Gujarat

રાજ્યના મંત્રી મંડળમાં મોટા ફેરબદલની શક્યતા, સુરતને પહેલીવાર Dy.CM મળવાની આશા

સુરત: ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની વરણી બાદ ટૂંક સમયમાં મંત્રીમંડળમાં પણ ફેરફારો કરવામાં આવે તેની ચર્ચા ભારે જોરશોરથી ચાલી રહી છે. આજે અચાનક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હીં પહોંચ્યા હતા. તેમની સાથે ગુજરાત ભાજપના સંગઠન મંત્રી રત્નાકર પણ દિલ્હી પહોંચ્યા હોવાથી મંત્રીમંડળના નવિનીકરણ માટે ચર્ચા થવાની પુરી સંભાવના જણાવાઈ રહી છે.

  • હાલમાં સુરત શહેરમાંથી બે મંત્રી અને સુરત ગ્રામ્યમાંથી બે મંત્રીનો ક્વોટા જળવાયેલો રહેશે
  • ગ્રામ્યમાં પણ મંત્રીઓમાં ફેરબદલ થશે તેવી ભાજપના જ આગેવાનોમાં ચાલતી ચર્ચા

મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળનાર હોવાથી આગામી દિવસોમાં મંત્રીમંડળમાં ફેરબદલ થશે તે નક્કી મનાઈ રહ્યું છે ત્યારે સુરતને ઈતિહાસમાં પ્રથમ વખત ગૃહમંત્રીપદ મળે તેવી સંભાવના જોવાઈ રહી છે. સુરતમાંથી બે ધારાસભ્ય મંત્રી બનશે તે નક્કી છે પરંતુ તેમાં કોનો સમાવેશ કરવામાં આવશે તે મુદ્દે અનેક રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે.

હાલમાં સુરતમાંથી પ્રફુલ પાનશેરીયા અને હર્ષ સંઘવી રાજ્ય સરકારમાં મંત્રી છે. જ્યારે સુરત ગ્રામ્યમાંથી મુકેશ પટેલ અને કુંવરજી હળપતિ મંત્રી છે. નવા મંત્રીમંડળમાં પણ સુરતમાંથી બે અને સુરત ગ્રામ્યમાંથી બે મંત્રીનો ક્વોટા જળવાયેલો રહેશે. પરંતુ બદલાવ થવાની સંભાવના છે.

બની શકે છે કે એક મંત્રીના ખાતામાં ફેરબદલ નહીં થાય અને તેને ડેપ્યુટી સીએમનું પદ પણ આપવામાં આવશે. જ્યારે બીજા સૌરાષ્ટ્રવાસી મંત્રીના સ્થાને સૌરાષ્ટ્રવાસી ધારાસભ્યને જ મંત્રીપદ આપવામાં આવે તેવી ચર્ચા છે.

સૌરાષ્ટ્રમાં ભાજપે વિસાવદરની બેઠક ગુમાવ્યા બાદ પાટીદારોને નારાજ કરવું ભાજપ સરકારને પાલવે તેમ નથી. જેથી સુરતમાં એક પાટીદાર ધારાસભ્યને મંત્રીપદ મળશે જ. બીજી તરફ ગ્રામ્યમાં પણ ફેરબદલ થશે તેવું મનાઈ રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આજકાલમાં જ નવા મંત્રીમંડળની જાહેરાત થઈ જશે અને સંભવત: 16મી તારીખે નવા મંત્રીમંડળનો શપથવિધી પણ થાય તો નવાઈ નહીં હોય.

ગુજરાતમાં અત્યાર સુધી કોણ કોણ ઉપમુખ્યમંત્રી બન્યું છે
ઉપમુખ્યમંત્રી કાર્યકાળ

  • ચિમનભાઈ પટેલ અને કાંતિલાલ ઘીંઆ માર્ચ, 1972થી જુલાઈ 1973
  • કેશુભાઈ પટેલ માર્ચ, 1990થી ઓકટો. 1990
  • નરહરી અમિન ફેબ્રુ, 19994થી માર્ચ, 1995
  • નીતિન પટેલ ઓગ., 2016થી સપ્ટે., 2021

Most Popular

To Top