Columns

ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડના રાજીનામા પછી રાજકીય ભૂકંપના ભણકારા વાગે છે

ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડના અચાનક રાજીનામાને કારણે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જેના જવાબો મળતા નથી. નવી દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં પણ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. કેટલાંક લોકો તેને બિહારની ચૂંટણી સાથે જોડી રહ્યાં છે તો કેટલાંક લોકો તેને આવી રહેલા રાજકીય તોફાનની પહેલી નિશાની ગણાવી રહ્યા છે. વાસ્તવિક કારણ હજુ બહાર આવ્યું નથી.  જગદીશ ધનખડે ૧૨ જ દિવસ પહેલાં JNU ના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેઓ ઓગસ્ટ ૨૦૨૭ માં સમયસર નિવૃત્ત થશે. સોમવારે અચાનક ૭૪ વર્ષની ઉંમરે તેમણે રાજીનામું આપ્યું હતું.

આનું કારણ સ્વાસ્થ્ય સંબંધિત હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ બહુ ઓછાં લોકો આ વાત પર વિશ્વાસ કરે છે. તેમના ટીકાકારોને પણ લાગે છે કે આ પાછળ કોઈ બીજું કારણ છે. વિપક્ષે તેમના કાર્યકાળ દરમિયાન તેમના પર મહાભિયોગ ચલાવવાની પણ વાત કરી હતી. હવે તે જ વિપક્ષો જગદીશ ધનખડ માટે સહાનુભૂતિના શબ્દો વહાવી રહ્યા છે. જગદીશ ધનખડના રાજીનામા અંગે ઉપરાષ્ટ્રપતિ કાર્યાલય કે સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. તેથી, રાજકીય ગલિયારાઓમાં ઘણી અટકળો ચાલી રહી છે. ભાજપના મંત્રીઓ પણ આ અંગે કંઈ બોલી રહ્યા નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ કલાક પછી ટ્વિટ કર્યું તેમાં તેમને ખેડૂત પુત્ર અને પ્રેરણાદાયક ગણાવ્યા હતા. તેમણે જગદીશ ધનખડને સારા આરોગ્યની શુભેચ્છા આપી હતી, પરંતુ તેમણે જગદીશ ધનખડના રાજીનામા બાબતમાં એક પણ શબ્દ લખ્યો નહોતો. એ વાત સાચી છે કે ધનખડને આ વર્ષની શરૂઆતમાં હૃદયની તકલીફ હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને સ્ટેન્ટ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ત્યાર બાદ તેઓ સ્વસ્થ જણાતા હતા. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસ પછી તેમના અચાનક રાજીનામાથી ઘણા પ્રશ્નો ઊભા થયા છે. એક વિપક્ષી નેતાએ કહ્યું કે તેઓ સત્ર શરૂ થાય તે પહેલાં જ રાજીનામું આપી શક્યા હોત. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે સોમવારે સાંજે ૪ વાગ્યે એક પ્રેસ રિલીઝ જારી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ આ અઠવાડિયે જયપુરની મુલાકાત લેશે. આ મુલાકાત રદ કરવાની જાહેરાત પણ કરવામાં આવી નથી.

જગદીશ ધનખડના રાજીનામા પાછળ ત્રણ અટકળો લગાવવામાં આવી રહી છે. પહેલી અટકળમાં ચર્ચા છે કે ધનખડની જગ્યાએ નીતીશ કુમારને ઉપરાષ્ટ્રપતિ બનાવી શકાય છે. બિહારની ચૂંટણી પહેલાં આ થઈ શકે છે. ભાજપ બિહારમાં વધુ બેઠકો જીતવા માંગે છે. તેથી, નીતીશને ઉપરાષ્ટ્રપતિ બનાવવા એ એક રણનીતિ હોઈ શકે છે. આ પગલું નીતીશકુમારને ખુશ રાખશે. ભાજપના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુરે આ ચર્ચાને વધુ વેગ આપ્યો હતો. તેમણે કહ્યું કે જો નીતીશ કુમારને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવે તો તે બિહાર માટે ખૂબ સારું રહેશે. બિહારની ચૂંટણી ભાજપ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભાજપે ક્યારેય બિહારમાં એકલા સરકાર બનાવી નથી. જો નીતીશકુમાર ઉપરાષ્ટ્રપતિ બને તો બિહારમાં મુખ્ય મંત્રી ભાજપના બની શકે છે.

