Gujarat

પોરબંદરના માધવપુર ઘેડના મેળામાં 10મી એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિતિ રહેશે

ગાંધીનગર: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પોરબંદર (Porbandar) ખાતે માધવપુર ઘેડના મેળામાં આગામી તા. ૧૦મી એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ અને ઉત્તર પૂર્વ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

રાજ્ય સરકારના માર્ગદર્શન તા.૧૦થી ૧૪ એપ્રિલ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રનો વ્યાપ વધે એ માટે ટુરીઝમ સર્કિટના માધ્યમ દ્વારા એક ભારત – શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે પૂર્વથી પશ્ચિમને જોડતા રાષ્ટ્રીય સાંસ્કૃતિક પર્વની ઉજવણી કરાશે.

સૌરાષ્ટ્રના અતિ મહત્વના ગણાતા આ ભાતીગળ મેળાથી શ્રદ્ધાળુઓને ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના જીવનમાંથી અતુટ શ્રદ્ધા અને આ વિરાસતોની અખંડિતતાની પ્રેરણા મળતી રહે છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં મન કી બાતમાં માધવપુરના આ મેળાનો ઉલ્લેખ કરી તેનું મહત્વ જણાવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગે સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કાંઠે આવેલા માધવપુર ઘેડ ખાતે યોજાતો પરંપરાગત મેળાને રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે પ્રસ્થાપિત કરવા કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વ વિકાસ મંત્રાલય અને ગુજરાતના યુવા સાંસ્કૃતિક વિભાગનના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમોનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ગુજરાત પ્રવાસન નિગમ- સાંસ્કૃતિક વિભાગ દ્વારા પણ મલ્ટી મીડિયા શો, ઈન્ડેક્સ સી દ્વારા એકઝિબિશન, ચાર દિવસ સુધી વિવિધ થીમ પર એક ભારત- શ્રેષ્ઠ ભારતને ઉજાગર કરતી ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરાશે.

માધવપુર ઘેડના મેળાને સૌરાષ્ટ્રની ટુરીઝમ સર્કિટ સાથે જોડી પ્રવાસીઓને સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસતોની જાણકારી મળે અને સાથોસાથ સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું નિર્માણ થાય તેવા બહુઆયામી હેતુ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અનેકવિધ નવતર પ્રયાસો થઈ રહ્યાં છે. પ્રવાસીઓને વિવિધ સગવડતા મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતી તકેદારી સાથે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

Most Popular

To Top