આણંદ : બોર્ડ અને સ્નાતક કક્ષાના પરીણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ કારકિર્દીમાં કેવી રીતે આગળ વધવું ? તે મોટો પ્રશ્ન મુંજવતો હોય છે. બરાબર માર્ગદર્શનના અભાવે યુવક-યુવતીઓ ગેરમાર્ગે દોરાયને આસામાજીક પ્રવૃતિમાં જાણેઅજાણે ભળી જતા હોય છે. આથી ખંભાત પોલીસ દ્વારા અનોખું પગલું ભરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિઃશુલ્ક ક્લાસીસનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનના હોલમાં માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિક્ષિત યુવક-યુવતીઓને સચોટ માર્ગદર્શનના અભાવે લાયકાત મુજબ નોકરી પ્રાપ્ત થતી નથી. જેને લઇ બેરોજગારોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે, કેટલાક યુવાનોને નોકરી નહીં મળવાને કારણે ખોટા રસ્તે ધકેલાય છે અને આસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે. જેને લઇ ગુનાઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેના માટે ખંભાત પોલીસ દ્વારા અનોખી પહેલ કરી શિક્ષિત બેરોજગારોને યોગ્ય માર્ગદર્શન મળે અને તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરે તે હેતુસર જિલ્લા પોલીસ વડા અજિત રાજ્યણના માર્ગદર્શન હેઠળ એ.એસ.પી. અભિષેક ગુપ્તા તથા શહેર પોલીસ ઇન્સ્પેક્ટર આર. એન. ખાટના સંયુક્ત પ્રયાસોથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિઃશુલ્ક ક્લાસીસનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જે અંતર્ગત ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનના હોલમાં માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખંભાત તાલુકા સહિત શહેરના યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.ખાંટે જણાવ્યું હતું કે, અમારો મુખ્ય હેતુ ખંભાત તાલુકા સહિત શહેરના વધુમાં વધુ શિક્ષિત યુવક-યુવતીઓ આ ક્લાસીસ માં જોડાય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી નોકરી મેળવી યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યુ હતું.