સુરત: (Surat) સુરત, દાદરા નગર હવેલી, દમણ, ભીવંડી, નવાપુર અને માલેગાંવના ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી વધુ વપરાશ પોલીએસ્ટર યાર્ન (Polyester Fully Draw Yarn) એટલે કે ફુલ્લી ડ્રો ઓરીયેન્ટેડ યાર્ન, સ્પીન ડ્રો યાર્ન, ફલેટ યાર્નનો થાય છે. સિન્થેટીક ફેબ્રિક્સના ઉત્પાદન માટે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં 75 ટકા સુધી પોલીએસ્ટર યાર્નનો ઉપયોગ થઇ રહ્યો છે. સરકારે 2015માં આ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી (Anti Dumping Duty) લાગુ કરતાં ટેક્સટાઇલ સંગઠનોએ વિરોધ કરવા છતાં એન્ટી ડમ્પિંગ ડ્યૂટી પાંચ વર્ષ માટે લાગી ગઇ હતી. હવે ડિરેક્ટર જનરલ ઓફ ટ્રેડ એડ રેમેડીઝ (ડીજીટીઆર) (DGTR) દ્વારા વધુ પાંચ વર્ષ માટે ડ્યૂટી લાગુ કરવા ફાઇનલ ચુકાદો આપતાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં નારાજગી જોવા મળી રહી છે.
ઓકટોબર-2020માં એન્ટી ડમ્પિંગ ડ્યૂટીની મુદત પૂરી થતાં સરકારે 31 ડિસેમ્બર સુધી મુદત લંબાવી હતી. એે દરમિયાન સ્પીનર્સ ડીજીટીઆરમાં જઇ તરફેણમાં ચુકાદો લઇ આવતાં કસ્ટમ ડિપાર્ટમેન્ટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરી દીધું છે. 30 ડિસેમ્બરે કસ્ટમે 48/2020 નંબરથી નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું છે. જેમાં ડીજીટીઆરના ચુકાદા પ્રમાણે ચીન અને થાઇલેન્ડથી મોટા પ્રમાણમાં પોલીએસ્ટર એફડીવાય યાર્ન ડમ્પ થતું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે જોતાં 2015થી 2020 સુધી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી ચાલતી આવી હતી. આ મામલે ફિયાસ્વી અને ફોગવા સહિતનાં સંગઠનો નાણામંત્રી, ટેક્સટાઇલ મંત્રી અને વાણિજ્ય મંત્રીને રજૂઆત કરશે.
તેને હવે 2025 સુધી લંબાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે ફિયાસ્વી અને ફોગવા સહિતનાં સંગઠનો પાસે આ નોટિફિકેશનનો અમલ થતો અટકાવવા 85 દિવસનો સમય બચ્યો છે. જેમાં ટેક્સટાઇલ સંગઠનો નાણામંત્રી, ટેક્સટાઇલ મંત્રી અને વાણિજ્ય મંત્રીને એન્ટી ડમ્પિંગ ડ્યૂટી રદ કરવા રજૂઆત કરશે. જો સરકાર આ માંગણી નહીં સ્વીકારે તો બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા કરતાં ભારતમાં આ યાર્ન 20થી 25 રૂ. કિલોએ મોંઘું પડશે. જણાવી દઈએ કે સિન્થેટિક ફેબ્રિક્સમાં 75 ટકા પોલીએસ્ટર એફડીવાય યાર્નનો ઉપયોગ થાય છે.
ચેમ્બરના ઉપપ્રમુખ અને પાંડેસરા વિવર્સ સોસાયટીના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ડીજીટીઆરના ફાઇનલ ફેક્ટફાઇન્ડિંગને વિવિંગ સંગઠનો નાણાં મંત્રાલય અને ટેક્સટાઇલ મંત્રાલયમાં રજૂઆત કરી અટકાવવાનો પ્રયાસ કરશે. કારણ કે, આ નિર્ણયથી સુરત સહિતના દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના વિવર્સોને આંતરરાષ્ટ્રીય ભાવો કરતાં યાર્ન 20થી 25 રૂ. મોંઘું પડશે અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ પ્રોડક્શન કોસ્ટ ઊંચી જતાં સ્પર્ધા કરી શકશે નહીં.