Charchapatra

સકારાત્મક જીવનશૈલી

જીવનશૈલી એટલે આપણે જે અનુસાર આપણું જીવન જીવીએ છીએ તે પધ્ધતિ. અર્થાત્ આપણા વિચારો, બોલચાલ, ઊઠવું–બેસવું, વ્યવહાર, ખાણી-પીણી, પહેરવેશ, રહેણી-કરણી વગેરેનું સંયુકત સ્વરૂપ છે. જીવનશૈલીને બે ભાગોમાં વિભાજીત કરી શકાય. (૧) સકારાત્મક જીવનશૈલી (૨) નકારાત્મક જીવનશૈલી. સકારાત્મક જીવનશૈલી એટલે જેમાં આપણે જીવનને વધુ સારું બનાવનારી પધ્ધતિ અપનાવીએ છીએ. આ શૈલી આપણને ઉન્નતિના માર્ગમાં સહાયરૂપ થાય છે. જે થકી સારા દિવ્ય ગુણો અને કળાઓનો વિકાસ થાય છે. જે થકી જીવન સ્વર્ગ જેવું બની જાય છે. નકારાત્મક જીવનશૈલી એટલે એવી પધ્ધતિ કે જેમાં જીવનને વધુ સારી બનાવનારી પધ્ધતિનો અસ્વીકાર કરવામાં આવે છે અર્થાત્ એને અપનાવવાનો પ્રયત્ન કરવામાં આવતો નથી. આને કારણે બૂરી આદતોનો વિકાસ થાય છે અને જીવન નર્ક જેવું બની જાય છે.

સકારાત્મક જીવનશૈલીને સ્પષ્ટરૂપે સમજવા માટે મુખ્ય ત્રણ ભાગોમાં એનો અભ્યાસ કરી શકાય. (૧) સકારાત્મક વિચાર (ર) સકારાત્મક વ્યવહાર (૩) સકારાત્મક રહેણી-કરણી. આપણે આ વાતને એક નાના ઉદાહરણથી સમજીએ. એક વખત એક વ્યકિતએ પ્રયોગ કર્યો. એણે બે કૂંડાંમાં એક જ જાતના બે છોડ વાવ્યા. બંનેને એકસરખું ખાતર આપ્યું, પાણી આપ્યું. પહેલા કૂંડા પાસે જઈને એ દરરોજ સકારાત્મક વિચારો કરતો જયારે બીજા કૂંડા પાસે જઈ નકારાત્મક વિચાર કરતો. એક મહિના પછી એણે જોયું તો પહેલા કૂંડાના છોડ પર સરસ ફૂલો ઊગ્યાં હતાં જયારે બીજા કૂંડાનો છોડ સાવ સૂકાઈ ગયો હતો. જો ઝાડ-છોડ ઉપર સકારાત્મક અને નકારાત્મક વિચારોની આટલી મોટી અસર થઈ શકે છે તો મનુષ્ય પર કેમ નહીં? આપણે આપણી વિચારધારામાં સ્વમાનને મહત્ત્વ આપીએ.

જે આપણા મનોબળને ઊંચે લઈ જાય છે અને શ્રેષ્ઠ બનવા માટે પ્રેરણા આપે છે. આપણે દર અઠવાડિયે દરરોજ એક દિવસ એક સ્વમાનને અર્થાત્ એક સારા વિચારને મનન-ચિંતન કરી અમલમાં મૂકીએ. દર સોમવારે વિચારીએ કે હું સફળતાનો સિતારો છું, મંગળવારે,હું પ્રભુના બગીચાનું સુંદર ફૂલ છું, બુધવારે હું વિજયરત્ન છું, ગુરુવારે હું પ્રભુપિતાનું પ્રિય સંતાન છું, શુક્રવારે પ્રભુ મારા સાથી છે, શનિવારે હું ઈશ્વરની છત્રછાયામાં છું અને રવિવારે હું પવિત્રતાનો અવતાર છું. આમ શ્રેષ્ઠ વિચાર દ્વારા આત્મવિશ્વાસમાં ઉન્નતિ થતી જશે, પ્રભુ પિતા હજાર હાથો વડે આપણી મદદ કરતા રહેશે અને આપણે આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધતા રહીશું.  મહાન ચિંતક ચર્ચિલે કહ્યું છે કે હું આશાવાદી છું કારણ કે નિરાશાવાદી થવાથી કોઈ લાભ થતો નથી.

આ વાતને આપણે એક વાર્તા દ્વારા સમજીએ. એક વખત બે દેડકા દૂધના બે ડબ્બામાં પડી ગયા. પહેલો દેડકો વિચારવા લાગ્યો કે હું અહીંથી બહાર નીકળી શકું તેમ નથી. અહીં ઘણું અંધારું છે. હું આ ભારી ઢાંકણને ઊંચકી શકું તેમ નથી કે ન તો તળિયામાં કાણું પાડી શકું તેમ છું. નિરાશ થઈને એણે પોતાની જાતને છોડી દીધી અને તે ડૂબી ગયો. બીજો દેડકો પણ એવી સ્થિતિમાં હતો. એણે આશા છોડી નહીં. અહીંથી શી રીતે બહાર નીકળી શકાય એ વિશે એણે વિચાર કર્યો. હું આ વજનદાર ઢાંકણ ઉઠાવી શકું તેમ નથી, તળિયામાં કાણું પાડી શકું તેમ નથી પરંતુ વડીલો પાસેથી એક વાત હું શીખ્યો છું કે પ્રવાહી પદાર્થોમાં તરવું જોઈએ. એણે તરવાનું શરૂ કર્યું, તરતા તરતા દૂધ માખણ બની ગયું અને તે માખણના ગોળા ઉપર બેસી ગયો.

