જુલાઇની બાવીસમીથી શરૂ થઇ ઓગસ્ટની શરૂઆતમાં પૂરી થતી કાવડયાત્રાની શરૂઆત અંગે અલગ અલગ મતો જોવા મળે છે. એક મત મુજબ શ્રાવણ માસમાં સમુદ્રમંથન દરમિયાન ચૌદ રુબી (માણેક) નિકળ્યા એ ઉપરાંત છેલ્લે ઝેર પણ નીકળ્યું, જે ભગવાન અને ભૂત–પિશાચ (demons) વચ્ચે વહેંચાયા બાદ પણ ઝેર વધેલ જે ભગવાન શિવ પી ગયેલ. રાવણ ઝેરની અસર ઓછી કરવા કાવડમાં શિવલિંગ પર અભિષેક કરવા ગંગા નદીનું પાણી લાવેલ જેનાથી અભિષેક કરેલ.
અન્ય મત મુજબ દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો કાવડ (કનવર) યાત્રા યોજી ગંગા નદીનું પાણી લઇ શિવજીના મંદિરમાં ચઢાવે છે. દર વર્ષે અલગ અલગ જગ્યાએથી નિયમિતપણે યોજાતી કાવડયાત્રા જેમાં હિન્દુ ઉપરાંત મુસ્લિમો પણ ભાગ લે છે એમાં ભાગ્યે જ કોઇ વિઘ્ન પેદા થાય છે અને હાઇ વે પર કાવડિયાઓ માટે ફળો અને અન્ય ખાવા–પીવાની ચીજોની બંન્ને કોમોની લારીઓ અને સ્ટોલો લાગેલાં હોય છે જ્યાં આ કાવડયાત્રીઓ આરામ કરવા ઉપરાંત ભૂખ–તરસ છીપાવતા હોય છે અને આ ક્રમ વર્ષોથી ન્યાત–જાતના ભેદભાવ વિના ભાઇચારાની ભાવના સાથે ચાલી આવે છે.
પરંતુ શ્રધ્ધાળુઓ દ્વારા આ વર્ષે યોજાયેલ કાવડયાત્રા, ધાર્મિક યાત્રામાં રાજકારણ ભેળાતા હિન્દુ–મુસ્લિમ દ્વેષમાં પરિણમતાં જે દૃષ્યો જોવા–જાણવા મળ્યાં એ બનાવને કારણે યાત્રામાં સામેલ સાચા શિવભક્તો સહિતનાં અન્ય લોકોની ભાવનાને પણ મોટી ઠેસ પહોંચી હશે. આ બનાવ એ પણ બતાવે છે કે જે તે રાજકીય પક્ષનો મૂળભૂત ઉદ્દેશ લોક કલ્યાણનાં કાર્યોને પ્રાથમિકતા આપવાનો હોય એના બદલે અલગ અલગ કોમો વચ્ચે વેર–ઝેર પેદા કરી પોતાની સત્તા ટકાવી રાખવાનો જ હોય એવું સ્પષ્ટપણે દેખાઇ (લાગી) રહ્યું છે જે નીતિનાં પરિણામો લાંબા ગાળે પસ્તાવા સિવાય બીજુ કાંઇ પણ આપી ન શકે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.