પછડાટ પછી ઊભા થવું સહેલું હોતું નથી. હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી બનવા પ્રયત્ન કરનાર અનેક એવી છે જે પછડાટ ખાધા પછી સાઉથમાં ચાલી ગઇ અને ત્યાં ગયા પછી અભિનેત્રી તરીકેનું સ્વમાન પાછુ વળ્યું. નવા સકસેસ સાથે તે હિન્દીના પ્રેક્ષકો સામે ઊભી રહી. પૂજા હેગડેનો કિસ્સો બસ એવો જ છે. હિન્દી ફિલ્મમાં તેણે ઋતિક રોશન સાથે ‘મોહેં જો – દરો’માં કામ કર્યું તો એ એક રિયલી મોટો સ્ટાર્ટ હતો. િદગ્દર્શક પણ આશુતોષ ગોવારીકરણ હતો. જો એ ફિલ્મ સફળ ગઇ હોત તો પૂજા અત્યારે કયાંની કયાં પહોંચી હોત પણ એવું ન થયું. પૂજાને અફસોસ તો ઘણો થયો કારણ કે ‘મોહેં-જો-દરો’ વખતે તેણે સાઉથની ફિલ્મો પણ છોડી દીધેલી. બાકી તે ત્રણેક તમિલ, તેલુગુ ફિલ્મો પછી જ હિન્દીમાં આવી હતી. પણ ફિલ્મ માર ખાઇ ગઇ એટલે તે ફરી સાઉથ ભેગી થઇ ગઇ.
ત્યાં ફરી ગોઠવાય ગઇ. ‘મોહે જો દરો’ પછી તરત જ અલ્લુ અર્જૂન સાથે ફિલ્મ મળી પછી બેલ્લમકોંડા ને શરથકુમાર સાથે ’સાકયમ’, એન.ટી. રામારાવ જૂનિયર સાથે ‘અરવિંદા સમેથા વીરા રાઘવ’, મહેશ બાબુ સાથે ‘મહર્ષિ’ આવી બધી ફિલ્મો પછી હિન્દીમાં એક ‘હાઉસફૂલ-4’ મળી. હવે તેની ‘રાધે શ્યામ’ આવશે અને તે પણ સાઉથની જ ફિલ્મ છે પણ પ્રભાસ સાથેની છે ને તેલુગુ સાથે હિન્દીમાં રજૂ થઇ રહી છે. મતલબ કે સાઉથનો પ્રેક્ષક ગુમાવ્યા વિના તે સલામત રીતે હિન્દીમાં કામ કરી રહી છે. આ ફિલ્મ રજૂ થયા પછી જો જબરદસ્ત સફળ રહી તો પૂજા માટે મોટી તક ઊભી થશે બાકી અત્યારે તો તેની પાસે સીધી કોઇ હિન્દી ફિલ્મ હોય તો રોહિત શેટ્ટીની ‘સરકસ’ જ છે. એ ફિલ્મ પણ તૈયાર છે પણ હવે રાહ જોવાની છે. પૂજા હેગડેને એ વાતનો સંતોષ છે કે હવે તેની ફિલ્મો દક્ષિણ સાથે હિન્દીમાં પણ રજૂ થાય છે. ડબીંગમાં રજૂ થાય તે તો જુદી પણ ‘રાધેશ્યામ’ની જેમ સીધી રજૂ થાય તો તેને વધારે આનંદ થાય છે પણ આ રીતે કિર્થી સુરેશ સાથેની ‘મિત્રા’ યા અલ્લુ અર્જુન સાથેની ‘આઇકન’, જોસેફ વિજય સાથેની ‘બીસ્ટ’ રજૂ થાય તો વાત બને. અત્યારે આનો બધો આધાર ‘રાધે શ્યામ’ની અને ‘આરઆરઆર’ ની સફળતા પર છે.
પૂજાની ફિલ્મો પ્રભાસ ઉપરાંત અલ્લુ અર્જૂન, એન.ટી. રામારાવ જુનિયર સાથે હોય છે. જો ઉપર જણાવેલી બન્ને ફિલ્મો ચાલી તો બધા સ્ટાર્સ ડિમાંડમાં આવી જશે ને સાઉથની સમાંતરે હિન્દીમાં ફિલ્મો રજૂ કરાશે. જો આમ બનશે તો હિન્દીની અમુક હીરોઇનથી પણ વધારે મોટું સ્થાન પૂજાનું બની જશે કારણકે હવેનો સમય સાઉથના વર્ચસ્વનો છે ને સાઉથમાં પૂજા એકદમ ટોપ પર ચાલી રહી છે. તેની પાસે મહેશબાબુ સહિતના સ્ટાર્સ સાથે ફિલ્મો છે એટલે હિન્દીમાં તે ડિમાંડમાં આવે તો ય તે સાઉથને છોડયા વિના કામ કરશે. પૂજાની સલમાનખાન સાથેની ‘કભી ઇદ કભી દીવાલી’ હજુ આવવાની છે. પૂજા ઇચ્છી રહી છે કે મહામારી તેને હેરાન ન કરે. થિયેટરો બંધ થવાની દશા ફરી ન આવે કારણકે તે સારી ફિલ્મો સાથે આવી રહી છે ને ત્યારે જ ઊભા રહેવાનું હોય તો મઝા ન આવે.