સુરત (Surat) : સુરતમાં ચંદની પડવાના દિવસે ઘારી (Ghari) ખાવાની પરંપરા છે. સુરતની ઘારી દેશ વિદેશમાં વખણાય છે, પરંતુ ઘણીવાર વધુ નફો કમાઈ લેવાની લાલચમાં કેટલાંક માવા અને મિઠાઈના વિક્રેતાઓ ભેળસેળવાળી ઘારી બનાવી વેચતા હોય છે, આવા તત્ત્વો સામે સુરત મનપાના ફૂડ વિભાગે સખ્ત કાર્યવાહી કરી છે. આ વર્ષે ફૂડ વિભાગે ચંદની પડવા માટે ઘારી બને તે પહેલાં જ માવાના ઉત્પાદકોને રડારમાં લીધા છે.
આગામી ચંદી પડવાના તહેવારને લઈ સુરત શહેરમાં ઘારી બનાવવાની કામગીરી પૂરજોરમાં શરૂ થઈ ગઈ છે. ઘારી બનાવનારા હાલમાં મોટી માત્રામાં માવા ખરીદી રહ્યાં છે, ત્યારે આ વર્ષે સુરત મનપાના આરોગ્ય વિભાગે માવાના ઉત્પાદકો પર જ દરોડા પાડી ભેળસેળવાળી ઘારી બનતા અટકાવવાના પ્રયાસ કર્યા છે. સુરત મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કુલ 18 સંસ્થા પર દરોડા પાડવામાં આવ્યા હતા, તે પૈકી 3 ડેરીના દૂધના માવામાં ભેળસેળ મળી આવી છે.
સુરત મનપાના ફૂડ વિભાગે ગઈ તા. 19 ઓક્ટોબરના રોજ 18 માવા ઉત્પાદકો પર દરોડા પાડ્યા હતા. માવાના કુલ 20 સેમ્પલ લઈ તે લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ 20 પૈકી 9 નમૂના નિષ્ફળ રહ્યાં છે. તેથી તે ડેરીના 250 કિલોગ્રામ દૂધના માવાનો ફૂડ વિભાગે નાશ કર્યો છે. આ ડેરીઓના દૂધના માવામાં ફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું હતું.
જે ત્રણ સંસ્થાના માવા નબળી ગુણવત્તાના મળી આવ્યા હતા તેમાં રાંદેર, ઉધના મગદલ્લા અને એક ડીંડોલીની સંસ્થાનો સમાવેશ થાય છે. મનપા દ્વારા જાહેર કરાયા અનુસાર રાંદેર રામનગર રોડ પર રૂપાલી સિનેમાની સામે મહાવીર ફ્લેટમાં આવેલી શ્રી લક્ષ્મી ડેરી એન્ડ સ્વીટ, ઉધના મગદલ્લા રોડ પરની હરી ઓમ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીની કૃષ્ણા માવા ભંડાર અને નવાગામ ડિંડોલીના ઉમિયાનગરની ન્યુ શ્રી કૃષ્ણા ડેરી એન્ડ સ્વીટ ફરસાણના દૂધના માવામાં ફેટનું પ્રમાણ ઓછું મળ્યું હતું. અધિકારીઓ દ્વારા આ ત્રણેય ડેરીના 250 કિલો દૂધના માવાનો નાશ કરાયો છે.