Comments

વસતીવધારો : પીઠ ઉપર સોનું ઊંચકી જતા ગધેડા જેવી સ્થિતિ છે ભારતની, સોનાની કિંમત ખબર નથી પણ બોજ જરૂર લાદ્યો છે

૨૦૨૫માં ભારતની વસતી ૧૪૫.૭૫ કરોડ જ્યારે ચીનની ૧૪૧.૭૭ કરોડ અને અમેરિકાની ૩૪.૬૪ કરોડ હશે. વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો દેશ રશિયા છે પણ તેની વસ્તી ૧૪ કરોડ જેટલી જ છે. તાજેતરમાં જ ચીનને પાછળ મૂકીને ભારત દુનિયાનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બન્યો છે. વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતા દસ દેશોમાં ભારત, ચીન, અમેરિકા, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, નાઈજિરિયા, બ્રાઝિલ, બાંગલાદેશ, રશિયા અને મેક્સિકોનો સમાવેશ કરી શકાય.

વિશ્વની કુલ વસતીના ૧૭.૭૮ ટકા વસતી ભારત ધરાવે છે. ભારત વિશ્વના યુવા દેશોમાંનો એક છે. ભારતની ૬૫ ટકા વસતી ૩૫ વર્ષથી નીચેના વયજૂથમાં છે. ૧૫થી ૫૫ વર્ષના વયજૂથમાં લગભગ ૨/૩ ભાગની વસતી આવી જાય. આને કામ કરવાલાયક ઉંમર કહેવાય. આને પરિણામે ભારતમાં આર્થિક પ્રવૃત્તિ અથવા ઉત્પાદન માટેની ટેક્નોલૉજી એવી પસંદ કરવી જોઈએ કે જે વધુમાં વધુ હાથને કામ પૂરું પાડે એટલે કે શ્રમપ્રચૂર હોય. જ્યાં સુધી રોજગારીને લાગેવળગે છે ત્યાં સુધી કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ આજે પણ સીધી કે આડકતરી પચાસ ટકા રોજગારી પૂરી પાડે છે.

ભલે, કૃષિ જીડીપીની દૃષ્ટિએ માત્ર ૧૫ કે ૧૬ ટકાનો હિસ્સો ધરાવતું હોય પણ કૃષિનો ફાળો રોજગારીની સીધી કે આડકતરી તકો ઊભી કરવામાં ખૂબ મોટો છે. ઉપરાંત કૃષિ ગ્રામ્ય બજારોને ધબકતા રાખે છે. ભારતમાં ઉત્પાદિત વપરાશી માલ-સામાનના પ૦ ટકા કરતા વધુ કૃષિ આધારિત ગ્રામ્ય બજારમાં વેચાય છે. ભારતની અર્થવ્યવસ્થાને પૂરતું ચાલક બળ આપવું હોય તો કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્ર આજે પણ મહત્ત્વની પ્રવૃત્તિ છે.

ત્યાર પછી ઔદ્યોગિક ઉત્પાદન અને નોકરીઓ પૂરી પાડતા સંગઠિત ક્ષેત્રની વાત કરીએ તો સરકારી નોકરીઓ અને રોજગારીમાં તેમ જ દેશના બજાર માટે જરૂરી માલ-સામાન અને ચીજ-વસ્તુઓના ઉત્પાદનમાં ઔદ્યોગિક ક્ષેત્ર ફાળો આપે છે. ઓછામાં ઓછા રોકાણથી વધુમાં વધુ નોકરીઓ પેદા કરતું હોય તો એ માઇક્રો એટલે કે અતિ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ ક્ષેત્ર છે. પહેલા લઘુ ઉદ્યોગોને ખાસ પ્રોત્સાહનો અપાતા અને જે વસ્તુઓ લઘુ ઉદ્યોગ પેદા કરી શકે તે એને માટે અનામત હતી. લઘુ ઉદ્યોગની વ્યાખ્યા મશીનમાં રોકાણ સાથે જોડાયેલી હતી.

ઉદારીકરણના નામે હવે આ બધું બદલીને લઘુ ઉદ્યોગની વ્યાખ્યા ટર્નઓવર સાથે જોડી ૨૦૦ કરોડના ટર્નઓવર સુધીના ઉદ્યોગને લઘુ ઉદ્યોગ ગણવામાં આવે છે. આને કારણે આવા ઉદ્યોગોની એકમદીઠ રોકાણ સામે રોજગારી પેદા કરવાની ક્ષમતા ઘણી ઘટી છે. એક જમાનામાં એક લાખ રૂપિયાના રોકાણ સામે લઘુ ઉદ્યોગ ૬થી ૧૦ માણસોને રોજગારી પૂરી પાડતો હતો. તેની સરખામણીમાં જંગી કારખાનાઓ પાંચ કરોડ કે તેથી વધારે રોકાણ સામે એક વ્યક્તિને રોજગારી પૂરી પાડે છે. આને પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રની રોજગારી પૂરી પાડવાની ક્ષમતા ઘણી ઘટી છે.

એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટીસિટી ઇન્ડેક્ષ એ વિકાસ સામે રોજગારી પૂરી પાડવાની ક્ષમતા દર્શાવતો આંક છે. હવે આ આંક લગભગ શૂન્ય અથવા નકારાત્મક બન્યો છે એટલે આવા જંગી ઉદ્યોગોમાં રોકાણ થાય, જેને વિકાસ કહેવાય, પણ એની સામે રોજગારીનું પ્રમાણ ઘટતું જાય. એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટીસીટી ઇન્ડેક્ષ શૂન્ય અથવા નકારાત્મક બને એટલે પેલા ૬૨ ટકા ૩૫ વર્ષથી નીચેની વયજૂથ ધરાવતા અથવા ૧૫થી ૫૫ના વયજૂથમાં આવતી ૭૦ ટકા વસતીને કામ ના મળે. આને ‘જોબલેસ ગ્રોથ’ કહેવાય. કાંઈક અંશે આ ક્ષતિ સેવાક્ષેત્ર જે કુલ જીડીપીના લગભગ ૨/૩ જેટલો જીડીપી પેદા કરે છે, તે પૂરી કરે. આમ છતાંય સરવાળે ઔદ્યોગિક ઉત્પાદનની પ્રવૃત્તિ શ્રમપ્રચૂર નહીં હોવાને કારણે સરવાળે વિકાસનો ઝળહળાટ ઊભો થઈ શકે પણ એ ઝાંઝવાના જળ જેની આ દેશના યુવાનોને તાતી જરૂરિયાત છે તે રોજગારી ના આપે.

ટેક્નોલૉજી, આધુનિકીકરણ અને મોટા ઉદ્યોગોની ઝાકઝમાળ પાછળ આપણે ગાંડા થયા છીએ, જે ધરમૂળથી પુનઃ વિચારણા માગે છે. આપણી ઔદ્યોગિક નીતિ શ્રમપ્રચૂર હોવી જોઈએ, આપણું ઉત્પાદન વધુ રોજગારી આપે એવું હોવું જોઈએ. આપણે આપણા દેશના બજાર માટે ઉત્પાદન કરીએ છીએ, નિકાસ વ્યાપારમાં આપણો ફાળો ૧.૭પ ટકા કરતા પણ ઓછો છે. અમેરિકા ટેરિફ નાખી નાખીને નાખશે તો શું બગાડી લેવાનું હતું. જે અમેરિકા નહીં વેચાતું લે તો બીજે વેચી શકાશે અને નહીં વેચાય તો દેશમાં વેચાય એવું આપણે ઉત્પાદન કરીશું. બ્રિક્સના બજારોમાં માલ ઠાલવીશું. યુરોપને વેચીશું. કેનેડા સાથે વેપારના નવા દ્વાર ખોલીશું. અમેરિકન ટેરિફને લઈને આપણે ચિંતા કરવાની જરૂર નથી.

છેલ્લે, સર્વિસ સેક્ટર, એટલે કે સેવા સેક્ટર. મોટી રોજગારી પૂરી પાડતું અને વિસ્તરતું જતું આ ક્ષેત્ર હજુ પણ વધુ ધ્યાન માગે છે. નવી નોકરીઓ ઊભી કરવામાં એની પાસે બહુ મોટી તક છે, એના પર ધ્યાન આપી શકાય. ભારત એટલે દુનિયાનો સૌથી વધારે વસતી ધરાવતો દેશ. ભારત એટલે દુનિયાના મોટા દેશોમાં સૌથી વધુ યુવાન દેશ. ભારત એટલે સેવાકીય ક્ષેત્રે મોટું ગજું કાઢી શકવાની શક્યતાવાળો દેશ. ભારત એટલે દુનિયાની સૌથી મોટી મુક્ત બજાર. આ ભારત અને એની અર્થવ્યવસ્થાના હાલ બેહાલ હોય તો પેલી કહેવત, ‘ઝાઝા હાથ રળિયામણા’ અને ‘ઝાઝાં મોં અદીઠ’ ખોટી પડે ને?

નાની પાલખીવાળાના શબ્દો યાદ આવે છે, ‘ઇન્ડિયા ઇઝ લાઇક એ ડોન્કી, લેડન વીથ ગોલ્ડન બાર્સ; ધી ડોન્કી ડઝ નો વર્ક એન્ડ વેલ્યૂ ઑફ ગોલ્ડ બટ નન ધ લેસ ફિલ્સ ધ લોડ ઑફ ઇટ.’ અર્થાત્ ભારતની સ્થિતિ પોતાની પીઠ ઉપર સોનાની લગડીઓ ઊંચકી જતા ગધેડા જેવી છે. ગધેડાને સોનાની કિંમતની સમજણ નથી પણ એનો ભાર એણે જરૂર લાદ્યો છે. અત્યાર સુધી આપણે વસતી વધારાના ફાયદા લેવામાં ખાસ સફળ નથી રહ્યા પણ એનો ભાર જરૂર વેંઢારીએ છીએ.
ડૉ.જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top