( હાસ્ય ભવિષ્ય )
અસ્સલ ફૂટપાથ ઉપર પોપટ લઈને બેઠેલો કહેવાતો ભવિષ્યવેત્તા, સસ્તું ભવિષ્ય કાઢી આપતો, એ ઘણાએ જોયેલું હશે. પૈસા લઈને રડમુખાને હસમુખા ને હસમુખાને રડમુખા કરી આપતો. “ઇન્સાનકો જબ અપને આપસે ભરોસા ઉઠ જાતા હૈ, તબ વો તોતેવાલી ફ્રેન્ચાયસી પકડતા હૈ..!”ઈ,સ. ૨૦૨૪ નું વર્ષ કેવું જશે, એ ચિંતામાં પાતળા એટલે કે શેકટાની શીંગ જેવાં થવાની જરાયે જરૂર નથી. આપણું ભવિષ્ય આપણી હથેળીમાં છે અને જેને હથેળી પણ નથી એનું ભવિષ્ય પેલા ફૂટપાટિયા ભવિષ્યવેત્તા પાસે પણ નથી. આપણા કર્મમાં સંતાયેલું છે..! થયું એવું કે, બેરોજગાર ચમનિયાએ પણ પોપટ પાળીને ‘પોપટવાળી’ ફ્રેન્ચાયસી લીધી ને રાતોરાત ભવિષ્યવેત્તા બની ગયો. તમારું ૨૦૨૪ નું વર્ષ કેવું જશે, એ જાણવું હોય તો આવો ચમનિયા પાસે..! વાંચશો એટલે ખબર પડી જશે કે, હાસ્ય સાલું પ્રગટ ક્યાંથી થાય છે..?
મેષ : સંવત ૨૦૭૮ નું વર્ષ તમારા માટે ખીચડી જેવું છે. દર મંગળવારે વાયવ્ય ખૂણામાં બેસીને ૧૦૦ થી ૧ સુધીના ઉંધા એકડા બોલવાથી વર્ષ પુલાવ જેવું થશે. કાળજી એટલી જ રાખવાની કે જે વારે જનમ થયો હોય એ વારે જમણી બાજુના ખિસ્સાવાળું લાલ ખમીશ પહેરવું. હૃદયભંગ થવાના યોગ છે. માટે પ્રેમલા-પ્રેમલીનાં ગીતો ગાવાને બદલે હનુમાન ચાલીસા વાંચવી. વૃષભ : આ રાશીવાળાના જીવનમાં, સફળતાનો કુંભઘડો આ વર્ષમાં મુકાશે. છીંક,ખોંખારો કે ઉધરસ આવે તો દિલ્હીની દિશામાં મોં રાખીને ખાવી હિતકર નથી. નવમે કેતુ હોવાથી કાનભંભેરણીના યોગ છે. કાન ઉપર ‘માસ્ક’ બાંધવો ફળદાયી છે. મંગળનો ગ્રહ વક્રી હોવાથી, માગસર મહિનામાં આઈસ્ક્રીમ સાથે ભાત ખાવો લાભદાયી છે. પાંચ સફેદ બળદના રોજ સૂર્યાસ્ત સુધીમાં દર્શન કરવાની સલાહ છે.
મિથુન : તમારી રાશિમાં આ વરસે ચાર-પાંચ ગ્રહોનું ગઠબંધન થાય છે. એટલે કમર-ઘૂંટણ-માથું-ટેટાને પગના તળિયાનો દુખાવો રહેશે. આખા વર્ષમાં માત્ર ત્રણ જ લગનમાં જવાની સલાહ છે. કોઈની જાનમાં તો જવું જ નહિ. કુંવારી બહેનો માટે લગનના યોગ છે. પણ જે મુરતિયાના નાક ઉપર કાળો તલ હોય એની સાથે ભવ માંડવો નહિ. સૌભાગ્યવતી સ્ત્રીએ, દર ગુરુવારે ‘પતિદેવ શરણં મમ’ની ૧૧ માળા કરવી ને દર રવિવારે ૪૧ મીનીટનું મૌન પાળવું. કર્ક : આ રાશિવાળાએ સવારે ઊઠીને કરોળિયાનાં દર્શન કર્યા વગર ચા-પાણી કરવાં નહિ. નબળા ગ્રહોનો પડછાયો હોવાથી, દર શનિવારે પોતાના પડછાયાનું પૂજન કરવું. આ વર્ષ તમારા માટે થોડું કઠણ છે. એટલે શીર્ષાસનની સ્થિતિમાં જ ભોજન લેવાની સલાહ છે. સવારે દક્ષિણ દિશામાં દશ ડગલાં ચાલ્યા પછી જ, બાકીની દિશામાં વિહાર કરવો.
