Columns

મોબાઇલ એપના આધારે પોર્નોગ્રાફીનો અબજો રૂપિયાનો ધંધો છે

મુંબઈની પોલિસે પોર્નોગ્રાફીનો ધંધો કરવા બદલ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરી છે, પણ તેની જેમ જ મોબાઇલ એપ બનાવી પોર્નોગ્રાફીનો વેપાર કરનારા ઘણા લોકોનો વાળ પણ વાંકો થતો નથી. રાજ કુન્દ્રા પહેલાં હોટશોટ નામની મોબાઇલ એપ વડે પોર્નોગ્રાફીનો વેપાર કરતો હતો. તેને જ્યારે લાગ્યું કે સરકાર હોટશોટ નામની એપ પર પ્રતિબંધ મૂકશે, ત્યારે તેણે બોલિફેમ નામની એપ લોન્ચ કરી હતી.

આજની તારીખમાં પણ હોટશોટને ગૂગલ પ્લેસ્ટોર પર પ્રતિબંધિત કરવામાં આવી છે, પણ ઉલ્લુ, ગુપચુપ, કૂકુ, ફ્લિઝ મુવીસ વગેરે ૩૦ જેટલી એપ ગૂગલ પર મળે છે, જેમાં રૂપિયા લઈને પોર્નોગ્રાફી પીરસવામાં આવે છે. બાલાજી ફિલ્મની અલ્ટ બાલાજી નામની એપ માત્ર ઇરોટિક ફિલ્મો બતાડવાનો દાવો કરે છે, પણ તેમાં ક્યારેક પોર્નોગ્રાફીની કક્ષાનાં દૃશ્યો પણ બતાડવામાં આવે છે. રાજ કુન્દ્રાની ધરપકડ પછી પણ આ ગંદો ધંધો ચાલુ છે.

લોકો જે રીતે પોતાના ઘરે બેસીને ટીવી સિરિયલો જુએ છે, તેમની આદતોમાં ઓટીટી પ્લેટફોર્મોને કારણે ધરમૂળથી પરિવર્તન આવી ગયું છે. પહેલાં લોકો પોતાની માનીતી ટીવી સિરિયલનો નવો એપિસોડ જોવા દિવસો સુધી રાહ જોતા હતા. હવે તેઓ નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઇમ જેવી એપનો ઉપયોગ કરીને આખી સિરિયલ ડાઉનલોડ કરી શકે છે અને પોતાની ફુરસદે જોઈ શકે છે. આ સિરિયલો જોવા માટે ટીવીની પણ જરૂર પડતી નથી.

કોઈપણ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરીને આ સિરિયલો જોઈ શકાય છે. તેવી રીતે અગાઉ પોર્ન ફિલ્મો જોવા માટે કેટલીક વેબસાઇટની મુલાકાત લેવી પડતી હતી, જેમાંની મોટા ભાગની મફતમાં મળતી હતી. હવે પોર્નોગ્રાફી એપના માધ્યમથી વેચવામાં આવે છે, જે મફતમાં મળતી નથી. રૂપિયા ખર્ચીને મોબાઇલ એપ ડાઉનલોડ કર્યા પછી પણ દરેક ફિલ્મ માટે અલગથી રૂપિયા ચૂકવવાના હોય છે. આ રીતે પોર્નોગ્રાફિક ફિલ્મ થકી કમાણી વધી ગઈ હોવાથી મુંબઈમાં પોર્નોગ્રાફીનો મોટો ઉદ્યોગ ઊભો થઈ ગયો છે.

ભારતમાં કાયદા વડે પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પણ પોર્નોગ્રાફીનો વેપાર કરનારાઓ કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરીને બેરોકટોક તેનો વેપાર કરે છે. ભારતની યુવા પેઢી અને સ્કૂલમાં ભણતાં બાળકો સુદ્ધાં પોર્નોગ્રાફીના ગ્રાહકો થઈ ગયા છે. હાલમાં કોરોનાને કારણે બાળકો ઓનલાઈન ભણી રહ્યાં હોવાથી દરેક બાળકને માબાપે ફરજિયાત સ્માર્ટ ફોન આપવો પડે છે.

