SURAT

દિવાળીની રજામાં સચિન GIDCમાં પોલીસ 24 કલાક પેટ્રોલિંગ કરશે, 110 CCTV કેમેરાથી રહેશે નજર

દિવાળીના તહેવાર દરમિયાન સચિન જીઆઈડીસીમાં મીની વેકેશન રહેશે. દિવાળીની સાંજથી આગામી લાભપાંચમ સુધી તમામ ઉદ્યોગો બંધ રહેશે ત્યારે બંધ કારખાનાઓની સુરક્ષા માટે પોલીસ 24 કલાક પેટ્રોલિંગ કરશે.

  • સચિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને પોલીસ દ્વારા દિવાળીની રજા દરમિયાન ઉદ્યોગકારોના ખાતા ની સલામતી અને સુરક્ષા તથા સેફટી અંગેની મીટીંગનું આયોજન થયું
  • સચિન જીઆઈડીસીમાં મુખ્ય ચાર રસ્તા ઉપર પેટા ગલીઓમાં લગાવેલા 110 સીસીટીવી કેમેરાની બાજ નજર રજા દરમિયાન રહેશે.

ઉદ્યોગોની સુરક્ષાને ધ્યાને રાખી સચિન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ સોસાયટીના શાસકો પૈકી પ્રમુખ કિશોરભાઈ પટેલ, ઉપપ્રમુખ નીલેશ ગામી, ખજાનચી ગિરીશભાઈ રાખોલીયાય, નોટીફાઈડ ચેરમેન મિતુલભાઈ મહેતા, ઉમેશભાઈ પટેલ (જાદુગર), ભીખુભાઈ નાકરાણી, ગૌરાંગ ચપટવાલાએ નોટીફાઈડ કચેરી ખાતે સાંજે 4 કલાકે શહેર પોલીસ વિભાગના વડા ડીસીબી રાજેષ પરમારની અધ્યક્ષતામાં ઉપસ્થિત એસીપી દિપ વકીલ, પી.આઈ કુલદીપસિંહ ગોહિલ, સેકન્ડ પી.આઈ ભાવિશાબા પરમારની હાજરીમાં સયુંક્ત બેઠક કરી હતી.

લાંબી ચર્ચામાં પોલીસે કહ્યું હતું કે દરેક ઉદ્યોગકારોએ પોતાની ઉદ્યોગ પ્રિઈમાસીસમાં લાગેલાં સીસીટીવી કેમેરા ચાલું છે કે નહીં તે ખાસ ચેક કરી લેવું. બેંકમાંથી મોટી રકમ ઉપાડવાની હોય ત્યારે તેવાં સંજોગોમાં ઉદ્યોગકારોએ સચિન જીઆઈડીસી પોલીસનો સંપર્ક કરવાનો રહેશે જેથી અનિચ્છનીય ઘટના ટાળી શકાય.

પોલીસે વધુમાં કહ્યું હતું કે વેકેશન દરમિયાન જે કોઈ વોચમેન યુનિટની પહેરાદારી માટે રાખવાનાં હોય ત્યારે તેના આધારકાર્ડ અને પાસપોર્ટ કોપી ફોટો ચોક્કસથી મેળવી લેવા. સચિન જીઆઈડીસીના ઉદ્યોગોની સુરક્ષા માટે મીની વેકેશન દરમિયાન 24 કલાક પોલીસની 3 ગાડીઓ પેટ્રોલીંગ કરશે, જેથી ચોરી ચોપાટી ના બનાવો ના બને. આ સાથે જ સચિન નોટીફાઈડ સિક્યુરીટીનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ ફરજ નિભાવશે. આમ સચિન જીઆઈડીસીના ઉદ્યોગોની ચુસ્તપણે સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.

સેક્રેટરી મયૂર ગોળવાલાએ ઉદ્યોગકારોને કહ્યું હતું કે દરેક ઉદ્યોગકારોએ પોતાના યુનિટના કેપેસીટરો બંધ કરી દેવાં જેથી વીજ વ્યય અને આગ અકસ્માતના કિસ્સા બનતાં અટકાવી શકાય.

Most Popular

To Top