સુરત(Surat): આ વર્ષે શહેરમાં દે’માર વરસાદ(Rain) થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી ફરીથી વરસાદની તોફાની બેટિંગ શરૂ થઈ છે અને તેના કારણે રસ્તાઓ પર ખાડા(pit) પડી રહ્યા છે. મંગળવારે સવારે એલ.પી સવાણી રોડ પર મોટો ભુવો પડતા વાહનચાલકોને ઘણી તકલીફ પડી હતી. જેથી મનપા(Surat Municipal Corporation) દ્વારા ભુવાની આસપાસ બેરીકેટ કરીને રસ્તો બંધ કરી દેવાયો હતો અને ગુરૂવારે રિપેરીંગ કરાયો હતો. ભુવા પુરવાની 15 જ મિનિટમાં એક કાર ખાડામાં ફસાઈ ગઈ હતી, જેથી તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી છે.
ખાડો પુરતા વાર નથી લાગીને ગાડી ફસાઈ
સતત વરસાદના કારણે રસ્તાઓ પર ખાડાની સમસ્યા વધી રહી છે. મનપા તંત્ર દ્વારા ખાડા રિપેર કરવામાં આવી રહ્યા છે અને ફરીવાર વરસાદના કારણે રસ્તાઓ પર ખાડા પડી રહ્યા છે. મંગળવારે રાંદેર ઝોનના પાલનપુર જકાતનાકાથી એલ.પી સવાણી રોડ તરફ જતા મુખ્ય રોડ પર મોટો ભુવો પડી ગયો હતો. આ ભુવો વધુ મોટો હોય, રસ્તેથી પસાર થતા વાહનો તેમાં પડી જાય તેવી શક્યતા હતી. આ અંગેની જાણ મનપા તંત્રને થતા મનપા તંત્રએ એક તરફનો રસ્તો બંધ કરીને ભુવાની આસપાસ બેરીકેટ કરી દીધું હતું. રોડ બનાવ્યાના 15 મિનિટ પછી જ કાર ફસાઈ જતા મનપાની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. રસ્તા પર ખાડામાં કાર ફસાતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. પરંતુ ખાડો પુરાયાના 15 જ મિનિટમાં કાર ફસાઈ જતા લોકો પણ રોષે ભરાયા હતા.
ખાડા એવા કે કમર તૂટી જાય
સુરત શહેરમાં માત્ર રાંદેર ઝોન જ નહી, અન્ય ઝોનમાં પણ રસ્તાની આવી જ હાલત છે. નાની ગલીઓ, શેરીઓ હોય કે પછી મેઇન રોડ તમામ જગ્યાએ એક જ સરખી પરિસ્થિતિ છે. ખાડા એટલા ઊંડા છે કે કમર તૂટી જાય અને સાથે ગાડીને નુકશાન થાય તે જુદું…સુરતનાં કતારગામ, ચોક બજાર, લાલગેટ પોલીસ મથક પાસેનો રસ્તો સહિત અનેક વિસ્તારોમાં ખાડાઓનાં કારણે વાહન ચાલકો પરેશાન થઇ ચુક્યા છે અને એમાં પણ જો વરસાદ પડી ગયો હોય તો આ જ ખાડાઓ પાણીથી ભરાઈ જાય છે. જેના કારણે વાહન ચાલકોને ખાડા દેખાતા નથી અને મોટા અકસ્માતનો ભય સર્જાઈ છે. હવે આ ખાડામાંથી સુરતવાસીઓને ક્યારે રાહત મળશે તે જોવું રહ્યું.