SURAT

સુરતના પોલીસ કમિશનરે ‘ન્હાવા’ પર મુક્યો પ્રતિબંધ, શા માટે લેવાયો આવો નિર્ણય, જાણો…

સુરત: અકળાવનારી ગરમીમાં રાહત મેળવવા માટે લોકો નજીકના તળાવ, નહેર કે પછી દરિયામાં ન્હાવા પડતાં હોય છે, પરંતુ હવે લોકો આવું નહીં કરી શકે. સુરત શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને શહેરના 33 જેટલાં તળાવ, નહેર, નદી અને દરિયા કાંઠા પર ન્હાવાની મનાઈ ફરમાવી દીધી છે. આ સાથે જ જો કોઈ આ 33 પૈકી કોઈ પણ ઠેકાણે ન્હાતા નજરે પડશે તો તેઓ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ગરમીમાં નદી, નહેર, તળાવ, દરિયામાં ન્હાવા પડતા લોકોના ડુબી જઈ મૃત્યુ પામવાની અનેક ઘટનાઓ આ ઉનાળું સિઝનમાં બની છે. ગયા મે મહિનામાં ગુજરાતમાં પાણીમાં ડૂબી જવાની દુર્ઘટનાનો સિલસિલો જારી રહ્યો છે. સૌરાષ્ટ્રના પોરબંદર પછી રવિવારે નવસારીમાં દાંડીના દરિયામાં નહાતી વખતે ચાર લોકોના મોત થયા હતા. ત્યાર બાદ તા. 15 મેના રોજ રાજપીપળા પાસે પોઈચામાં નર્મદા નદીમાં ન્હાવા પડેલા સુરતના પરિવારના 7 લોકો ડૂબી ગયા હતા. આવી દુર્ઘટનાઓને ટાળવા માટે સુરત શહેર પોલીસ કમિશનરને તેમના કમિશનરેટ વિસ્તારમાં આવેલા 33 ઠેકાણા પર ન્હાવા પર પ્રતિબંધ મુક્યો છે.

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તા. 7 જૂન 2024થી 31 જુલાઈ 2024 સુધી અમલમાં રહે તેવું એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં લખ્યું છે કે રાજ્યમાં જુદી જુદી જગ્યાએ નદી, તળાવો, નહેર, દરિયામાં ન્હાવા પડેલા વ્યક્તિઓના ડૂબી જવાથી મરણ પામવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. જેથી આવી જગ્યાઓ પર અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસ કમિશનરની હદમાં આવેલા તળાવ, નહેર, નદી, દરિયા કાંઠા પર ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પ્રતિબંધ મુકવા સાથે પોલીસ કમિશનરને જાહેરનામા મારફત ચીમકી ઉચ્ચારી છે કે હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ફોજદારી અધિનિયમ 1860ની કલમ 188 હેઠળ કાર્યવાહી કરાશે.

શહેરના આ 33 ઠેકાણા પર પ્રતિબંધ
શ્રી રામનગર તળાવ, ગુ.હા. બોર્ડ, સચીન, પારડી બસ સ્ટેન્ડની પાછળના ભાગે આવેલું તળાવ, સાઉથ ઝોન ઓફિસની પાછળના ભાગે આવેલું તળાવ, ખરવાસા ગામનું તળાવ, બોણંદ ગામનું તળાવ, વક્તાણા ગામનું તળાવ, પોપડા ગામનું તળાવ, લાજપોર ગામની મિંઢોળા નદી, પુણામાં આવેલી રંગ અવધૂત સોસાયટી પાસેથી પસાર થતી નહેર, પુણા ગામનું તળાવ, અમરોલી-ઉત્રાણમાં કાકરાપાર ડેમ જમણા કાંઠાની નહેર, ઈચ્છાપોર ગામનું તળાવ, ભટલાઈ ગામનું તળાવ, જુના કવાસ ગામનું તળાવ, ભાટપોર ગામનું તળાવ, કુંકણી નહેરથી ગોળા ગરનાળા વરીયાવ સુધીનો નહેરનો ભાગ, ડીંડોલી ગામનું છટ તળાવ, કરાડવા ગામનું તળાવ, સણી ગામનું તળાવ, દેલાડવા ગામનું તળાવ, ડીંડોલીની મધુરમ સર્કલની કેનાલ, સલાબતપુરાનું ગોપી તળાવ, હજીરાનું મોરા તળાવ, રાંદેરમાં દાંડી રોડથી ગોગા ચોક સુધી તથા ગૌરવપથ સુધીની કેનાલ, બોટનિકલ ગાર્ડનનું તળાવ, સરથાણાની શાયોના પ્લાઝાથી અમર ચોક સુધીની નહેર, પાસોદરા ગામમાં આવેલું તળાવ, ડુમ્મસનો દરિયા કિનારો, ડુમ્મસના કાદી ફળિયામાં આવેલું તળાવ, ડુમ્મસના ભીમપોર ગામનું તળાવ, ડુમ્મસના આભવા ગામનું તળાવ, ડુમ્મસના ગવિયર ગામનું તળાવ તથા હજીરામાં આવેલા સુવાલી બીચનો દરિયા કિનારો ઉપરાંત સરથાણાથી ડુમ્મસ સુધી વહેતી તાપીના બંને કાંઠા તરફના વિસ્તારમાં એટલે કે તાપી નદીમાં ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Most Popular

To Top