કેથોલિક ચર્ચના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસના અવસાન બાદ વેટિકને તેમના અંતિમ સંસ્કારની તારીખ જાહેર કરી છે. અંતિમ સંસ્કાર શનિવારે સવારે 10 વાગ્યે વેટિકન સિટીમાં થશે. સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ કાર્ડિનલ જીઓવાન્ની બટિસ્ટા રે, કોલેજ ઓફ કાર્ડિનલ્સના ડીન દ્વારા કરવામાં આવશે.
પોપ ફ્રાન્સિસ જેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમનું સોમવારે અવસાન થયું. તેમણે 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. સોમવારે જાહેર કરાયેલા સત્તાવાર મૃત્યુ પ્રમાણપત્ર અનુસાર વેટિકન ફિઝિશિયન ડૉ. એન્ડ્રીયા આર્કેન્જેલીએ પુષ્ટિ આપી હતી કે પોપ ફ્રાન્સિસનું મૃત્યુ સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોરના લીધે થયું હતું.

વેટિકન દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજમાં જણાવાયું છે કે પોપ તેમના મૃત્યુ પહેલા કોમામાં ગયા હતા. પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારથી લઈને કોન્ક્લેવની તૈયારીઓ સુધી દરેક જવાબદારી કેમરલેનગો ફેરેલના હાથમાં છે.
કોણ છે દાવેદાર?
પોપ ફ્રાન્સિસના અવસાન પછી દુનિયાની નજર આગામી પોપ કોણ બનશે તેના પર મંડાયેલી છે. ફિલિપાઇન્સના કાર્ડિનલ લુઇસ ટેગલને સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે, જ્યારે ઇટાલીના પીટ્રો પેરોલિન વેટિકનમાં તેમના અનુભવને કારણે સમાચારમાં છે.

ઘાનાના પીટર ટર્ક્સન સામાજિક ન્યાયના હિમાયતી છે અને આફ્રિકન પોપ બનવાની રેસમાં છે. હંગેરીના પીટર એર્ડો અને ઇટાલીના એન્જેલો સ્કોલા પરંપરાગત ચહેરા તરીકે ઉભરી રહ્યા છે. હવે જોવાનું બાકી છે કે આગામી પોપ કોણ બનશે.
પોપની રિંગ તોડી નંખાઈ
પોપના મૃત્યુ પછી વેટિકને ફરી એકવાર સદીઓ જૂની પરંપરાઓનું પુનરાવર્તન કર્યું. આ પરંપરાઓમાં ‘ફિશરમેન રિંગ’ તોડી અને પોપની વ્યક્તિગત મહોરનો નાશ કરવાનો સમાવેશ થતો હતો, જેથી તેમના ચિહ્નનો અન્ય કોઈ દુરુપયોગ ન કરી શકે.
