સુરતઃ સ્કૂલની ફેરવેલમાં વટ પાડી દેવા ફાઉન્ટન હેડ સ્કૂલના સ્ટુડન્ટ્સે રોડ પર લક્ઝુરીયસ કાર દોડાવી, હાથમાં પિસ્તોલ લઈ જે સીનસપાટા કર્યા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ હવે સ્ટુડન્ટ્સને જેલની હવા ખાવાની નોબત આવી શકે છે. વીડિયો વાયરલ થયા બાદ આ ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી છે. ટ્રાફિક શાખાના ડીસીપી અમિતા વાનાણીએ કહ્યું કે કાયદાનો ભંગ કરનારાઓને સબક શીખવાડાશે.
શું છે મામલો?
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલ ના ધોરણ 12ના વિદાય સમારંભ (Farewell) દરમિયાન વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ વિદાયને બદલે પાવર શો રચવાનો પ્રયાસ કર્યો હતો. 30થી વધુ લક્ઝરી કારો સાથે વિદ્યાર્થીઓએ કોઈ મંજૂરી વિના સ્કૂલ સુધીનો કાફલો કાઢ્યો અને સ્ટાઈલબાજી કરવાને કારણે વિવાદ ઉદભવ્યો છે.
રાંદેરના ડી-માર્ટ પાસેથી શરૂ થયેલો આ કાફલો ઓલપાડના દાંડી રોડ પર આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી પહોંચ્યો. સ્ટાઇલમાં કારની સનરૂફમાંથી માથું બહાર કાઢીને ફોટો-વિડિયો લેતા વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમો તોડતા જોવા મળ્યા. તેમના ગાડીઓમાં બેજવાબદાર રીતે મ્યુઝિક વગાડવામાં આવી રહ્યો હતો, જે તે સમયે માર્ગ પર બાકી ચાલકોએ ભારે પરેશાનીઓ અનુભવી હતી.
વિચારવામાં આવ્યા વિના યોજાયેલા આ કાર્યક્રમના જવાબદાર કોણ? પોલીસ અને સ્કૂલ બંનેએ જવાબદારીમાંથી છટકવા પ્રયાસ કર્યો હતો. વિદાય સમારંભનો હેતુ વિદ્યાર્થીઓ માટે એક સાંસ્કૃતિક અને પ્રેરણાત્મક વિદાય છે. પરંતુ આ ઘટના એવા સંકેત આપે છે કે આ રીતે પાવર શો બનાવી સ્વીકાર્યતાના તમામ મર્યાદાઓ તોડવી ખોટું છે. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે સ્કૂલ અને કોલેજની ભારે બદનામી થઈ રહી છે.
શું કહ્યું પોલીસે?
વીડિયો વાયરલ થયા બાદ રહી રહીને પોલીસ તંત્ર જાગ્યું છે. આજે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ એક પત્રકાર પરિષદને સંબોધી હતી. વાનાણીએ કહ્યું, વીડિયોના અનુસંધાનમાં તપાસ હાથ ધરવામાં આવશે. વીડિયો ફાઉન્ટન હેડ સ્કૂલના વિદ્યાર્થીઓનો હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે. સ્ટુડન્ટ્સ પાસે કારના લાયસન્સ હતા કે નહીં તે ચેક કરાશે. કારની માલિકી કોની છે તે તપાસ કરાશે. કાયદાનો ભંગ થયો હશે તો કસૂરવારો સામે કડક કાર્યવાહી કરાશે.
