આજે ફરી એકવાર વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે આવીને ઊભું હોય તેવું જણાય છે. અગાઉ એવી ધારણા હતી કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે, પરંતુ વર્તમાન સંજોગો જોતા લાગે છે કે તે સત્તા અને અન્ય દેશો પર વર્ચસ્વ જમાવવા માટે ખેલાશે. રશિયા-યુક્રેન સંઘર્ષ બાદ હવે ઇઝરાયેલ, ઈરાન અને અમેરિકા વચ્ચે જે તણાવ વધ્યો છે તેની અસરો વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમને પગલે ઇઝરાયેલ અને અમેરિકામાં ડરનો માહોલ છે, જેને કારણે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે.
વાસ્તવમાં, આ મુદ્દાઓનો ઉકેલ શાંતિપૂર્ણ વાટાઘાટો અથવા સંયુક્ત રાષ્ટ્ર (UN) ના હસ્તક્ષેપ દ્વારા લાવી શકાયો હોત. યુદ્ધના મૂળમાં ઘણીવાર રાષ્ટ્રના હિત કરતા નેતાઓની વ્યક્તિગત કે રાજકીય મહત્વકાંક્ષા વધુ જવાબદાર હોય છે. યુદ્ધના ગંભીર પરિણામો નેતાઓ નહીં, પણ નિર્દોષ પ્રજા ભોગવે છે. નેતાઓ સુરક્ષિત બંકરોમાં આશરો લે છે, જ્યારે સામાન્ય નાગરિકો, મહિલાઓ અને બાળકો મિસાઈલ હુમલાનો ભોગ બને છે. યુદ્ધની વ્યાપક અસરો થાય છે યુદ્ધમાં માત્ર ગોળીબાર નથી થતો, પણ આખા પરિવાર અને આવનારી પેઢીઓનો વિનાશ થાય છે.
હુમલો કરનાર અને ભોગ બનનાર બંને પક્ષે ભારે આર્થિક નુકસાન થાય છે.વૈશ્વિક અર્થતંત્ર તરફ જોવા મા આવે તો જો ‘સ્ટ્રેટ ઓફ હાર્મુઝ’ જેવો મહત્વનો દરિયાઈ માર્ગ બંધ થાય, તો ઈંધણની તંગી સર્જાય અને વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે.ખાડી દેશોમાં વસતા લાખો ભારતીયો અત્યારે ભયના ઓથાર હેઠળ છે. હવાઈ મથકો બંધ થવાથી પ્રવાસીઓ અટવાયા છે અને રોજગાર પર પણ જોખમ ઊભું થયું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ માનવજાતના કલ્યાણ માટે થવો જોઈએ, નહીં કે તેના વિનાશ માટે. જો યુદ્ધ થશે, તો જીતનારા રાષ્ટ્ર પાસે રાજ કરવા માટે ન તો પ્રજા બચશે, ન તો ફળદ્રુપ ધરતી. આજે જરૂર છે કે સંયુક્ત રાષ્ટ્ર (UN) ભગવાન કૃષ્ણ જેવી ભૂમિકા ભજવીને શાંતિ દૂત બને. જો સમયસર આ યુદ્ધખોરી અટકાવવામાં નહીં આવે, તો ત્રીજું વિશ્વયુદ્ધ માત્ર સ્મશાનવત શાંતિ જ છોડી જશે.
પંચમહાલ – વિજયસિંહ સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.