વ્યારા: ડોસવાડા ધોરી માર્ગ પર ખાડાને કારણે પૂરપાટ ઝડપે દોડતી દારૂની ગાડી પલટી મારી જતાં દારૂની પેટીઓ ઊછળી છે, તેનાથી દારૂની મોટાપાયે થતી ઘૂસણખોરીની પોલ ખુલ્લી પડી ગઈ છે.
બુટલેગર મહિલા સહિત બે ઘવાયાં, ધોરી માર્ગના ખાડાએ દારૂની મોટાપાયે થતી હેરાફેરીની પોલ ખોલી દીધી
બુટલેગરોના મોબાઇલની તપાસ જરૂરી, બુટલેગરોની ગુલામી કરતા પોલીસકર્મીઓની સંડોવણી ખુલ્લી પડી જાય તેમ છે
સોનગઢથી વ્યારા તરફ જતા નેશનલ હાઇવે ઉપર ગત તા.૪/૯/૨૦૨૪ના રોજ રાતના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ડોસવાડા ગામની સીમમાં હાઇવેની બાજુમાં અશોક લેલન્ડ ગેરેજની સામે નંબર પ્લેટ વગરની સ્કોર્પિઓ (કિં.રૂ.૧૦ લાખ)માં વગર પાસ પરમિટે કાચની દારૂની બાટલીઓ નંગ ૧૧૬૭ કિંમત રૂ.૮૨,૪૦૦નો મુદ્દામાલ તેજસ ઉર્ફે ઘોડો દિપકભાઇ ઉર્ફે મોટો ઘોડો પાટીલ (રહે.,સોનગઢ, બાપા સીતારામનગર) રોશની રમણભાઇ ગામીત (રહે.,પાંખરી ગામ, નંદા પટેલ ફળિયું, તા.ઉચ્છલ) સાથે કુલ કિં.રૂ.૧૦,૮૨,૪૦૦નો પ્રોહિ. મુદ્દામાલ લઇ જતા હતા. જે ગાડી ખાડામાં ઊછળતા પલટી મારી ગઈ હતી, જેમાં આ બંને બુટલેગર ઘવાયા હતા. બંને બુટલેગરને વ્યારા જનરલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
હાલ તો આ બુટલેગર સાથે સ્થનિક પોલીસની સંડોવણી છે કે કેમ? અગાઉ આ બુટલેગરે દારૂના કેટલા ફેરા માર્યા? દારૂ કોને આપતો હતો? હાલ આ બુટલેગરોના મોબાઇલ કબજે કરી તે દિશામાં ઝીણવટભરી તપાસ ધરવામાં આવે તો આ બુટલેગર સાથે અન્ય બુટલેગરો અને ખાખીની આડમાં બુટલેગરોની ગુલામી કરતા કેટલાક પોલીસકર્મીઓની સંડોવણી બહાર આવે તેમાં કોઇ શંકાનું સ્થાન નથી. સોનગઢ લક્કડકોટ, ગૌમુખ અને ઓટારોડ થઈ છેક તાપી જિલ્લા, સુરત જિલ્લો-શહેર તેમજ છેક કામરેજ-અંકલેશ્વર, ભારૂચ સુધી મોટાપાયે દારૂની હેરાફેરી થઈ રહી છે. તાપી જિલ્લામાં બુટલેગરો દ્વારા પોલીસ પર અગાઉ જીવલેણ હુમલાઓ પણ થયા છે. બુટલેગરોથી પોલીસ સુરક્ષિત નથી તો આમ નાગરિકો કેટલા સુરક્ષિત હશે? તેનો અંદાજો અહીં કાઢી શકાય છે.
મોટા ભાગની નંબર પ્લેટ વગરની ફરતી ગાડીઓ બુટલેગરો કે પોલીસની હોય છે!
વ્યારા: તાપી જિલ્લામાં મોટાપાયે કાળા કાચ અને નંબર પ્લેટ વગર ગાડીઓ ફરી રહી છે. આ ગાડીઓને ટોલનાકું કે ટ્રાફિક પોલીસનું પણ ગ્રહણ નડતું નથી. આવી મોટા ભાગની ગાડીઓ બુટલેગરો અને પોલીસની હોવાનું કહેવાય છે. અહીં દારૂની હેરાફેરી તો ઠીક પણ નંબર પ્લેટ વગરની ગાડીનો ઉપયોગ કરી કોઇ પણ વ્યક્તિ મોટું ગુનાહિત કૃત્ય આચરી શકે છે, ત્યારે પોલીસ માટે જ ગુનો ઉકેલવો માથાનો દુખાવો બને એ પહેલાં ટોલપ્લાઝા પરથી પસાર થતાં નંબર પ્લેટ વગરનાં વાહનો કોનાં છે? નંબર પ્લેટ નહીં લગાડવા પાછળનો આશય શું? અહીં કડક પગલાં ભરવા જરૂરી છે.