સિંહ : આ વર્ષ ફળદાયી હોવાથી, ફળો વધારે ખાવાં. પપૈયું ખાવાથી પેટ ભલે પપૈયા જેવું થાય, પણ પપૈયું ખાવાથી જ લક્ષ્મીમાં ધરખમ વધારો થવાનો છે. ડીઝલવાળા વાહનમાં જ મુસાફરી કરવી અને પાછલી સીટ ઉપર ઊંધા બેસવું. સરકારી કર્મચારીઓએ ચાલુ નોકરીએ ઊંઘવું નહિ, સૂતેલા હશે તો લક્ષ્મીજી ઉઠાડવાના નથી. યાદ રાખવું કે ‘જો સોવત હૈ વો ખોવત હૈ..! જો ખોવત હૈ, વો ફિર નહિ આવત હૈ..!’ કન્યા : વરિષ્ઠ નાગરિકો માટે આ વર્ષ શ્રેષ્ઠ છે. અઠવાડિયામાં એક વાર સાસર પક્ષે વ્હોટસેપ કરવાની બાધા રાખવાથી વયવૃદ્ધિ વધવાના યોગ છે. દર અમાસે આખા કાંદાના કે અખંડિત રતાળુનાં ભજીયાં ખાવાં. જેમના દાંત મુંહ-ત્યાગ કરી ગયા હોય, એમણે પોતાની રાશિવાળાં બાળકોને દર રવિવારે ચોકલેટ ખવડાવવી. જેથી ગ્રહો સીધી લીટીમાં ચાલતા રહેશે.
તુલા : : આ રાશિઓવાળી સાસુઓએ જમાઈથી સંભાળીને રહેવું. બારમે રહેલો રાહુ વહુઓને તપેલી રાખશે. ચાહના મસાલાને બદલે, ગરમ મસાલો નાંખીને ચાહ પીવડાવે તો પણ, થેંક્યુ કહેવું, બને ત્યાં સુધી ચૌદશના દિવસે ‘હેરડાય’કરવી ટાળવી. વેંગણનું કચુંબર ખાવાથી, ઓડકારો સુગંધી આવશે ને વહુઓ વશમાં રહેશે. નવરાં બેસીને માખી-હત્યા કરવાને બદલે, બાળકોનું ‘બેબી સીટીંગ’કરવું. વૃશ્ચિક : આ જાતકોને ૨૦૨૪માં આકરી ગ્રહ દશા હોય, આખું વર્ષ સફેદ વસ્ત્રો ધારણ કરવા. હાથમાં સેકન્ડ કાંટા વગરની ઘડિયાળ જમણા કાંડે ઊંધી પહેરવી. છીંક આવે તે દિવસે નકોરડો ઉપવાસ કરવો. રમેશ ચાંપાનેરીના હાસ્ય લેખો વાંચવાથી મગજને શાંતિ મળશે. દર મંગળવારે પાંચ કલાકારોને મગની દાળનો શીરો ખવડાવવો અથવા રોજનું રાહુલ-દર્શન કરવું ફાયદાકારક છે.
ધન : આ વર્ષમાં કબજિયાત રહેવાના યોગ છે. રોજ સવારે સાયગલના બે ગીત સાંભળવાથી રાહત થશે. ચંદ્રની મહાદશા હોય, પાછલા ખિસ્સામાં કાંસકી રાખવી નહિ. ત્રણ તાળીના ગરબા ગાવા નહિ. ઉંદરને રોજ સિંગદાણાનો અડધો લાડુ ધરાવવો ને અડધો પોતાની કે કોઈની પણ સાસુને ખવડાવવાથી સંજોગો કાબૂમાં રહેશે. મકર : આ રાશિવાળાએ ઉપર ઊડતા વિમાન સામે જોવું નહિ. ગુટખાનું વ્યસન હોય તો ગુટખાનું તોરણ પહેરીને સસરાને પગે લાગવાથી વ્યસનમુકત થશો. ખિસ્સામાં મગરનો ફોટો રાખવો. આ વર્ષમાં દાઢી-મૂછ વધારવી લાભકારી નથી.
કુંભ : આ વરસે કોઈ પણ નેતાની અડફટે ચઢવું નહિ. ઉપલા ખિસ્સામાં કમળનું ફૂલ રાખીને ફરવું, બહેનો અંબોડામાં કમળનું ફૂલ રાખે તો ગ્રહોને નડતરરૂપ નથી. વર્ષ દરમ્યાન ‘ગાયનેક’પ્રોબ્લેમ હોવાથી, ગાય શીંગડા મારે એવા બનાવો બનશે, તેથી ચેતતાં રહેવું. ચૂનો લાગી જવાની પૂરી સંભાવના છે. દાઢીને ડાય કરવાથી શનિદેવ નારાજ થશે, દાઢીને ડાય નહિ કરવા સલાહ છે. મીન : આ રાશિનાં જાતકો, ફણીધરની માફક મુશ્કેલીમાંથી બહાર નીકળી રહ્યા છે. ગોળના ખાલી માટલામાં તુલસી રોપી પૂર્વ દિશામાં ઘડો મૂકવાથી તમામ ગ્રહો વશમાં રહેશે. વર્ષમાં એક મહિનો ધોતિયું પહેરવાની બાધા રાખવી. પૂર્વ દિશામાં માથું રાખીને સૂવાથી ફિલ્મોનાં સ્વપ્નાંઓ આવવાના યોગ છે. રાખી (સામંત) સ્વપ્નમાં આવે તો, પથારીમાંથી ઊભા થઇ જવું, પણ ઊંઘવું નહિ. તમામ રાશિવાળાને રમેશ ચાંપાનેરીના હાસ્ય મુબારક..!
લાસ્ટ ધ બોલ
વિશ્વાસ સ્ટીકર જેવો છે, એક વાર ઉખેડી લીધા પછી પાછો પહેલાંની માફક વળગતો નથી. માણસની છાપ અને છાપું સારું બાંધેલું સારું…!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.