Business

સુરતના રસ્તાઓ પર એટલાં બધા ખાડા છે કે 1 કિ.મી.નો રસ્તો કાપતા 1 કલાક લાગી જાય!

સુરત: વરસાદમાં શહેરના રસ્તા તૂટી જતાં લોકો હાલાકીમાં મુકાયા અને મનપાના તંત્ર પર ચારેકોરથી પસ્તાળ પડી. વરસાદ બંધ થતાં મનપા કમિશનરે ઝોન અને રસ્તા વિભાગ પાસેથી તૂટેલા રસ્તાનો રિપોર્ટ મંગાવ્યો હતો, જેમાં સાડા ચારસોથી વધુ રસ્તા તૂટ્યા હોવાનું જાહેર કરી યુદ્ધના ધોરણે રિપેર કરવા આદેશ અપાયો હતો.

વરસાદ બંધ થતાં મનપાના તંત્ર દ્વારા રસ્તા રિપેર કરવાનું શરૂ કરાયું હતું. પરંતુ રોજેરોજ રસ્તા રિપેર કરવાની જે વિગતો આવે છે તેમાં તૂટેલા રસ્તાની સંખ્યા વધી રહી હોવાથી હજુ પણ રસ્તા તૂટી રહ્યા છે? કે અગાઉ જાહેર કરાયેલા આંકડા બરાબર નહોતા તે અંગે ચર્ચા ઊઠી છે.

  • અગાઉ ઝોન દ્વારા તૂટેલા રસ્તાની સંખ્યા રજૂ કરાઈ તે સાચી કે હાલ રસ્તા વિભાગ દ્વારા રિપેરિંગ અને ડેમેજ રસ્તાની સંખ્યા બતાવાય છે એ સાચી?
  • ઝોન અને વિભાગ વચ્ચે સંકલન નહીં હોવાની પોલ ખૂલી

કેમ કે, વરસાદ બાદ જે રિપોર્ટ રજૂ કરાયો તેમાં તંત્રના દાવા મુજબ માત્ર ૧.૫૬ ટકા રસ્તા ક્ષતિગ્રસ્ત હોવાનો રિપોર્ટ શંકાપ્રેરક લાગી રહ્યો હતો. ગત ૯ જુલાઈથી તંત્ર દ્વારા યુદ્ધસ્તરે રસ્તા રિપેરિંગની કામગીરી થઈ રહી છે. આમ છતાં વરસાદ/પેચવર્કમાં થતી લાલિયાવાડીના કારણે ઇચ્છિત પરિણામ મળી રહ્યાં નથી. તેમાંય હવે વિભાગ દ્વારા જ કામગીરી દરમિયાન વધારે જર્જરિત રસ્તાï, ડેમેજ સ્પોટની ઓળખ થઈ રહી છે. સીધો મતલબ છે કે, તંત્ર દ્વારા તૈયાર કરાયેલો અગાઉનો રિપોર્ટ વિશ્વાસજનક ન હતો.

વિસ્તૃત વિગતો મુજબ વરસાદમાં રસ્તા તૂટ્યા અને ઉહાપોહ થયો ત્યારે મનપાના તંત્ર દ્વારા સરવે કરાયા બાદ જે આંકડો જાહેર કરાયો તેમાં ગેરંટીવાળા અને ગેરંટી વગરના મળી કુલ ૪૪૦ રસ્તા તૂટ્યા હોવાનું જણાવાયું હતું. ડેમેજ થયેલા રસ્તામાં રસ્તાની લંબાઇ ૫૬.૯૪૫ કિ.મી. હોવાનું અને કુલ ૩૨૯૬ સ્પોટ પર ખાડા પડ્યા હોવાના આંકડા અપાયા હતા. પરંતુ જેમ જેમ રસ્તા રિપેરિંગ થઇ રહ્યા છે તેમ તેમ રસ્તા પરના ખાડાઓની સંખ્યા વધી રહી હોય તેવું મનપા દ્વારા આપવામાં આવી રહેલી યાદીમાં જણાઇ રહ્યું છે. જેના લીધે આશ્ચર્ય સર્જાયું છે તેમજ અગાઉ અપાયેલી માહિતી સાચી કે અત્યારે અપાય છે તે સાચી તેવા સવાલો ઊઠી રહ્યા છે.

સરવેમાં 440, બે દિવસ પહેલાં 445 અને મંગળવારે 453 રસ્તા ડેમેજ દર્શાવાયા
મનપાના જ સત્તાવાર આંકડા મુજબ સરવે બાદ જાહેર થયેલા તૂટેલા રસ્તાની સંખ્યા 440 હતી. રિપેરિંગ શરૂ થયાના એક અઠવાડિયા પછી બે દિવસ પહેલાં ડેમેજ રસ્તાઓની સંખ્યા ૪૪૫ હતી. જ્યારે ડેમેજ સ્પોટના રસ્તાની લંબાઇ ૫૮.૧૮૫ કિ.મી. બતાવાઇ હતી. જે આજે વધીને ૪૫૩ રસ્તા અને ૫૯.૦૭૨ કિ.મી. જેટલી થઈ ગઈ છે. જ્યારે ડેમેજ સ્પોટની સંખ્યા વધીને ૩૪૮૩ થઈ છે. જે પૈકી ૩૦૭૯ સ્પોટનું રિપેરિંગ થઈ ગયું છે.

Most Popular

To Top