બીજી એક વાત પ્રકાશમાં આવી રહી છે કે ચોમાસું સત્રના પહેલા દિવસે કંઈક એવું બન્યું છે, જેનાથી જગદીશ ધનખડ ગુસ્સે થયા હતા. સોમવારે ધનખડે જાહેરાત કરી કે તેમને ૬૮ વિપક્ષી સાંસદો દ્વારા સહી કરાયેલી નોટિસ મળી છે. તેમાં જસ્ટિસ યશવંત વર્માને હટાવવાની માંગ કરવામાં આવી હતી. જસ્ટિસ યશવંત વર્માના ઘરમાંથી ઘણી રોકડ મળી આવી હતી. ધનખડે કહ્યું કે તેઓ આ નોટિસ સ્વીકારી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિએ વિપક્ષની નોટિસ પર ઝડપથી કાર્યવાહી કરી હતી. તે જ સમયે સરકાર લોકસભામાં એક ઠરાવ રજૂ કરી રહી હતી. આનાથી સરકારને આંચકો લાગ્યો હતો. ધનખડે લોકસભામાં ઠરાવ પહેલાં રજૂ કરવાની ભાજપની તક ઝૂંટવી લીધી હતી.

ત્રીજી વાત એ છે કે જગદીશ ધનખડનું વલણ હંમેશા તડ ને ફડ જેવું રહ્યું છે.  ભૂતકાળમાં તેમણે ન્યાયતંત્ર પર પણ તીખી ટિપ્પણીઓ કરી છે, જેનાથી સરકારમાં કેટલાંક લોકો ગુસ્સે થયાં હતાં. ૨૦૨૨ માં ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ જગદીશ ધનખડે ન્યાયિક અતિરેકની ટીકા કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચ (NJAC) કાયદાને રદ કરવાના નિર્ણયની પણ નિંદા કરી હતી. એક સમારંભમાં તેમણે કહ્યું હતું કે ન્યાયતંત્ર નહીં પણ સંસદ સર્વોપરી છે. લોકોને લાગ્યું કે આ સરકારનું વલણ છે. તેથી, સરકારને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જસ્ટિસ વર્મા સામેના મહાભિયોગ બાબતમાં વિપક્ષની નોટિસ ચૂપચાપ સ્વીકારી લીધી તે ઊંટની પીઠ પરનું છેલ્લું તણખલું સાબિત થયા પછી તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

એક વર્ગ એમ પણ કહી રહ્યો છે કે તાજેતરના સમયમાં વિપક્ષી નેતાઓ સાથે તેમની વધતી જતી મુલાકાતોને કારણે તેમના અને સરકાર વચ્ચે અણબનાવ છે. ૧૫ જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ કાર્યાલયે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે વી-પી એન્ક્લેવ ખાતે જગદીશ ધનખરને મળતાં ૪૪ સેકન્ડનો વિડિયો પોસ્ટ કર્યો હતો. ગયા રવિવારે, સંસદના ચોમાસુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલાં ધનખડ આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને મુલાકાતની તસવીરો પોસ્ટ કરી હતી. નોંધનીય છે કે કેજરીવાલ સાંસદ નથી. વિપક્ષી નેતાઓ સાથેની આવી મુલાકાતોમાં, ધનખડ દ્વારા નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરવામાં આવી હોવાના પણ સૂર ઊઠ્યા હતા.

