસ કમિશનરને અભિનંદન અને આ સિગ્નલ ને કારણે દ્વિચક્રી વાહન ચાલકો, ઓટોમેટીક સ્પીડ ઘટાડવી પડે જ છે, જે એક્સિડન્ટ થવાની સંભાવના ઘટાડે છે.
સુરત – દીપક બી. દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.