નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મહિલા ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં કુલ 7 લોકોના પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. સીબીઆઈની કોલકાતા ઓફિસમાં આરોપી સંજય રોય, આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ, ચાર ડૉક્ટરો જે ઘટનાની રાત્રે પીડિતા સાથે હતા. તેમજ સ્વયંસેવકનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
CBIનો હેતુ આ કર્મચારીઓના નિવેદનોને ચકાસવાનો છે, કારણ કે અન્ય મેડિકલ રિપોર્ટ્સ (જેમ કે પીડિતાના શરીરમાંથી લેવાયેલ ડીએનએ, યોનિમાર્ગ સ્વેબ, પીએમ બ્લડ) તેમને આ ઘટના સાથે સ્પષ્ટપણે લિંક કરવામાં નિષ્ફળ ગયા છે. સીબીઆઈ એ જાણવા માંગે છે કે શું આ ચારેયએ પુરાવા સાથે છેડછાડ કરી હતી કે પછી તેઓ કોઈ ષડયંત્રનો ભાગ હતા.
આરોપી સંજય રોય પશુ જેવી પ્રકૃતિનો છે
આરોપી સંજયના મનોવિશ્લેષણમાં પણ ઘણા મહત્વના ખુલાસા થયા છે. સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીના મનોવિશ્લેષણ દર્શાવે છે કે તે એક વિકૃત વ્યક્તિ હતો અને પોર્ન જોવાનો વ્યસની હતો. નવી દિલ્હી સ્થિત સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) ના ડોકટરોને ટાંકીને અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે આરોપી સંજય રોય, જે કોલકાતા પોલીસમાં સ્વયંસેવક હતો, તે ‘પ્રાણીઓ જેવી વૃત્તિઓ’ ધરાવે છે.
કોર્ટે પોલીગ્રાફ ટેસ્ટનો આદેશ આપતા સંજય રડી પડ્યો
આ અગાઉ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મુખ્ય શંકાસ્પદ સંજય રોયે કોઈ પણ ગુનો આચર્યો હોવાનો ઇનકાર કર્યો છે અને દાવો કર્યો છે કે તેને ફસાવવામાં આવી રહ્યો છે. કોર્ટમાં જ્યારે તેને પોલિગ્રાફ ટેસ્ટ માટે તેની સંમતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે મેજિસ્ટ્રેટની સામે રડી પડ્યો હતો. રડતાં રડતાં તેણે કહ્યું, મેં કોઈ ગુનો કર્યો નથી. મને ફસાવવામાં આવી રહ્યો છે. પોલીગ્રાફ ટેસ્ટથી સત્ય સાબિત થશે.
સંજય રોયને શુક્રવારે બપોરે કડક સુરક્ષા વચ્ચે કોલકાતાની સિયાલદહ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM)એ તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. કોર્ટે શુક્રવારે તેના પોલીગ્રાફ ટેસ્ટની મંજૂરી આપી હતી, ત્યાર બાદ આજે શનિવારે સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ થયો હતો. દિલ્હીથી કોલકાતા પહોંચેલા સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL)ના નિષ્ણાતોએ જેલમાં તેની પોલીગ્રાફી કરી હતી.
સંજય રોયની વકીલ કવિતા સરકારે મીડિયા સાથે વાત કરતા કહ્યું, મારા અસીલ સંજય રોય પણ ઇચ્છે છે કે તેમનો પોલીગ્રાફ ટેસ્ટ થાય. કારણ કે તેનાથી સત્ય બહાર આવશે. તે નિર્દોષ છે અને તેનું નામ સાફ કરવા પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માંગે છે. સંજય રોયનો બચાવ કરવા માટે સિયાલદહ કોર્ટે કવિતા સરકારની નિમણૂક કરી છે, કારણ કે અન્ય કોઈ વકીલ તેમનો કેસ લડવા તૈયાર ન હતા.
સીસીટીવી ફૂટેજના આધારે સંજયની ધરપકડ કરાઈ હતી
CCTV ફૂટેજ અને પીડિતાના મૃતદેહ પાસે મળેલા બ્લૂટૂથ ડિવાઇસના પુરાવાને પગલે સંજય રોયની ધરપકડ કરવામાં આવી હતી. ઘટનાની રાત્રે 4 વાગ્યે રોય હોસ્પિટલના સેમિનાર હોલમાં પ્રવેશતો જોવા મળ્યો હતો, જ્યાં મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યા કેસને લઈને કોલકાતા સહિત દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આરજી કાર હોસ્પિટલ સહિત કોલકાતાના તમામ રેસિડેન્ટ ડોક્ટરો ન્યાયની માંગ સાથે કામ બંધ કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ તમામ મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ભૂમિકા પર ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. દરમિયાન કોર્ટે મેડિકલ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને અન્ય ચાર ડોક્ટરોના લાઇ-ડિટેક્ટર ટેસ્ટને પણ મંજૂરી આપી છે, જેઓ 8-9 ઓગસ્ટની રાત્રે ફરજ પર હતા.
પોલીગ્રાફ ટેસ્ટ શું છે?
ઘણી વખત આરોપી પાસેથી સત્ય જાણવા માટે પોલીસ પોલીગ્રાફ ટેસ્ટ કરાવે છે, જેમાં લાઇ ડિટેક્ટર મશીન દ્વારા જૂઠાણું શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેમાં આરોપીના જવાબ દરમિયાન શરીરમાં થતા ફેરફારો દ્વારા એ જાણી શકાય છે કે આરોપી સવાલનો સાચો જવાબ આપી રહ્યો છે કે નહીં. આ ટેસ્ટમાં આરોપીની શારીરિક ગતિવિધિઓને ધ્યાનથી વાંચવામાં આવે છે અને તેમની પ્રતિક્રિયા અનુસાર જવાબ સાચો છે કે ખોટો તે નક્કી કરવામાં આવે છે.
આ મશીન કેવી રીતે કામ કરે છે?
આ એક મશીન છે, જેમાં ઘણા ભાગો છે. આમાં આરોપીના શરીર સાથે કેટલાક યુનિટ જોડાયેલા છે. ઉદાહરણ તરીકે, મશીન એકમો આંગળીઓ, માથા, મોં પર મૂકવામાં આવે છે અને જ્યારે આરોપી જવાબ આપે છે, ત્યારે આ એકમોમાંથી ડેટા પ્રાપ્ત થાય છે, જે મુખ્ય મશીનમાં જાય છે અને અસત્ય કે સત્યને શોધી કાઢે છે. શરીર સાથે જોડાયેલા એકમોમાં ન્યુમોગ્રાફ, કાર્ડિયોવેસ્ક્યુલર રેકોર્ડર અને ગેલ્વેનોમીટરનો સમાવેશ થાય છે. ઉપરાંત, હાથ પર પલ્સ કફ બાંધવામાં આવે છે અને લોમ્બ્રોસો ગ્લોવ્સ આંગળીઓ પર પહેરવામાં આવે છે. આ સાથે બ્લડ પ્રેશર, પલ્સ રેટ વગેરે પર પણ મશીન દ્વારા નજર રાખવામાં આવે છે.