World

નેપાળ ચૂંટણી બાદ રાજકીય ગણિત ગરમાયું, મતગણતરી શરૂ થવાની તૈયારી; ગુજરાતીઓ બોર્ડર પર અટવાયા

નેપાળમાં સામાન્ય ચૂંટણી માટે આજરોજ તારીખ 5 માર્ચ 2026ના ગુરુવારે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચના પ્રાથમિક આંકડા મુજબ આશરે 60% મતદાન નોંધાયું છે. દૂરના કેટલાક વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા થોડો સમય વધુ ચાલુ રહી હતી. મતદાન પૂર્ણ થયા બાદ હવે મતગણતરી શરૂ થવાની છે અને આગામી 24 કલાકમાં પરિણામો જાહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વચગાળાની સરકારનું નેતૃત્વ કરી રહેલી વડાપ્રધાન સુશીલા કાર્કીએ કાઠમંડુના ધાપસી મતદાન મથક પર મતદાન કર્યા બાદ જણાવ્યું કે હવે તેમની ભૂમિકા પૂર્ણ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે આ ચૂંટણી દેશના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ ચૂંટણી પર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નજર રાખવામાં આવી રહી છે. સપ્ટેમ્બર 2025માં થયેલા હિંસક યુવા વિરોધ પ્રદર્શન બાદ તત્કાલીન વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર પડી ગઈ હતી. ત્યારબાદ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીના નેતૃત્વમાં વચગાળાની સરકાર રચાઈ હતી, જે હાલ સુધી ચૂંટણી પ્રક્રિયા સંભાળી રહી છે. વડાપ્રધાન પદ માટે કાઠમંડુના પૂર્વ મેયર બાલેન શાહ, નેતા કેપી શર્મા ઓલી અને ગગન થાપા મુખ્ય દાવેદારો માનવામાં આવે છે. આ ત્રણ નેતાઓ વચ્ચે કઠિન રાજકીય ટક્કર જોવા મળી રહી છે. સમગ્ર દેશમાં 23,000થી વધુ મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા.આ ચૂંટણીમાં કુલ 65 રાજકીય પક્ષો મેદાનમાં છે. દેશના તમામ 77 જિલ્લાઓમાં એક જ તબક્કામાં મતદાન યોજાયું હતું. ચૂંટણી માટે આશરે 1.9 કરોડ મતદારો નોંધાયેલા છે, જેમાં લગભગ 8 લાખ યુવાનો પહેલી વખત મતદાન કરી રહ્યા છે. નેપાળમાં મતદાન માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે. 2022ની સંસદીય ચૂંટણીની તુલનામાં આ વખતે આશરે 10 લાખ નવા મતદારો નોંધાયા છે. તાજેતરના યુવા આંદોલનોના કારણે રાજકારણમાં યુવાનોનો રસ વધ્યો હોવાનું માનવામાં આવે છે.

નેપાળમાં ચૂંટણીને કારણે સુરક્ષાના ભાગરૂપે ભારત-નેપાળ બોર્ડર તાત્કાલિક બંધ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ પાસે આવેલી સોનૌલી બોર્ડર બંધ થતા આશરે 60 જેટલા ગુજરાતીઓ ત્યાં ફસાઈ ગયા છે. આમાં અમદાવાદ અને મહેસાણા સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી નેપાળ ફરવા ગયેલા પ્રવાસીઓ સામેલ છે. તેઓ આજે ભારત પરત આવવાના હતા, પરંતુ બોર્ડર બંધ હોવાને કારણે હોટલોમાં રોકાવું પડી રહ્યું છે. ફસાયેલા મુસાફરોમાંના કેટલાક લોકોની અમદાવાદ આવવાની ફ્લાઈટ પણ હતી, પરંતુ બોર્ડર બંધ હોવાથી તેઓ સમયસર ભારત પ્રવેશ કરી શક્યા નથી. નેપાળના અધિકારીઓ મુજબ સાંજે 5 વાગ્યે મતદાન પૂર્ણ થયા પછી જ બોર્ડર ફરી ખોલવામાં આવશે.

Most Popular

To Top