નવસારી: (Navsari) નવસારીના દશેરા ટેકરીમાં છેલ્લા ૨-૩ દિવસથી લીલા રંગનું ડહોળું પાણી આવી રહ્યું છે. પીવા લાયક પાણી ન આવતું હોવાથી લોકોમાં રોષ સાથે રોગચાળો ફેલાવાનો ભય પણ રહ્યો છે. નવસારીના દશેરા ટેકરીમાં પીવાનું પાણી દુષિત (Contaminated water) આવતું હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. દશેરા ટેકરીમાં હજારો આદિવાસી પરિવારો રહે છે. જ્યાં પીવાના પાણીની લાઈનમાં ડ્રેનેજનું પાણી ભળી જવાથી પાણી પીવા લાયક રહેતું નથી. જેથી લોકો પીવાના પાણી વગર રહેવા મજબુર બનતા હોય છે. તેમજ જે લોકો દુષિત પાણી પીએ તે માંદા પડી જતા હોય છે. આવી ઘટનાઓ વારંવાર સામે આવી છે. ત્યારે દશેરા ટેકરીમાં પીવાના પાણીની સમસ્યાઓનું નિરાકરણ આવ્યું નથી.
હાલ છેલ્લા ૨-૩ દિવસથી દશેરા ટેકરીમાં ૧૦૦ જેટલા ઘરોમાં પીવાનું પાણી લીલા રંગનું ડહોળું આવી રહ્યું છે. સતત ૩ દિવસથી આવતા ડહોળું પાણીને પગલે લોકોને પીવાના પાણીની સમસ્યા વર્તાઈ રહી છે. અગાઉ પણ દશેરા ટેકરીમાં દુષિત પાણી પીવાથી ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાયા હતા. જેથી હાલ લોકો દુષિત પાણી પીવાની ઘભરાઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા જ અંબાડા ગામે પીવાના પાણીમાં ડ્રેનેજનું પાણી ભળી જતા ૭૦થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી થયા હતા. જેથી જીલ્લા આરોગ્ય વિભાગના રીપોર્ટના આધારે જીલ્લા કલેકટરે અંબાડા અને તેની આજુબાજુના ગામોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યો હતો. ત્યારે દશેરા ટેકરીમાં પણ કોલેરા ફાટે તેવી સંભાવના રહી છે. જેથી લોકોમાં રોગચાળો ફાટવાનો ભય રહ્યો છે. તો બીજી તરફ દશેરા ટેકરીમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે.
દુષિત પાણી પીવાલાયક નથી : રહેવાસી
દશેરા ટેકરીના રહેવાસી મીનાબેને જણાવ્યું હતું કે, ૩ દિવસથી અમારે ત્યાં લીલા રંગનું પાણી આવી રહ્યું છે. જે પીવાલાયક નથી. અમે લોકો આ સમસ્યાથી કંટાળી ગયા છે. આ બાબતે નગરપાલિકામાં ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે. પણ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
કાલે તપાસ કરાવી લંઉ છું : વોટર વર્કસ ચેરમેન
નવસારી-વિજલપોર નગરપાલિકાના વોટર વર્કસ ચેરમેન પ્રશાંત દેસાઈએ જણાવ્યું હતું કે, દશેરા ટેકરીમાં ડહોળું પાણી આવે છે તે બાબતે મને કોઈ ફરિયાદ મળી નથી. જો ફરિયાદ મળી હોત તો તાત્કાલિક નિરાકરણ થઈ ગયું હતું. હમણાં જે ડહોળું પાણી આવી છે તેની તપાસ કરાવી લઉં છું.