સુરત: હજીરા (Hazira) પટ્ટીની વિરાટ ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતા સ્લેજ અને કેમિકલયુક્ત ઝેરી કચરાને લઇ ચોર્યાસી મામલતદાર કચેરીએ ચુપકીદી સેવી લેતાં સમસ્ત વિસ્તારમાં પ્રદૂષણની (Pollution) પારાવાર સમસ્યા વકરી છે. મામલતદાર કચેરીની લાલિયાવાડીને કારણે મોરા અને રાજગરી ગામની ખેતીલાયક જમીનો ઉપર પણ મોટાપાયે ઝેરી કચરો ઠાલવી દેવાયો છે.
સુરત શહેરમાં પ્રદૂષણની સમયસ્યા આમેય ઓેછી નથી, તેમાં અધૂરામાં પૂરું હજીરા વિસ્તારમાં હવે થોડી ઘણી બચી રહેલી ખેતીલાયક જમીનો ઉપર પણ કચરો ઠલવાઇ રહ્યો છે. હજીરા પટ્ટીનાં ગામો ચોર્યાસી તાલુકા મામલતદાર કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. પરંતુ આ વિસ્તારમાં મામલતદાર અને તલાટીની લાપરવાહીને કારણે હજીરા, મોરા અને રાજગરી ગામમાં પ્રદૂષણની સમસ્યાએ રામાયણ સર્જી છે. હજીરા વિસ્તારની કંપનીમાંથી રફ મટિરિયલ ખૂબ મોટા પ્રમાણમાં ઠાલવવામાં આવી રહ્યું છે. મોરા ગામના સરવે નં.167 તથા બ્લોક નં.164માં ગેરકાયદે રીતે સ્લેગનો ઢગલો કરી દેવાયો છે.
રાજગરી ગામની બ્લોક નં.167વાળી જમીન જિતેન્દ્ર નટવર ઉર્ફે જીતુ ટાયસન નામે છે. રાજગરી ગ્રામ પંચાયત કચેરીએ બે-ત્રણ વખત ચોર્યાસી મામલતદાર કચેરીમાં કેમિકલયુક્ત કચરો અનધિકૃત રીતે ઠલવાતો હોવાની લેખિત જાણ કરાઇ હતી. છતાં મામલતદાર કચેરીએ કોઇ પગલાં નહીં ભરતાં આ વિસ્તારમાં ખેતીલાયક જમીનોનો દાટ વળી ગયો છે. તેવી જ રીતે મોરા ગામના બ્લોક નં.159, બ્લોક નં.160 એનટીપીસી સામે ટી.કે.પટેલ સર્વિસ સ્ટેશનની બાજુમાં હાઇ ટેન્શન લાઇન નીચે ભાસ્કર નામના વ્યક્તિએ સ્લેજ ખડકી દીધી છે. ભાસ્કરે સ્થાનિક લોકોને ફોડી હાઇ ટેન્શન લાઇનને અડી જાય તેવો મસમોટો ડુંગર ખડકી દઇ કચરો ભેગો કરી રાખ્યો છે.
મોરા ગામમાં તે ઉપરાંત બ્લોક નં.139, બ્લોક નં.140, બ્લોક નં.141, બ્લોક નં.142, બ્લોક નં.143 તેમજ બ્લોક નં.144માં ઝેરી કેમિકલયુક્ત કચરો સંગ્રહ કરાયો છે. મોરા ગામમાં તો બજારમાં ભીડભાડ ભરેલા વિસ્તારમાં પણ સ્લેજ પાથરી દેવાઈ છે. જેને લઇને લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. દામકા ગામના ભસ્તા રોડ ઉપર આવેલા બ્લોક નં.152 તેમજ બ્લોક નં.154વાળી જગ્યામાં સંજયભાઇ ડાહ્યાભાઇ નામની વ્યક્તિઓએ કચરો જમા કરી રાખી ખેતીલાયક જમીનોની પથારી ફેરવી દીધી છે.
રાજગરીમાં ગોચરની જમીન ઉપર પણ કચરો ઠાલવી દેવાયો
રાજગરીમાં બ્લોક નં.164ની ગોચરની જમીન ઉપર પણ કેટલાક લોકોએ સ્લેગનો ઢગલો ખડકી દીધો છે. આ નંબરની જમીન ઉપર ઊગી નીકળેલા ઘાસ અને બાવળને પણ બારોબાર સાફ કરી રસ્તો બનાવી દેવાયો છે.
ગેરકાયદે રીતે સ્લેગ અને લોખંડની ભૂકીને કારણે ગામના રસ્તાનું મોટાપાયે ધોવાણ
હજીરા પટ્ટીમાં સરકારી અને ખાનગી જમીનો ઉપર કેટલાક માથાફરેલા લોકોએ લોખંડની ભૂકી અને સ્લેજનો ઢગ ખડકી દેતાં ભારે વાહનોની અવરજવર વધી રહી છે. ભારે વાહનોની અવરજવર સતત વધતાં ગામના રસ્તા પણ ઉબડખાબડ થઇ ગયા છે. જેને લીધે ગામના લોકો અને વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે.