Dakshin Gujarat

દુનિયાના 100 સૌથી પ્રદૂષિત શહેરમાં 63 ભારતમાં, અંકલેશ્વર આ સ્થાન પર

ભરૂચ: નવી દિલ્હી (New Delhi) સતત બીજા વર્ષે વિશ્વમાં (World) સૌથી વધારે પ્રદૂષિત (Pollucted) રાજધાની શહેર તરીકે સમાવેશ થયો છે. વર્ષ-૨૦૨૧માં મધ્ય અને દક્ષિણ એશિયામાં સૌથી પ્રદૂષિત ૧૫ શહેરમાં ભારતના (India) ૧૨ શહેરનો સમાવેશ થાય છે. વર્ષ-૨૦૨૧ના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ (WAQR)માં આ અંગે માહિતી રજૂ કરવામાં આવી છે. વિશ્વના ૧૦૦ સૌથી પ્રદૂષિત શહેરમાં ૬૩ ભારતનાં છે, ટોચના ૧૫ સૌથી પ્રદૂષિત શહેરોમાં પણ 10 ભારતનાં છે. અંકલેશ્વર વિશ્વનું 48મું પ્રદૂષિત શહેર છે. જ્યારે અમદાવાદ આ યાદીમાં ૭૬માં ક્રમે છે.

દુનિયાના ૧૧૭ દેશનાં ૬૪૭૫ શહેરના પ્રદૂષણને લગતા સરવેમાં એવી પણ માહિતી જાહેર કરી છે કે, એકપણ શહેર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના હવાની ગુણવત્તાને લગતા માપદંડોને પૂરા કરી શક્યું નથી. તેમજ કોવિડ સંબંધિત નિયંત્રણો વચ્ચે પણ અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ યથાવત રહ્યું હતું. મોટા ભાગનાં શહેરોમાં વાહનથી થતું પ્રદૂષણનું યોગદાન સૌથી વધારે પ્રમાણમાં રહ્યું છે.

એર ક્વોલિટી રેન્કિંગમાં ભારતની રાજધાની દિલ્હી ૮૫.૫ પર્ટિક્યુલેટ મેટર (PM)સાથે સૌથી પ્રદૂષિત રાજધાની તરીકે જાહેર થયો છે. દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ વર્ષ-૨૦૨૦ની તુલનામાં ૧૪.૬ ટકા વધ્યું છે. પ્રદૂષણના પ્રમાણ અંગે ગુજરાતનાં શહેરોની વાત કરવામાં આવે તો આ ચાર શહેર અંકલેશ્વર, આલમપુર, અમદાવાદ તથા ગાંધીનગરનો સમાવેશ થયો છે. આલમપુર ૭૨.૫ PM સાથે ૩૯માં ક્રમ, અંકલેશ્વર ૬૬.૫ PM સાથે ૪૮માં તથા અમદાવાદ ૫૫.૧ PM સાથે ૭૬મા ક્રમે જ્યારે ગાંધીનગર ૪૩.૫ PM ૧૬૬માં ક્રમ ઉપર છે. વિશ્વમાં સૌથી વધારે પ્રદૂષણ ધરાવતા શહેરોમાં ભિવડી, ગાઝીયાબાદ, જૌનપુર, નોઈડા, બાગપત શહેર ટોચના ૧૦ પ્રદૂષિત શહેરોમાં સ્થાન ધરાવે છે.

પ્રદૂષણને લીધે વિશ્વમાં લાખો લોકો જીવ ગુમાવી રહ્યા છે
એર ક્વોલિટી નિષ્ણાતોનું કહેવું છે કે, કોઈ એવો દેશ નથી કે જે પ્રદૂષણ ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય છે. ચીને સારા આંકડા સાથે શરૂઆત કરી લીધી છે અને તે સતત પ્રદૂષણમાં ઘટાડો કરી રહ્યું છે. પ્રદૂષણના કણો કે જેને PM ૨.૫ તરીકે ઓળખાય છે કે સામાન્ય રીતે સૌથી વધારે જોખમી હોય છે, જેની ઉપર વ્યાપક પ્રમાણમાં દેખરેખ રાખીને હવાના પ્રદૂષણ અંગેનો વર્તારો નક્કી કરવામાં આવે છે અને તેની ગંભીર સ્થિતિ અસ્થામા, સ્ટ્રોક, હૃદય તથા ફેફસાંને લગતા રોગોનું નિમિત બની શકે છે. પ્રત્યેક વર્ષે PM ૨.૫ને લીધે લાખો લોકોનાં મોત થાય છે.

Most Popular

To Top