Columns

પોપકોર્ન બ્રેઇન!!

ફાલ્ગુની આશર

આેન યૉર ફિંગર ટિપ્સ – દુનિયા એક મેળો છે. ચારેકોર દુકાનો છે. વિવિધ દુકાનોમાં અનેક વેરાયટીની વસ્તુઓ છે. ‘ભગવાનરૂપ કસ્ટમર’ને બધું તરત જોઈએ છે. મેગીની જેમ, બે મિનિટમાં. જોકે, મેગી પણ બે મિનિટમાં નથી બનતી. પણ અહીં કસ્ટમરને બધું ફટાફટ જોઈએ છે, હવે દુકાનદાર ક્વોલિટીની ચિંતા કરશે, તો કસ્ટમર આગળ જતો રહેશે, બીજી દુકાને. આવું કેમ છે? એક સંશોધનમાં સામે આવ્યું છે કે ગ્રાહકનું મન ચંચળ હોય છે , ‘પોપકોર્ન’ હોય છે.
ઈન્ટરનેશનલ મીડિયા ઓર્ગેનાઈઝેશન મેટ્રો સાથે વાત કરતા ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ ડૉ. ડેનિયલ ગ્લેઝરે કહ્યું છે કે, એક વસ્તુ હોય છે – ‘પોપકોર્ન બ્રેઈન’. આપણું ધ્યાન અને એકાગ્રતા બાબતની એક પ્રવૃત્તિ, જેમાં આપણું ધ્યાન ઝડપથી એક વસ્તુથી બીજી વસ્તુ તરફ જાય છે. જેમ મકાઈના દાણા ફૂટતા અને વિખરતા હોય છે. એટલે તેને પોપકોર્ન બ્રેઈન કહેવામાં આવે છે.
પોપકોર્ન બ્રેઈન કોઈ નવો શબ્દ નથી. તેનો સૌપ્રથમ ઉપયોગ 2011માં વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધક અને ‘નો ટાઈમ ટુ થિંક’ પુસ્તકના લેખક ડેવિડ લેવી દ્વારા કરવામાં આવ્યો હતો. 2011 પછી વિશ્વમાં ઘણું બદલાઈ ગયું છે. કેટલી યે સરકારો આવી અને ગઈ, નીતિઓ બની અને નિષ્ફળ ગઈ, અદાલતોએ અનેક ઐતિહાસિક નિર્ણયો આપ્યા. આ દરમિયાન ઈન્ટરનેટ આપણાં જીવનનો હિસ્સો બનવા ઘૂસી રહ્યું હતું. આજે લગભગ દરેકના જીવનનો

