Columns

રાજકીય પક્ષો મફતનાં વચનો આપીને મતદારોને છેતરવાનું બંધ કરવા તૈયાર નથી

ચૂંટણી નજીક આવે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને મફતની ભેટોનાં વચનો આપવાની હોડમાં ઊતરે છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં અને પંજાબમાં મફત વીજળી અને પાણી આપવાનાં વચનોના બળ ઉપર ચૂંટણી લડી અને જીતી પણ ગઈ. હવે તે ગુજરાતનાં મતદારોને મફતમાં વીજળી અને પાણીનાં વચનો આપીને લોભાવી રહી છે. કોઈ રાજકીય પક્ષ મતદારોને મફત ટી.વી. સેટ આપવાનું વચન આપે છે તો કોઈ યુવાનોને મફતમાં લેપટોપ આપવાનું વચન આપીને મતો મેળવે છે. કોઈ રાજકીય પક્ષ મહિલાઓને મોપેડ ખરીદવા ૫૦ ટકાની સબસિડી આપવાનો વાયદો કરે છે તો કોઈ દરેક સ્ત્રીને લગ્ન સમયે સોનાની લગડી ભેટ આપવાનું વચન આપીને મતો લૂંટે છે. ચૂંટણી અગાઉ અપાયેલાં કેટલાંક વચનો પૂરાં કરવામાં આવે છે, કેટલાંક અધકચરાં પૂરાં કરવામાં આવે છે તો કેટલાંકને ભૂલી જવામાં આવે છે. મતદારો પણ રાજકીય પક્ષના સુશાસનની ગણતરી કરવાને બદલે ચૂંટણી સમયે આપેલાં વચનોથી ભોળવાઈને મત આપે છે, જેને કારણે રાજકીય પક્ષો મફતનાં વચનો આપવાની હોડ લગાવે છે. હવે આ મામલો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે.

સોશ્યલ મીડિયામાં આજકાલ એક ફેક મેસેજ ચાલી રહ્યો છે કે સુપ્રીમ કોર્ટે દેશનાં કરોડો કરદાતાઓનું સંગઠન રચવાનો આદેશ કર્યો છે, જેમને પૂછ્યા વિના કોઈ પણ સરકાર કે રાજકીય પક્ષ મતદારોને કોઈ ચીજ મફતમાં આપી શકશે નહીં. આદર્શની દૃષ્ટિએ આ વાત સારી જણાય છે, કારણ કે મતદારોને આપવામાં આવતી દરેક મફત ચીજો કરદાતાઓના પૈસાથી ખરીદવામાં આવતી હોય છે. સુપ્રિમ કોર્ટે તેવો ઓર્ડર નથી કર્યો, પણ અલગ પ્રકારનો પ્રસ્તાવ કર્યો છે કે રાજકીય પક્ષો ચૂંટણી પહેલાં ક્યાં વચનો આપી શકે અને ક્યાં વચનો ન આપી શકે, તેનું નિયમન કરવા એક સમિતિ બનાવવી જોઈએ, જેમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપરાંત નીતિ આયોગ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને ચૂંટણી પંચના પ્રતિનિધિઓ હોય; પણ આપણી સરકાર તે માટે તૈયાર નથી.

ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય દ્વારા સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે કે કોઈ પણ રાજકીય પક્ષો ચૂંટણીઢંઢેરામાં કોઈ ચીજ મફતમાં આપવાનું વચન ન આપી શકે તેવો કાયદો કરવો જોઈએ. તેમાં એવી માગણી પણ કરવામાં આવી છે કે રાજકીય પક્ષો ચૂંટણીઢંઢેરામાં જે કોઈ વચનો આપે તે જવાબદારીપૂર્વક આપે અને તેનું પાલન કરે તેવી વ્યવસ્થા પણ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસમાં ચૂંટણી પંચનો જવાબ માગવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે ચોંકાવનારી દલીલ કરી હતી કે જેને તમે મફતની લહાણી કહો છો તે આપત્તિના સમયમાં લોકોના જીવ બચાવનારી સાબિત થઈ શકે છે. ચૂંટણી પંચે એવી દલીલ પણ કરી હતી કે ભારતના કોઈ કાયદામાં મફતની લહાણીની વ્યાખ્યા કરવામાં આવી નથી. જો ચૂંટણી પંચના અભિપ્રાયને સરકારનો અભિપ્રાય ગણવામાં આવે તો ખુદ કેન્દ્ર સરકાર મફતનાં વચનો બંધ કરવા માગતી નથી. ચૂંટણી પંચે તો ચૂંટણીઢંઢેરાનું મોનિટરિંગ કરવાની સમિતિમાં સામેલ થવાનો પણ ઇનકાર કરી દીધો છે.

ચૂંટણી પંચે આપેલા આ જવાબ પરથી એક વાત સાબિત થઈ ગઈ છે કે શાસક પક્ષ સહિતનો કોઈ પક્ષ ચૂંટણીના સમયે મતદારોને પ્રલોભન આપવાથી દૂર રહેવા તૈયાર નથી. દેશના બધા રાજકીય પક્ષો ભારતના બેવકૂફ મતદારોની નબળી કડી જાણી ગયા છે અને તક મળે તેનો લાભ ઉઠાવવા તૈયાર હોય છે. જે રીતે કોઈ ઉમેદવારો ચૂંટણીની પૂર્વસંધ્યાએ ઝૂંપડપટ્ટીનાં મતદારોને દારૂની બોટલ કે સાડી આપીને તેમના મતો ખરીદતા હોય છે, તેવી રીતે રાજકીય પક્ષો મફતમાં વીજળી અને પાણીનાં વચનો આપીને તેમના મતો પડાવી લેતા હોય છે. સરકાર પાસે કોઈ જાદુની છડી નથી કે મફતમાં વીજળી કે પાણી આપી શકે. આ બોજો છેવટે તો કરદાતાઓ પર જ પડતો હોય છે. આ પણ એક જાતનો ભ્રષ્ટાચાર છે, પણ રાજકીય પક્ષો તેનો લાભ જતો કરવા તૈયાર થતા નથી.

કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા મતદારોને કોઈ ચીજ મફતમાં આપવામાં આવે છે, ત્યારે રાજ્યની તિજોરી પર તો તેનો બોજો પડતો જ હોય છે. દાખલા તરીકે કોઈ રાજ્યમાં મફત વીજળી આપવામાં આવતી હોય તો વીજળીનું વિતરણ કરતી કંપનીને રાજ્ય સરકારે તેની કિંમત ચૂકવવી જ પડતી હોય છે. તેને કારણે બજેટમાં જે ખાધ પડે છે તે રાજ્ય સરકારો છૂપાવતી હોય છે. પંજાબ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશ સરકારે ખાનગી સંસ્થાઓ પાસેથી ૪૭,૩૧૬ કરોડ રૂપિયાની લોન લઈને આ ખાધ સરભર કરી છે. આ લોન બજેટમાં દેખાડવામાં આવતી નથી. આ લોન ભવિષ્યમાં ચૂકવવી પડશે. તેની સામે રાજ્યની સંપત્તિ ગીરવે મૂકવામાં આવી છે.

હકીકતમાં તામિલનાડુના સુબ્રમણ્યમ બાલાજી દ્વારા રાજ્ય સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો કે ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જે મફતનાં વચનો આપવામાં આવે છે, તેને રાજકીય ભ્રષ્ટાચાર ગણીને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે. ૨૦૧૩ માં આ કેસનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે મફતનાં વચનોને ભ્રષ્ટાચાર ગણી શકાય નહીં. જો કે સુપ્રિમ કોર્ટે તે કેસમાં એવું નિરીક્ષણ પણ કર્યું હતું કે ‘‘કોઈ પણ જાતની મફત ચીજોનું વિતરણ મતદારોના માનસ પર અસર કર્યા વિના રહેતું નથી. તેને કારણે મુક્ત અને ન્યાયી ચૂંટણીના પાયા હચમચી જાય છે.’’

આ નિરીક્ષણ સાથે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને સૂચન કર્યું હતું કે ‘‘રાજકીય પક્ષો દ્વારા જે ચૂંટણીઢંઢેરાઓ બહાર પાડવામાં આવે છે, તેનું નિયંત્રણ કરવા તેણે રાજકીય પક્ષો સાથે ચર્ચાવિચારણા કરીને કોઈ ગાઇડલાઈન તૈયાર કરવી જોઈએ, જેને ચૂંટણીની આચારસંહિતાનો ભાગ બનાવી શકાય.’’આ સૂચનના અનુસંધાનમાં ૨૦૧૪ માં ચૂંટણી પંચ દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી કે ‘‘મતદારોને મુક્ત મને મતદાન કરવામાં બાધક બને તેવાં કોઈ વચનો ચૂંટણીઢંઢેરામાં આપવાં જોઈએ નહીં. વળી જે કોઈ વચનો આપવામાં આવે તેની વ્યવહારુતા સમજાવવી જોઈએ અને તેના માટેના રૂપિયા ક્યાંથી આવશે, તે પણ જણાવવું જોઈએ.’’રાજકીય પક્ષો ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઈનને ઘોળીને પી ગયા છે, પણ ચૂંટણી પંચ તે બાબતમાં જરાય ગંભીર નથી, કારણ કે શાસક પક્ષ પણ તેનો લાભ ઉઠાવી રહ્યો છે.

અશ્વિની ઉપાધ્યાય દ્વારા સૂચન કરવામાં આવ્યું કે રાજકીય પક્ષો દ્વારા મફતનાં વચનોની લહાણી ન કરવામાં આવે તે માટે સંસદમાં કાયદો ઘડવો જોઈએ. આ સૂચનને અવ્યવહારુ ગણાવતા સુપ્રીમ કોર્ટે સચોટ નિરીક્ષણ કર્યું હતું કે સંસદમાં તેવો કાયદો ઘડવા કોઈ રાજકીય પક્ષ તૈયાર નહીં થાય. રાજકીય પક્ષો કાયદો ઘડવા તૈયાર નથી, સુપ્રિમ કોર્ટ સરકારના નિર્દેશ વિના આગળ વધવા તૈયાર નથી, ચૂંટણી પંચ તેવી જવાબદારી લેવા તૈયાર નથી અને સરકારને તેવો કાયદો કરવામાં રસ નથી, પણ મતદારો છેતરાઈ રહ્યાં છે. લોકશાહીની મજાક ચાલી રહી છે. દેશની તિજોરી ખાલી થઈ રહી છે. જેમના રૂપિયાથી આ ખેલ ખેલાઈ રહ્યો છે તે કરદાતાઓ લાચાર થઈને તમાશો જોઈ રહ્યા છે. ભારતનો મતદાર એક વખત મતદાન કરી દે તે પછી તેના હાથમાં પણ કોઈ સત્તા રહેતી નથી. ભારતની લોકશાહીમાં લોકો માટે, લોકો દ્વારા ચાલતી લોકોની સરકાર નથી ચાલતી પણ સરકારી અમલદારો દ્વારા, ઉદ્યોગપતિઓનાં હિતો માટે ચાલતી રાજકીય પક્ષોની સરકાર ચાલે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top