નવી દિલ્હી: દેશમાં જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે તેમ તેમ વીજળી(Electricity)ની માંગ પણ વધી રહી છે. વીજળીની વધતી જતી માંગ વચ્ચે દેશમાં વીજ સંકટ(Power Crisis) ઘેરાયું છે. અનેક રાજ્યોમાં કોલસા(Cola Shortage)ની અછત ઉભી થવાના કારણે વીજ સંકટની ભીતિ વર્તાવા લાગી છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં વીજ સંકટને જોતા વીજકાપ શરુ થઇ ગયો છે. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
દેશના મોટા મુખ્ય થર્મલ પાવર પ્લાન્ટની આ છે સ્થિતિ
દેશમાં 85 મોટા થર્મલ પાવર પ્લાન્ટ છે. આ પ્લાન્ટોમાં પણ કોલસો પૂર્ણ થવાને આરે છે. રાજસ્થાનમાં 7માંથી 6, પશ્ચિમ બંગાળના તમામ 6, ઉત્તર પ્રદેશમાં 4માંથી 3, મધ્ય પ્રદેશના 4માંથી 3 પ્લાન્ટ, મહારાષ્ટ્રમાં 7માંથી 7 અને આંધ્ર પ્રદેશના તમામ 3 પ્લાન્ટમાં કોલસાનો સ્ટોક ગંભીર સ્થિતિએ પહોંચી ગયો છે.
આ રાજ્યોમાં કોલસાનો આટલો સ્ટોક
ઉત્તર પ્રદેશમાં સાત દિવસ ચાલે તેટલો જ કોલસો બચ્યો છે. હરિયાણામાં 8, રાજસ્થાન પાસે માત્ર 17 દિવસનો કોલસો સ્ટોકમાં છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ અને છત્તીસગઢમાં પણ આ જ સ્થિતિ છે. રેલ્વે પાસે રેકના અભાવે પણ સંકટમાં વધારો થયો છે. રેલવે પાસે હાલમાં માત્ર 412 રેક છે, જેના કારણે કોલસાની અવરજવર ઝડપી નથી થઈ રહી.
કોલસાની અછતને લઈ પાવર પ્લાન્ટની ફરિયાદ
દેશમાં સર્જાયેલી કોલસાની અછતને લઈ પાવર પ્લાન્ટે ફરિયાદ કરી છે. તેઓએ જણાવ્યું છે કે રેલ રેકની અછતના કારણે કોલસો મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે. આ મામલે રેલવે પ્રવક્તા ગૌરવ બંસલનું કહેવું છે કે, પહેલાં 300 રેક આપવામાં આવતા હતા, હવે કોલસા મંત્રાલયના કહેવા પર 405 રેક આપવામાં આવ્યાં. હવે અમે 415 રેક આપી રહ્યાં છીએ કે જેની પર કોલસા મંત્રાલય સંમત છે. જો કોલસાના રેકને પાંચ દિવસ સુધી ડિટેઇન કરવામાં નહીં આવે અને ત્રણ દિવસ માટે રોકવામાં આવે તો અમે રેકને વધારે વધારી શકીએ છીએ.
દેશમાં વીજળીની માંગ વધી
દેશમાં વીજળીની માંગ વધી છે. આ માંગે ગયા વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગત વર્ષની વાત કરીએ તો વર્ષ 2021માં 200.539 ગીગાવોટ વીજળીની માંગ નોંધાઈ હતી. જેની સામે આ વર્ષે વીજળીની 201.066 ગીગાવોટ માંગ નોંધાઈ છે.
એપ્રિલના પ્રથમ પખવાડિયામાં આકરી ગરમીને કારણે વીજળીની માંગ વધી છે. એપ્રિલ મહિનામાં વીજળીની માંગ 38 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. રાજ્ય સરકારની માલિકીની યુપી સ્ટેટ ઇલેક્ટ્રિસિટી જનરેશન કોર્પોરેશન પાસે માત્ર 26 ટકા જ કોલસાનો સ્ટોક બચ્યો છે.
મંગળવારે વીજળીની માંગનો નવો રેકોર્ડ સર્જાયો હતો. મંગળવારે એક દિવસમાં જ વીજળીની સૌથી વધુ માંગ 201.066 GW નોંધવામાં આવી હતી. એપ્રિલ મહિનામાં જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તો મે અને જૂનમાં આ માંગ વધીને 215-220 GW થઈ શકે છે.