ખાસ વાત એ છે કે આ ૨૦૨૪ની પરિસ્થિતિથી તદ્દન વિપરીત છે. તે સમયે, વિપક્ષી નેતાઓએ ધનખડ સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેમના પ્રત્યે પક્ષપાતી હોવાના આરોપસર તેમને રાજ્યસભાના અધ્યક્ષપદ પરથી દૂર કરવાની ધમકી આપી હતી. ધનખડે રાજ્યસભાના અધ્યક્ષ તરીકેના તેમના પક્ષપાતી વલણના દાવાઓને ખોટા સાબિત કરવા માટે વિપક્ષ સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ વારંવાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે અને જયરામ રમેશ તેમજ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીને મળતા હતા. ધનખડના રાજીનામા પાછળનું તાત્કાલિક કારણ જસ્ટિસ વર્માના મહાભિયોગના મુદ્દા પર એક વરિષ્ઠ સરકારી મંત્રી સાથે ફોન પર થયેલી દલીલો હોવાનું કહેવાય છે.

તેમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ ૬૫ થી વધુ વિપક્ષી સાંસદો દ્વારા રજૂ કરાયેલા મહાભિયોગ પ્રસ્તાવને સ્વીકારવાના નિર્ણય પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ પગલાંથી અજાણ હતી. બીજી તરફ, ધનખડે રાજ્યસભાના અધ્યક્ષ તરીકેની તેમની બંધારણીય શક્તિઓનો ઉલ્લેખ કરીને પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. જગદીશ ધનખડનો જવાબ ભાજપે સ્વીકાર્યો નહોતો અને તેમને રાજીનામું આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જાણકારો કહે છે કે ધનખડના રાજીનામાનો પત્ર તેમણે પોતે ડ્રાફ્ટ નહોતો કર્યો પણ ભાજપના નેતા દ્વારા ડ્રાફ્ટ કરાવવામાં આવેલા પત્ર પર તેમની સહી કરાવી લેવામાં આવી હતી.

રાજકીય નિરીક્ષકો કહી રહ્યા છે કે ધનખડનું રાજીનામું નવી દિલ્હીમાં આવી રહેલા રાજકીય તોફાનનો પ્રારંભ છે. સોમવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને ભાજપના આશરે સો સાંસદોને બોલાવવામાં આવ્યા હતા અને તેમની પાસે એક કોરા કાગળ પર સહી કરાવી લેવામાં આવી હતી. આ તજવીજનું કારણ સંઘના અધ્યક્ષ મોહન ભાગવતનું વિધાન પણ હોઈ શકે છે કે રાજકારણીએ ૭૫ વર્ષની ઉંમરે રિટાયર થઈ જવું જોઈએ. વડા પ્રધાન મોદી ૧૭ સપ્ટેમ્બરે ૭૫ વર્ષના થઈ રહ્યા છે ત્યારે તેમના પર રિટાયર થવાનું દબાણ વધારવામાં આવી રહ્યું છે. જો મોદી સંઘ પરિવારનો આદેશ માથે નહીં ચડાવે તો સંઘ ભાજપમાં ભાગલા કરાવી શકે છે.

જગદીશ ધનખડના રાજીનામા બાદ તેમના ઉત્તરાધિકારી અંગે પણ અટકળો શરૂ થઈ ગઈ છે. બિહારના જેડીયુ સાંસદ હરિવંશને પણ સંભવિત ઉમેદવારોમાં જોવામાં આવી રહ્યા છે. તેઓ ૨૦૨૦ થી રાજ્યસભાના ઉપાધ્યક્ષ છે. જો કે, તેમનો કાર્યકાળ પણ આ મહિને પૂરો થઈ રહ્યો છે. જો ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું સ્વીકારવામાં આવે તો રાજ્યસભાના ઉપાધ્યક્ષ નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી થાય ત્યાં સુધી (કલમ ૯૧ હેઠળ) અધ્યક્ષ રહેશે, પરંતુ તેમને ઉપરાષ્ટ્રપતિનો હવાલો મળશે નહીં, કારણ કે બંધારણમાં કાર્યકારી ઉપરાષ્ટ્રપતિ માટે કોઈ જોગવાઈ નથી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top