વલસાડ: વલસાડના (Valsad) અબ્રામા ખાતે સુંદરવન સોસાયટીમાં ગેરકાયદે રીતે અટક પારડીના ડેપ્યુટી સરપંચે જમીન (Land) ઉપર કબજો કરી દીધો હોય તેનો વિરોધ કરવા જતા માજી નગર પાલિકાના સભ્યને ઢોર માર મરાયો હતો. જેમાં માજી સભ્યએ માર મારનાર તમામ વિરૂદ્દ પોલીસ ફરિયાદ (Police Complaint) કરતાં પોલીસ કામે લાગી ગઈ છે.
વલસાડના અબ્રામા ગોકુલધામ સોસાયટીમાં રહેતા વિનોદ વિજયભાઈ શર્મા નગર પાલિકાના અબ્રામા વોર્ડના માજી સભ્ય છે અને લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. અબ્રામા વૃંદાવન સોસાયટીમાં જમીન સર્વે નંબર 171,172 વાળી જમીન સરકારી ખામીન છે. જેમાં ધરમપુર ચોકડી સાઈબાબા મંદિરની પાછળ રહેતા અટકપારડી ગ્રામ પંચાયતના ડે. સરપંચ ભરત દેવા મેર ઉફે ભરત ભરવાડે સરકારી જમીન ઉપર શ્રીમહાકાલી અન્નક્ષેત્રનું નામનું બોર્ડ લગાવીને ગેરકાયદે રીતે જમીન ઉપર કબજો કરી દીધો હતો. માજી નગર પાલિકાના સભ્યએ જે અંગે મામલતદાર કચેરીમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે મામલતદાર કચેરીના અધિકારીઓ ઘટનાસ્થળે તપાસ કરવા ગયા હતા. ત્યારે અટક પારડીના ડે.સરપંચ અધિકારીઓ સાથે ગાળા ગાળી કરવા લાગ્યા હતા. જેથી અધિકારીઓ પણ ત્યાંથી ચાલી આવ્યા હતા. બાદમાં માજી સભ્ય વિનોદ શર્મા સાથે ડેપ્યુટી સરપંચે ગાળા ગાળી કરીને તેમને લાકડા વડે ઢોર માર માર્યો હતો.
ડે. સરપંચ સહિત 15 શખ્સો સામે ગુનો દાખલ
માજી સભ્યએ અટકપારડીના ડે.સરપંચ ભરત દેવા મેર તથા ધરમપુર ચોકડી સાઇબા મંદિર પાછળ રહેતા કનુ રણછોડ ભરવાડ, કનુ દેવા ભરવાડ, શાર્દુલ દેવા મેર સહિત બીજા અજાણ્યા 15 જેટલા ઇસમો સામે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ચોખીઆમલી ગામે બહેનને મળવા આવેલા ભાઈને ઈંટ મારી હત્યા કરનારની ધરપકડ
વ્યારા: કુકરમુંડા તાલુકાના ચોખીઆમલી ગામે માસીના ઘરે મળવા આવેલા યુવકને ચોખીઆમલીના જ માથાભારે શખ્સે મોઢા પર ઈંટ વડે હુમલો કર્યો હતો. આ ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મરણ જનાર નરેશની બહેન મયૂરીબેને હુમલો કરનાર ફતેસિંગ રૂપસિંગ વળવી (રહે.,ચોખીઆમલી, તા.કુકરમુંડા, જિ.તાપી) વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. હત્યાનો ગુનો નોંધી આરોપીની ગત તા.29/9/2022ના રોજ સાંજે આશરે 17:45ના અરસામાં ધરપકડ કરી કોર્ટમાંથી એક દિવસનાં રિમાન્ડ મેળવ્યાં છે.
ચોખીઆમલી ગામ ખાતે માસી સાથે રહી અને ઘરકામ કરી જીવનનિર્વાહ કરતી મયૂરીબેનને ગતરોજ ઝુમકાટી ગામે રહેતો તેનો ભાઈ નરેશ મળવા આવ્યો હતો. તેના માસી ઘરની બહાર ઊભા રહી વાતો કરતાં હતાં. ત્યારે મયૂરીના મામાનો છોકરો ફતેસિંગ સુરૂપસિંગ વળવી (રહે.,ચોખીઆમલી, તા.કુકરમુંડા, જિ.તાપી) તેના માસીને કહેવા લાગ્યો કે, ‘આ મકાન તથા તેના બાજુમાં આવેલી જગ્યા મારા બાપની છે. તે અત્યારે જ ખાલી કર’ કહી બોલાચાલી કરી હતી. મળવા આવેલ મયૂરીનો ભાઈ છોડાવવા વચ્ચે પડેલા જેના પર માથા પર ફતેસિંગ વળવીએ ઈંટ મારી દેતા મોંઢાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત યુવકને 108માં સારવાર માટે કુકરમુંડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે મહારાષ્ટ્રના નંદુરબારના સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.