SURAT

સુરતમાં પોર્ન વિડીયોનો વેપાર: મોબાઈલ દુકાનની આડમાં બ્લુ ફિલ્મો ડાઉનલોડ કરી આપતા બે પકડાયા

સુરત: (Surat) પાંડેસરા ખાતે બ્લુ ફિલ્મ જોઈને બાળકી સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બાદ પોલીસ કમિશનરે શહેરમાં પોર્ન વિડીયો (Porn Video) વેચનાર સામે કાર્યવાહીના આદેશ આપ્યા હતા. ક્રાઈમ બ્રાંચે વડોદમાં અને અમરોલી પોલીસે કોસાડ આવાસમાં બ્લુ ફિલ્મો વેચનારા બે મોબાઈલ દુકાનદારોની (Mobile dealers) સામે ફરિયાદ નોંધી હતી.

પાંડેસરા વિસ્તારમાં બાળકી સાથે બળાત્કાર બાદ હત્યાની (Rape And Murder) ઘટનામાં કોર્ટે ચૂકાદો આપી દીધો છે. પરંતુ આ ઘટનાની ગંભીરતા બાદ પોલીસ કમિશનરે સમગ્ર શહેરમાં પોર્ન સામગ્રી વેચનારાઓની સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેને પગલે તપાસ વખતે ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, વડોદ ગામમાં કમલાચોક ઇન્દિરા નગર ખાતે આર્ય મોબાઈલ નામની દુકાનમાં માલિક રવિ પાલ અને કારીગર અનિલ વિશ્વકર્મા પોતે ગ્રાહકો પાસેથી પૈસા લઈ કોમ્પ્યુટરમાંથી ફોનમાં બિભત્સ અને અશ્લીલ ફિલ્મો ડાઉનલોડ કરી આપે છે. ક્રાઈમ બ્રાંચે ડમી ગ્રાહક મોકલીને મોબાઈલના દુકાનદારને ઝડપી પાડ્યો હતો અને તેમની પાસેથી 56 વિડીયો ક્લીપ્સવાળી ફાઈલ કોમ્પ્યુટરમાં મળી આવી હતી.

ક્રાઈમ બ્રાંચે કોમ્પ્યુટર સહિતની સામગ્રીઓ કબજે લઈને આરોપી રવિ નનકુ પાલ (ઉ.વ.22, રહે.પ્રિયંકા ગોલ્ડ સીટી સોનારી ગામ, પાંડેસરા) તથા અનિલ હીરાલાલ વિશ્વકર્મા (ઉ.વ.24, રહે.માં બિંદવાસી આવાસ, વડોદ ગામ) ની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. અમરોલી પોલીસે પણ તેમના વિસ્તારમાં સર્ચ કરતા બાતમી મળી હતી કે, અમરોલી કોસાડ આવાસ ખાતે આવેલા સાંઈ આશિષ મોબાઈલ નામની દુકાનના માલિક ગીરીશ પ્રકાશચંદ્ર પટ્ટી બ્લુ ફિલ્મો તેમના કોમ્પ્યુટરમાંથી ગ્રાહકોના મોબાઈલમાં ડાઉનલોડ કરી આપતો હતો. અમરોલી પોલીસે ડમી ગ્રાહક મોકલીને તેને પકડી પાડતા કોમ્પ્યુટરમાંથી 10 વિડીયો ક્લીપ મળી આવી હતી. પોલીસે તેની સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top