જયારે દૂધવાળાએ દૂધનો ડબ્બો ખોલ્યો કે તરત જ તે કૂદીને બહાર ચાલ્યો ગયો.  સકારાત્મક વિચાર માટે દરરોજ થોડો સમય ફાળવીને પોતાની જાત સાથે એક મિત્ર યા પ્રશંસકના રૂપે પ્રેમપૂર્વક વાતો કરો. પોતાની જાતને પ્રોત્સાહન આપો અને ઉત્તમ કાર્ય બદલ અભિનંદન આપો. આપણી વાણીમાં પણ મીઠાશ હોવી જરૂરી છે. મીઠી વાણી વડે આપણે સૌ કોઈને મિત્ર બનાવી શકીએ છીએ, સંબંધોને સુધારી શકીએ છીએ. જીવનમાં મીઠાશ ઘૂંટવાનો એ જાદુઈ મંત્ર છે. માનવીએ ચહેરા પર મુસ્કાન રાખવી ખૂબ જરૂરી છે. મુસ્કાનને મુખનું ઈન્દ્રધનુષ કહેવામાં આવ્યું છે. એનામાં પારકાને પોતાના બનાવી દેવાની અદભુત શકિત હોય છે.

માનવીએ પરોપકારી સ્વભાવ રાખવો પણ જરૂરી છે. શ્રી અરવિંદનું કથન છે – ‘તણખલા જેવડો ઉપકાર કરવાની તક મળે તો તેટલો ઉપકાર પણ કરી લ્યો કારણ કે એનું ફળ તાડ જેવું મોટું હોય છે. આ વાત એક સત્ય ઘટનાથી સમજીએ. જોન નામે એક ગરીબ છોકરો સેલ્સમેનનું કામ કરીને પોતાના ભણતરનો ખર્ચ કમાઈ લેતો હતો. એક વખત પોતાનાં કામ દરમ્યાન, તે ભૂખ્યોતરસ્યો એક ઘર પાસે પહોંચ્યો. એક મહિલાએ દરવાજો ખોલ્યો. જોને કહ્યું – “મારી પાસે ઘર ઉપયોગી વસ્તુઓ છે, આપ એ ખરીદશો?” છોકરાની સ્થિતિ જોઈ તેણે સામાન ખરીદ્યો.

છોકરાને ખૂબ તરસ લાગી હતી એટલે તેણે પૂછયું, “શું મને એક ગ્લાસ પાણી આપી શકશો?” મહિલાએ કહ્યું, “બેટા, તું ભૂખ્યો પણ છે, હું તારે માટે કશુંક લઈ આવું છું.” મહિલાનો પ્રેમ જોઈને એની આંખો ભરાઈ આવી. તે ભૂખ્યો હતો પરંતુ સ્વમાની હતો એટલે તે બોલ્યો, “નહીં આપનો આભાર, મને ફકત એક ગ્લાસ પાણી જ આપો.” પેલી મહિલા અંદર જઈને એક ગ્લાસ દૂધ લઈ આવી. છોકરો સમજી ગયો કે દૂધના નામે તેની તરસ અને ભૂખ મિટાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેણે સંકોચાઈને પૂછયું “આના કેટલા પૈસા આપવાના છે?” મહિલાએ કહ્યું, “દરેક વસ્તુની કિંમત પૈસામાં આંકવામાં આવતી નથી.” 

ઘણાં વર્ષો વીતી ગયાં, પેલી મહિલા ગંભીર બીમારીમાં સપડાઈ ગઈ. એનો ઉપચાર લાંબા સમય સુધી ચાલ્યો પરંતુ તે સાજી ન થઈ. અંતે એક મોટા ડૉકટરને બોલાવવામાં આવ્યા. એની સારવારને કારણે, થોડા દિવસોમાં તે સાજી થઈ ગઈ પરંતુ મસમોટા બિલને કારણે ચિંતાતુર હતી. છેલ્લે દિવસે તે બિલ લેવા ગઈ તો જોયું કે બિલની મોટી રકમ ઉપર છેકો મૂકીને લખ્યું હતું, “આ બિલની પૂરેપૂરી રકમની ચૂકવણી એક ગ્લાસ દૂધના બદલામાં થઈ ચૂકી છે અને નીચે સહી હતી – ડૉ. જોન.’ આપણે આપણા જીવનમાં સકારાત્મક રહેણી-કરણી તરફ પણ ખૂબ ધ્યાન આપવું જરૂરી છે. જેવા કે યોગ્ય ખાણી-પીણી, સાદો પોશાક, સમયનો સદુપયોગ, જલ્દી ઊઠવાની ટેવ, સાધનો પ્રત્યે મમત્વનો અભાવ. મિત્રો, આપણે પણ સકારાત્મક જીવનશૈલી જીવવા માટે દરરોજ સકારાત્મક વિચાર દ્વારા પરસ્પર સકારાત્મક વ્યવહાર કરીએ અને રોજિંદા જીવનમાં સકારાત્મક રહેણીકરણી માટે પણ એટલા જ જાગૃત રહીએ તો આપણું જીવન સુખ–શાંતિ અને સમૃધ્ધિથી ભરપૂર બની રહેશે. આપણે આપણા મિત્રો, સંબંધીઓ સાથે આવું જીવન જીવવા પ્રેરણાસ્ત્રોત બનીએ એવી શુભ ભાવના સાથે.

Most Popular

To Top