તૌકતે વાવાઝોડા ( tauktea cyclone ) ને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ ( highelaert ) પર મુકાઈ ગયું છે. વાવાઝોડાને કારણે ગુજરાતના કેટલાંક ભાગો અને મુંબઈ પર ખતરો મંડરાઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને લીધે સ્થિતિ વધુ વિકટ બની છે. પોરબંદરમાં પણ તેની અસર જોવા મળી રહી છે.
તૌકતે વાવાઝોડાને કારણે પોરબંદરનું એરપોર્ટ ( porbandar airport ) બંધ કરવાનો એરપોર્ટ ઓથોરિટીએ નિર્ણય લીધો છે. ગઈકાલથી એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે. 17 અને 18 મે એમ બે દિવસ એરપોર્ટની તમામ કામગીરી બંધ રાખવામાં આવી છે. આ સંજોગોમાં માત્ર ઈમરજન્સી ઓપરેશન માટે જ ફલાઇટ ચાલુ રહેશે.
ગુજરાત સરકારે આ આપાતકાલની સ્થિતિમાં સરકારના એક-એક મંત્રીને એક-એક જિલ્લાની જવાબદારી સોંપી છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લાની જવાબદારી કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને સોંપવામાં આવી છે. વાવાઝોડાને કારણે સ્થિતિ વિકટ બનતા પોરબંદર જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાંથી અંદાજે 16 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. દરિયાકાંઠાને અડીને આવેલાં ગામોને ખાલી કરાવીને તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.
એટલું જ નહીં 2 હજાર કરતા વધુ બોટને દરિયામાંથી પરત લાવવામાં આવી. સ્થિતિને ધ્યાનમાં રાખીને PGVCLની 38 ટિમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી. NDRFની 3 ટીમ અને 1 SDRFની ટીમ તૈનાત રખાઈ છે. 218 જેટલી સસ્તા અનાજની દુકાને અનાજ પહોંચાડવામાં આવ્યું. તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. 12 અલગ અલગ કોવિડ સેન્ટરો પર જનરેટર, ઓક્સિજન સહિતની સુવિધા ઉભી કરાઈ. 3 દિવસ ચાલે એટલું ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. લોકોને તંત્રને સહકાર આપવા અપીલ પણ કરવામાં આવી છે. અને કામ વગર ઘરની બહાર ન નીકળવા પણ જિલ્લા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.
અરબી સમુદ્રમા ઉદભવેલું તૌકતે વાવાઝોડું 17 મીને રાત્રે દિવ-ગીર સોમનાથ જિલ્લામાં ત્રાટક્યુ હતું. દીવ- ગીર સોમનાથ જિલ્લામાં જ્યારે વાવાઝોડુ ટકરાયુ ત્યારે પવનની ઝડપ 150 થી 180 કિલોમીટરની હોવાનું સામે આવ્યુ છે. તૌકતે વાવાઝોડુ ત્રાટક્યાના બે થી અઢી કલાક સુધી તોફાની પવન ફુકાયો હતો.
ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાયા બાદ તૌકતે વાવાઝોડાની અસર હજુપણ યથાવત છે. ગઈકાલ રાતથી ફૂંકાઈ રહેલા ભારે પવન અને વરસાદ અત્યારે પણ યથાવત છે અને સોમનાથ હાઈવે પર અનેક સ્થળોએ ઝાડ પડયા છે. ભારે વરસાદ અને પવનને પગલે હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાયો છે. અનેક વિસ્તારોમાં હજુપણ વીજપ્રવાહ ખોરવાયેલો છે. સમગ્ર હાઈવેનાં વિસ્તાર પર વૃક્ષો ધરાશાયી થયેલા જોવા મળ્યા છે.