SURAT

સુરત મહાનગર પાલિકાએ રખડતા ઢોર માટે બનાવેલી પોલીસી ફેલ

સુરત : શહેરમાં રખડતા ઢોરનું ન્યુસન્સ લોકોને હાલાકીમાં મુકે છે. આ ન્યુસન્સને કાબુમાં લેવા માટે સુરત મનપા દ્વારા તમામ પશુઓને આરએફઆઇડી ટેગ લગાવવાની સ્કીમ મુકાઇ છે તેમજ નવી પોલીસી અનુસાર પ્રથમ વખત પકડનારા રખડતા ઢોર માટે તેના માલિકને આકરો દંડ તો એકથી વધુ વખત પકડાનારા એકના એક પશુ બદલ તેના માલિક સામે પોલીસ ફરિયાદથી માંડીને અન્ય કડક કાર્યવાહીની જોગવાઇ કરવામાં આવી છે.

  • સુરત મહાનગરપાલિકાની પશુઓને આરએફઆઇડી ટેગની પોલિસીનું સુરસુરિયું
  • એક પણ પશુપાલકે રજિસ્ટ્રેશન ન કરાવ્યું
  • પશુઓને આરએફઆઇડી ટેગ લગાવવાની હતી પોલીસી
  • હવે પાલિકા સામેથી રખડતા ઢોરોને ટેગ લગાવશે અને માલિક પાસેથી દંડ વસુલશે

જો કે તેનો અમલ આ અત્યાધુનિક આરએફઆઇડી (રેટ્રો ફીડીગ ઇન્કલઝ ડીવાઇસ) ટેગ વગર શકય નથી પરંતુ સુરત મનપા દ્વારા સતત બે માસ સુધીનો સમય પશુ પાલકોને આપવા છતાં એક પણ પશુ પાલક પોતાના પશુનું રજીસ્ટ્રેશન કરાવી ગયા નથી. આમ સુરત મનપાની આ સ્કીમનું સુરસુરિયું થઇ ગયું છે જો કે હવે સુરત મનપા દ્વારા એનુ નકકી કરાયું છે કે, જે રખડતા ઢોર પકડાય તેને મનપા ટેગ લગાવી દેશે અને તેનો ચાર્જ તેમજ દંડ તેના માલિક પાસેથી વસુલવામાં આવશે.

અગાઉ બનાવ્યો હતો કાયદો
અત્રે ઉલ્લેખનીય છે કે, રખડતાં ઢોરના મામલે કોર્ટે પણ ખૂબ જ કડક વલણ અખત્યાર કર્યું છે. તેમજ સરકારે પણ નવો કાયદો બનાવ્યો છે પરંતુ માલધારી સમાજમા વિરોધના પગલે સરકારે હમણા મૌન ધારણ કરવાનું વલણ અપનાવ્યું છે. આવા સંજોગોમાં પાલિકાએ ટેગ રજિસ્ટ્રેશન કરાવવાનો આદેશ કર્યો હતો. જો કે, તેનું એકપણ પશુપાલકે પાલન કર્યું નથી. ત્યારે હવે પાલિકા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને પશુ પાલકો અને પાલિકા વચ્ચે ઘર્ષણ સર્જાવાના એંધાણ દેખાઈ રહ્યા છે.

Most Popular

To Top