સુરત: ડુમસ દરિયાકિનારે ફરી એકવાર ‘નબીરા’ઓની બેફામ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. પ્રતિબંધ હોવા છતાં એક મર્સિડીઝ કાર દરિયા કિનારે ઉતારી દેવામાં આવી હતી, જે પાણી અને રેતીમાં ફસાઈ જતાં અડધી ગરકાવ થઈ ગઈ હતી. આ ઘટનાએ ડુમસ પોલીસના દરિયાઈ પેટ્રોલિંગના દાવાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
કેટલાક નબીરાઓ ફાસ્ટ ડ્રાઈવિંગ અને સ્ટંટના શોખમાં લાખો રૂપિયાની મર્સિડીઝ કાર લઈને ડુમસ દરિયા કિનારે પહોંચી ગયા હતા. દરિયાની વચ્ચે કાર હંકારી મૂકવાના ચક્કરમાં તેમની ગાડી પાણીમાં અને અડધી રેતીમાં ગરકાવ થઈ ગઈ હતી. કારને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચર્ચાનો વિષય બન્યો છે. સવાલ એ થાય છે કે, દરિયા કિનારે વાહન પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં આ કાર ત્યાં સુધી પહોંચી કેવી રીતે? શું પોલીસનું દરિયાઈ પેટ્રોલિંગ ફક્ત કાગળ પર જ છે?
આ મામલે ટ્રાફિકના એસીપી એસ. આર. ટંડેલએ જણાવ્યું હતું કે, હાલ એક વિડીયો સામે આવ્યો છે, જે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. આ વિડીયો ક્યારનો છે અને ગાડી કોની માલિકીની છે, તે અંગેની તપાસ માટે પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપાવામાં આવી છે.
આ મામલે ડુમસ પોલીસે ગાડીના નંબર GJ 06 LB 0396 (મર્સિડીઝ GLE 350)ના આધારે ગાડી માલિક અક્ષર શાહ (ઉંમર વર્ષ 50 ધંધો. વેપાર રહે. ઓલમ્પિયા બિલ્ડીંગ પાલનપુર જકાતનાકા) હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આ મામલે કારના નંબર પરથી માલિક સુધી પહોંચી હતી અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રો મુજબ માલિક ખુદ મર્સિડીઝ લઈને પત્ની સાથે સવારે ડુમસ પહોંચ્યો હતો. જ્યાં સ્ટોલની પાછળ ડુમસ બીચ પર પહોંચી ગયા હતા. જો કે કાર ફસાઈ જતા પોલીસે રેસ્ક્યુ કરી કારને બહાર કાઢી હતી. પોલીસે આ મામલે કારમાલિક અક્ષર શાહ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. વધુમાં આ મામલે પોલીસ દાખલો બેસાડવા માટે વીમા એજન્સીને પણ વીમો નહીં પકાવવા માટે રિપોર્ટ કરશે.
36 કલાકે જેસીબીની મદદથી કાર બહાર કઢાઈ
કાર દરિયાની ભરતીમાં ફસાઈ ગઈ હતી. જેથી 36 કલાક બાદ જેસીબીની મદદથી તેને બહાર કાઢવામાં આવી હતી. બાદમાં ગાડીના માલિક સામે જાહેરનામાંનો ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ગાડીના આવાં ઈસમો બીજી વાર આવું ન કરે એ માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડુમસ પોલીસના પેટ્રોલિંગના અભાવના કારણે અવારનવાર આવાં બનાવ સામે આવતા હોવાનું કહેવાય રહ્યું છે.