માતાપિતા નોકરી કરવા ગયાં હોય ત્યારે બાળક ઘરે સ્માર્ટ ફોન પર પોર્નોગ્રાફી જોતો થઈ જાય છે. જો તેના હાથમાં માતાનું કે પિતાનું ક્રેડિટ કાર્ડ આવે તો બાળક તેનો ઉપયોગ કરીને મોબાઇલ એપ પણ ડાઉનલોડ કરતાં શીખી જાય છે. ગૂગલ પ્લેસ્ટોરમાં એવી સંખ્યાબંધ એપ છે, જેમાં શૃંગારિક દૃશ્યોથી માંડીને પોર્ન ફિલ્મો બતાડવામાં આવે છે. શૃંગાર અને પોર્ન વચ્ચેની પાતળી ભેદરેખા ક્યારે ઓળંગી જવામાં આવે છે, તેનો પણ ખ્યાલ રહેતો નથી. આ કારણે જ શિલ્પા શેટ્ટીએ પોતાના પતિનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘‘રાજ કુન્દ્રા પોર્નોગ્રાફિક નહીં પણ શૃંગારિક ફિલ્મો બનાવે છે.’’

મોબાઇલ પર પોર્નોગ્રાફીનો જે વેપાર ચાલે છે તેના ગ્રાહકો મેટ્રો સિટીના નથી હોતા પણ બીજા અને ત્રીજા દરજ્જાનાં શહેરોના હોય છે. કોવિડ-૧૯ને કારણે લોકોને મહિનાઓ સુધી ઘરમાં ગોંધાઈ રહેવાની ફરજ પાડવામાં આવી હતી તેને કારણે છેલ્લાં દોઢ વર્ષમાં પોર્ન ફિલ્મોના કારોબારમાં જંગી ઉછાળો આવ્યો છે. લોકડાઉન દરમિયાન મુંબઈમાં હિન્દી ફિલ્મોનું શૂટીંગ પણ બંધ હતું. તેને કારણે નાનાં શહેરમાંથી મુંબઈ આવીને ભાડાંના ફ્લેટમાં રહેતી અનેક નાની અભિનેત્રીઓને ગુજરાન ચલાવવાનાં ફાંફાં પડી ગયા હતા. તેમના માટે રાજ કુન્દ્રા જેવા પોર્ન નિર્માતાઓ પ્રાણવાયુ જેવા બની ગયા હતા. તેમણે આ અભિનેત્રીઓ પાસે પોર્ન ફિલ્મોમાં કામ કરાવીને તેમની આર્થિક સમસ્યા હલ કરી આપી હતી. પોર્ન ફિલ્મોમાં કામ કરવા માટે કોઈ દબાણ કરવામાં આવતું નથી. પૈસાની લાલચથી સ્ત્રીઓ જાતે કપડાં ઊતારવા તૈયાર થઈ જાય છે.

પોર્ન ફિલ્મોનું શૂટીંગ મુંબઈ, લોનાવલા, માથેરાન, સુરત કે મહાબળેશ્વરમાં આવેલા એકાંત બંગલામાં કે ફાર્મ હાઉસમાં કરવામાં આવે છે. જે બંગલામાં શૂટીંગ ચાલતું હોય તેને બહારથી લીલાં કપડાં વડે ઢાંકી દેવામાં આવે છે. પોર્ન ફિલ્મના શૂટીંગ માટે આશરે ૬ કર્મચારીનું યુનિટ હોય છે. તેમાં નિર્માતા, લેખક, નિર્દેશક,  સંગીતકાર, કેમેરામેન, મેક અપ મેન વગેરેનો સમાવેશ થાય છે. ઘણી વખત તો મેક અપ મેન જ કેમેરામેનની ભૂમિકા ભજવતો હોય છે. સંગીતની તફડંચી કરવામાં આવે છે. બજેટ મર્યાદિત હોવાથી ઘણી વખત ડબિંગ કરવાની કડાકૂટ પણ કરવામાં આવતી નથી.

