હાલમાં પાંચ રાજ્યોની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે અને ફેબ્રુઆરી મહિનાથી શરૂ થતી આ ચૂંટણીઓનો પ્રચાર પૂરજોશમાં શરૂ થઇ ગયો છે. સાથે સાથે ટિકિટોની વહેંચણી પણ શરૂ થઇ ગઇ છે અને અનેક નારાજ નેતાઓ પોતાની પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જઇ રહ્યાં છે એટલું જ નહીં સાથે સાથે જે પાર્ટીમાં વર્ષો સુધી રહ્યાં તેને ખામીઓ પણ ખુલ્લેઆમ જણાવી રહ્યાં છે. ત્યારે અહીં વાત આવે છે વફાદારીની. હાલની અને ભૂતકાળની સ્થિતિ પર નજર કરીએ તો ખબર પડે છે કે કોઇ કોઇનું નથી. જે રાજકારણીઓ પોતાના ભાઇ, માતા અને પિતાના નથી થતાં તેઓ તમારા શું થવાના? જેમને જીતાડવા માટે પાયાના કાર્યકરો મારામારી કરતાં કે પરિવાર છોડતા અચકાતા નથી તેમણે વિચારવું જોઇએ કે તેઓ જેમના માટે કરી રહ્યાં છે તે રાજકારણી છે અને રાજકારણમાં કોઇ કોઇનું નથી.
હાલમાં જે રાજ્યની ચૂંટણી પર સમગ્ર દેશની નજર છે તે રાજ્ય ઉત્તર પ્રદેશ છે અને ઉત્તર પ્રદેશની વાત કરીએ તો સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવ હતાં તેમણે અને શિવપાલ યાદવે સાઇકલ પર ફરી ફરીને સમાજવાદી વિચારધારાનો પ્રચાર કર્યો અને સત્તા સુધી પહોંચ્યા. પરંતુ થોડા વર્ષ પૂર્વેની જ વાત કરીએ તો અખિલેશ યાદવે મુલાયમસિંહ અને શિવપાલ યાદવને ઘરે બેસાડી દીધા હતા. હાલમાં પણ મને કમને મુલાયમસિંહે માની લેવું પડ્યું છે કે પુત્રના કારણે જ તેમની રાજકીય કારકિર્દી પર પૂર્ણ વિરામ મૂકાઇ ગયો છે તો અખિલેશના કાકા શિવપાલ યાદવ પણ ઝુકીને ફરી અખિલેશ સાથે જોડાઇ ગયા છે તો સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહની પુત્રવધૂ અપર્ણા યાદવે બીજેપીમાં સામેલ થઇને રાજકીય વિવાદ ઉભો કરી દીધો છે. રાજ્યની વિધાનસભા ચૂંટણી પર નજર રાખીને બેઠેલા રાજકીય પક્ષો અને દેશવાસીઓમાં અપર્ણા યાદવના નામની ચર્ચા શરૂ થઇ ગઇ છે.
અપર્ણા યાદવ નેતા મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે. પ્રતીકે રાજકારણમાં આવવાથી ઇનકાર કર્યા બાદ અપર્ણા યાદવે ચૂંટણી લડવાનું બીડુ ઉઠાવ્યું છે. તેણે રાજકારણમાં એન્ટ્રી કરીને સાસુની ઇચ્છા પૂરી કરી છે. તો હાલમાં જે નામ ચર્ચામાં છે તે સ્વામીપ્રસાદ મોર્યા છે. તેઓ હાલમાં જ ભાજપ છોડીને સપામાં જોડાયા છે અને ભાજપને નેસ્તનાબૂદ કરવાવી વાત કરી રહ્યાં છે પરંતુ તેમની પુત્રી સંઘમિત્રા મોર્યા ભાજપમાં બદાયુંના સાંસદ છે અને તેમણે ભાજપ છોડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે એટલું જ નહીં પરંતુ એવું પણ કહી દીધું છે કે, તેમને મોદીના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ છે.
ઉત્તર પ્રદેશના જ અન્ય એક પક્ષ અપનાદલની વાત કરીએ તો તેના સ્થાપક અને તેના વિકાસમાં જેની ભૂમિકા છે તે ક્રિષ્ણા પટેલની પુત્રી અનુપ્રિયા પટેલે માતા સાથે છેડો ફાડીને એકહથ્થુ શાસન જમાવી દીધું છે અને તેઓ ધરાર એનડીએના ઘટકદળ તરીકે જોડાયા છે. મહારાષ્ટ્રમાં બાળાસાહેબ ઠાકરેની આંગળી પકડીને રાજકારણમાં આવેલા અને શિવસેનામાં મોટુ નામ ધરાવતા રાજ ઠાકરેએ પણ બાળાસાહેબ સામે બળવો કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સ્થાપના કરી છે અહીં બે કૌટુંબિક ભાઇ સામસામે છે. મહારાષ્ટ્રના અન્ય એક પક્ષની વાત કરીએ તો તે એનસીપી છે.
અહીં શરદપવારના ભત્રીજા અજીત પવારે સત્તા મેળવવા માટે શું કર્યું હતું તે કોઇનાથી છૂપાયેલું નથી. બિહારમાં લોક જનશક્તિ પાર્ટીના સ્થાપક રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનને તેમના સગા કાકાએ જ પાર્ટીની બહારનો રસ્તો બતલાવી દીધો છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો માધવરાવ સિંધિંયા અને વિજયરાજે સિંધિયા પણ સામસામે હતા અને વર્ષો સુધી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા જ્યોતિર્આદિત્ય સિંધિયાએ પણ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. એટલે પાયાના કાર્યકરોએ સમજી લેવું જોઇએ કે રાજકારણમાં કોઇ કોઇનું નથી. રાજકારણીઓ પોતાના સગાના નથી થતાં તો તમારા શું થવાના?