નવી દિલ્હીઃ ભારતની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ ફાઈનલ મેચ પહેલાં માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાના લીધે ડિસ્ક્વોલિફાઈ થઈ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ જતા દેશ સ્તબ્ધ થઈ ગયો છે. ગોલ્ડ મેડલની નજીક પહોંચ્યા બાદ આ રીતે વિનેશ ટુર્નામેન્ટમાંથી જ બહાર થઈ જતા કરોડો ભારતીયો આઘાતમાં સરી પડ્યા છે. પાછલાં થોડા કલાકોમાં જે કંઈ ઘટના બની તેની પર ભારતીયો અને રમતગમત પ્રેમીઓને વિશ્વાસ થઈ રહ્યો નથી, ત્યારે હવે હવે વિનેશ ફોગાટના ડિસ્ક્વોલિફિકેશન પર દેશમાં રાજકારણ શરૂ થઈ ગયું છે.
વિનેશ ફોગાટના ડિસ્ક્વોલિફિકેશન બાદ આજે તા. 7 ઓગસ્ટે દેશના રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, 50 કિ.ગ્રા. કેટેગરીમાં વિનેશનું વજન 100 ગ્રામ વધુ હોવાના લીધે તે ગેરલાયક ઠરી છે. તે નિરાશાજનક છે. જોકે, પેરિસ ઓલિમ્પિકની આગલી મેચોમાં વિનેશ જીતી હતી. તે ફાઈનલ સુધી પહોંચી હતી. ભારત સરકારે પણ વિનેશની તમામ શક્ય મદદ કરી હતી.
રમતગમત મંત્રીએ કહ્યું કે વિનેશ ફોગાટની સરકારે આર્થિક મદદ કરી હતી. પેરિસ ઓલિમ્પિક માટે વિનેશને કુલ 70.45 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. જેમાં ટોપ્સ હેઠળ 53.35 લાખ અને એસીટીસી હેઠળ 17.10 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
આ અગાઉ ટોકિયો ઓલિમ્પિક માટે 1.66 કરોડ આપવામાં આવ્યા હતા. બલ્ગેરિયામાં 23 દિવસની ટ્રેનિંગ માટે 5.44 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. બુડાપેસ્ટમાં 16 દિવસની ટ્રેનિંગ માટે 10.54 લાખ આપવામાં આવ્યા હતા. દરમિયાન રમતગમત મંત્રી સંસદમાં નિવેદન આપી રહ્યાં હતાં ત્યારે વિપક્ષે હંગામો મચાવી વોકઆઉટ કર્યું હતું.
ભારતીય કુસ્તી સંઘે આંતરરાષ્ટ્રીય કુસ્તી સંઘમાં વિરોધ નોંધાવ્યો
રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ વધુમાં કહ્યું કે, વિનેશ ફોગાટ સાથે જે કંઈ બન્યું છે તે મામલે ભારતીય કુસ્તી સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય કુસ્તી સંઘ સમક્ષ સખ્ત વાંધો નોંધાવવામાં આવ્યો છે. ભારતીય ઓલિમ્પિક સંઘની પ્રમુખ પીટી ઉષા હાલમાં પેરિસમાં છે. વડાપ્રધાને તેમની સાથે વાત કરી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી છે.
આ અગાઉ મંગળવારે 6 ઓગસ્ટે વિનેશ ફોગાટ 3 મેચ રમી હતી, જે તમામ જીતીને તેણી 50 કિલોગ્રામ કુસ્તીની કેટેગરીની ફાઈનલમાં પહોંચી હતી. આ કેટેગરીમાં ફાઈનલમાં પહોંચનારી તે પહેલાં ભારતીય મહિલા રેસલર બની હતી. આજે 7 ઓગસ્ટે વિનેશ ગોલ્ડ માટે ફાઈનલ મેચ રમવાની હતી.