બીજા કોઈ પણ ફિલ્મી ધંધાની જેમ પોર્ન ફિલ્મોના ધંધાના પણ બે ઘટકો હોય છે. પહેલું ઘટક પ્રોડક્શનનું હોય છે તો બીજું ઘટક વિતરણનું હોય છે. પોર્ન ફિલ્મોનું પ્રોડક્શન અચૂકપણે ભારતમાં થાય છે, પણ તેનાં વિતરણ માટે વિદેશી કંપનીની મદદ લેવામાં આવે છે. ભારતના કાયદા મુજબ જો કોઈ પોર્નોગ્રાફિક વેબસાઇટનું સર્વર વિદેશમાં હોય તો તેની સામે ભારત સરકાર કોઈ પગલાં ભરી શકતી નથી. ભારતના કાયદા વિદેશની ભૂમિ પર કામ કરતા નથી. રાજ કુન્દ્રાએ પણ લંડનમાં તેની એપને લોન્ચ કરવા માટે અલગ કંપની ખોલી હતી. તેનું સંચાલન તેનો સાળો જ કરતો હતો. રાજ કુન્દ્રા પણ તેમાં ભાગીદાર હતો, પણ તે ગંધ આવી જતાં નીકળી ગયો હતો.

મોટા ભાગના વેપારીઓ પોર્ન ફિલ્મોનું નિર્માણ પોતે નથી કરતા, પણ નાના નિર્માતાને તે કામ સોંપી દે છે. રાજ કુન્દ્રા પોતે શોખીન હોવાથી તેણે નિર્માણનું કામ પોતાના હાથમાં રાખ્યું હતું. રાજ કુન્દ્રા પોતે જ યુવતીઓનું ઓનલાઇન ઓડિશન લેતો હતો, જેમાં તેને સ્ક્રીન ટેસ્ટના નામે કપડાં ઊતારવાનું કહેવામાં આવતું હતું. જે યુવતીઓ કેમેરા સામે કપડાં ઊતારવામાં સંકોચ ન અનુભવે તે પોર્ન ફિલ્મમાં કામ કરવા તૈયાર થઈ જશે, તેવું માની લેવામાં આવતું હતું. જો કોઈ યુવતી એક વખત પોર્ન ફિલ્મમાં કામ કરવા તૈયાર થઈ જાય તો તે બચી શકતી નહીં.

તેની ક્લિપ વાઇરલ કરી દેવાની ધમકી આપીને તેને કામ કરવા મજબૂર કરવામાં આવે છે. વિદેશોમાં જેમ પોર્નસ્ટારોનું કલ્ચર વિકસ્યું છે તેમ ભારતમાં પણ તેવું કલ્ચર વિકસી રહ્યું છે. પૂનમ પાંડે, શેર્લિન ચોપ્રા અને ગહેના વશિષ્ઠનાં નામો પોર્ન માટે જાણીતા બની ગયાં છે. તેમનો ચહેરો જાણીતો હોવાથી તેમને એક ફિલ્મમાં કામ કરવાના ૨૫થી ૩૦ લાખ રૂપિયા મળે છે. નવોદિત સ્ત્રીઓ ૨૫ હજાર રૂપિયામાં પણ કામ કરવા તૈયાર થઈ જાય છે. આ યુવતીઓની ડિમાન્ડ કોલગર્લની બજારમાં પણ વધી જાય છે.

ભારતમાં મુંબઈ શહેર બોલિવૂડની જેમ પોર્નોગ્રાફી ઉદ્યોગનું પણ હેડ ક્વાટર્સ બની ગયું છે, તેમાં કોઈ શંકા નથી. આ ઉદ્યોગમાંથી પોલિસને પણ ચિક્કાર કમાણી થઈ રહી છે. મુંબઈ પોલિસે ગયા ફેબ્રુઆરી મહિનામાં મઢ ટાપુ પર દરોડો પાડ્યો હતો, જેમાં રાજ કુન્દ્રાનું નામ બહાર આવ્યું હતું. મુંબઈની પોલિસને રાજ કુન્દ્રા સુધી પહોંચતા ૬ મહિના કેમ લાગ્યા? તે દરમિયાન પડદા પાછળ કોઈ સોદાબાજી ચાલતી હતી. રાજ કુન્દ્રાના સહયોગીના દાવા મુજબ તેણે ધરપકડથી બચવા મુંબઈ પોલિસને ૨૫ લાખ રૂપિયાની લાંચ પણ આપી હતી. કદાચ વધુ રકમ માટે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પૈસાના ચક્કરને કારણે જ મોબાઇલ એપ બંધ કરાવવામાં આવતી નથી.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top