અભિન્ન ભાગ બની ગયું છે.
મોટાભાગના સર્વેક્ષણો અને અભ્યાસો એ વાત પર સંમત થાય છે કે વિશ્વની લગભગ 60% વસ્તી સોશ્યલ મીડિયા પર છે અને સોશ્યલ મીડિયા પર દિવસમાં સરેરાશ 2 કલાક અને 23 મિનિટ વિતાવે છે.
ભારતમાં પણ પૈસાની લેવડ-દેવડથી માંડીને ટિકિટ બુક કરાવવા અથવા ખાવા-પીવાની વસ્તુઓ ખરીદવા સુધીની દરેક બાબતો લોકો માત્ર ફોન હાથમાં લઈને દરેક કામ પતાવી દે છે. મુખ્ય વાત એ છે કે ઈન્ટરનેટના પ્રસાર સાથે આપણી ટેવો બદલાઈ ગઈ છે. ઈન્ટરનેટ વપરાશની ટેવ પણ. કેલિફોર્નિયા યુનિવર્સિટીના એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે માનવીઓની ‘એટેન્શન સ્પાન’ (ધ્યાન જાળવી રાખવાની અવધિ) ખૂબ જ ઝડપથી ઘટી રહી છે. જે વ્યક્તિ 2004માં સ્ક્રીન પર એકથી બીજી, બીજીથી ત્રીજી વસ્તુ જોવા માટે અઢી મિનિટનો સમય પસાર કરતી હતી, તેણે 2012 સુધીમાં દોઢ મિનિટનો સમય પસાર કરવાનું શરૂ કર્યું અને હવે વ્યક્તિ માત્ર 47 સેકન્ડ સરેરાશ એક વસ્તુને જોવામાં લગાડે છે. હવે સ્થિતિ એવી થઈ છે કે એક વસ્તુ ન ગમે ત્યારે તેને જોવેમાં વધુ સમય બગાડવાને બદલે લોકો આગળ વધી જાય છે! એટલે કે, 47 સેકન્ડમાં ચેનલ ચેન્જ!
મનોવૈજ્ઞાનિકો કહે છે કે સમયની સાથે આ ફેરફાર માનસિક બેચેની પેદા કરે છે. મન અહીં અને ત્યાં કૂદવાનું શરૂ કરે છે કારણ કે વાજબી સમયગાળા માટે કોઈપણ એક વસ્તુ અથવા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ છે. ચિત્રો વિના પુસ્તક વાંચવું મુશ્કેલ છે. સ્ટોરી દ્વારા તમારી કલ્પનાને ખોલવી એ એક મુશ્કેલ કાર્ય છે. તેથી જ 47 સેકન્ડમાં ચેનલ બદલાઈ જાય છે.
તમને ખબર છે આજકાલ ડિજિટલ મીડિયાના કન્ટેન્ટ રાઈટરને એક ફોર્મ્યૂલા આપવામાં આવી છે, 13-3-30! મતલબ 13 સેકન્ડ, 3 મિનિટ, 30 મિનિટ! નહીં સમજ્યા? ચાલો સમજીએ, આ સૂત્રનો હેતુ એ છે કે વાચક/દર્શક પ્રથમ 13 સેકન્ડમાં નક્કી કરશે કે તે આગામી 3 મિનિટ માટે કોઈ ચોક્કસ સામગ્રીને પોતાનો સમય આપશે કે નહીં. પછી આગામી 3 મિનિટમાં તે નક્કી કરે છે કે તે આગામી 30 મિનિટ સુધી ત્યાં રહેશે કે નહીં. તેથી જ સૂત્ર એ કહે છે કે લખાયેલી કે દેખાડવામાં આવતી સામગ્રી કન્ટેન્ટ) એવું હોવું જોઈએ કે વાચક-દર્શક શરૂઆતથી અને અંત સુધી તેમાં મગ્ન રહે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, મનોવિજ્ઞાની ડેનિયલ હેગે સમજાવ્યું છે કે આવું કેમ થાય છે? સોશ્યલ મીડિયા પર સ્ક્રોલ કરતી વખતે જે નવી પોસ્ટ આપણને દેખાઈ છે, જે નોટિફિકેશન આવે છે, જે જાહેરાતો જોઈએ છીએ, તેનાં લીધે આપણામાં ડોપામાઈન રિલીઝ થાય છે. એક એવો હોર્મોન જે મનુષ્યને સુખ, સંતોષ અને પ્રેરણાની અનુભૂતિ આપે છે. (આ જ વાસ્તવિક સમસ્યાનું મૂળ છે.)
અને, બટર પોપકોર્નની જેમ, પોપકોર્ન બ્રેઈન પણ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આની સીધી અસર તમારા મેન્ટલ પરફોર્મન્સ (માનસિક કાર્ય)ને થાય છે.
રિસર્ચ એવું કહે છે કે મગજના સતત વિભાજનને કારણે આપણી વિચારસરણી એવી બની ગઈ છે કે આપણે કોઈપણ કન્ટેન્ટ (સામગ્રી) સાથે ઊંડાણપૂર્વક કનેક્ટ કરવામાં સક્ષમ નથી રહેતા! આપણે માત્ર ઉપરછલ્લા સુખને જ અંતિમ સુખ સમજવાની આદતમાં ફસાઈ ગયા છીએ. આ આપણા ભણતર, સ્મૃતિ અને સંવેદનાના પાયાને હલબલાવી શકે છે. ચિંતા અને માનસિક હતાશા જેવી સમસ્યાઓ વધારી શકે છે.
એટલે કે, ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ સ્ક્રોલ કરીને આપણે ખુશ થઈએ છીએ, ડોપામાઈન તો રિલીઝ થયા છે, પણ આ રીલ્સ આપણી એકાગ્રતાને લગભગ ખતમ કરી રહી છે, ફોક્સ કરવાની આપણી ક્ષમતાને નષ્ટ કરી રહી છે!

Most Popular

To Top