Charchapatra

સત્તાલાલચી સ્વાર્થી નેતાઓ દેશ ડૂબાડે છે

વેનેઝુએલા,યુક્રેનથી લઈને બાંગ્લા દેશનાં નેતાઓએ દેશ ડૂબાડી દેવાનું પાપ કર્યું છે. વેનેઝુએલાના શાસકોએ સત્તામાં ટકી રહેવા માટે લોકોને મફત યોજનાઓ રેવડી ચાલુ કરી, એક પાર્ટી મફતની શરૂઆત કરે એટલે બીજા પણ સત્તા મેળવવા ટકાવવા એ જ કરે. તેના પરિણામે સમૃધ્ધ દેશ મોંઘવારી સાથે અરાજકતામાં ધકેલાઈ જાય. પુષ્કળ કિંમતી ક્રુડ ધરાવતા દેશના મૂર્ખ શાસકોના અણઘડ વહીવટના કારણે દેશ બરબાદ થયો.

બીજું ઉદાહરણ યુક્રેન છે, જેના શાસક ઝેલેન્સ્કીના ખોટા નિર્ણયના કારણે સમૃધ્ધ દેશ બરબાદ થઈ ગયો, સમૃધ્ધ પ્રજા બેઘર થઈ, હજારો મરી ગયાં અને લાખો દેશ છોડવા મજબૂર બન્યાં તેના માટે ખોટી અભિમાની જીદ કારણભૂત હતી. બાંગ્લા દેશની હાલત પણ પતન તરફ ધકેલાઈ રહી છે. ત્યાંના વિપક્ષના સત્તાલોભના પાપે દેશ અરાજકતામાં ધકેલાઈ ગયો. કહેવાય છે કે યુરોપ,અમેરિકાના ડીપસ્ટેટએ બાંગ્લા દેશમાં તથાકથિત વિદ્યાર્થી આંદોલન કરીને શાસનને ઉથલાવતાં દેશના અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉથલી ગઈ, જેના ગંભીર પરિણામો થોડા સમયમાં પ્રજા ભોગવશે. બાંગ્લા દેશમાં હિન્દુ પ્રજા જે શાંતિપ્રિય અને ઉદ્યમી છે તેને ટાર્ગેટ કરી જે બર્બરતા આચરી છે તેનાં ગંભીર પરિણામો બાંગ્લા દેશ ભોગવશે.
સુરત     -મનસુખ ટી.વાનાણી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઘૂસણખોરો ભારતના જમાઈ છે?
અમેરિકાના પ્રમુખપદે બિરાજમાન થયાના ગણતરીના દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં જામી ગયેલા ઘૂસણખોરોને હાંકી કાઢ્યા અને દુનિયાની શરમ રાખી નહીં. ભારતમાં સાડા ચાર દાયકાથી કે તેનાથી વધુ સમયથી ઘૂસણખોરો પાકિસ્તાન અને બાંગ્લા દેશથી આવે છે અને થોડા વખતમાં જ આપણા દેશનાં નાગરિકોને મળતા તમામ લાભ ગેરકાયદે મેળવતા થઈ જાય છે અને આપણા ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ થોડાક રૂપિયા માટે આપણા દેશ સાથે ગદ્દારી કરે છે અને આવાં નાગરિકોને આપણા દેશના બીજા ગદ્દારો આશરો આપે છે અને આપણે કાનૂની કાર્યવાહીના નામે તમાશો જોયા કરતાં હોઈએ છીએ. આપણા દેશમાં સેંકડો, હજારો અને સંભવતઃ લાખોની સંખ્યામાં ગેરકાયદે ઘૂસણખોરો વસે છે અને આપણાં પ્રામાણિક નાગરિકોના કરવેરાથી તમામ સગવડો વિના મૂલ્યે ભોગવે છે. આપણા હાથ કેમ બંધાયેલા છે? કાયદાપાલક નાગરિક વિફરીને કાયદો હાથમાં લે તેની રાહ જોવાય છે?
સુરત     -સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top