ઘેજ : ચીખલી તાલુકાના આમધરા ગામના ખેડૂતને (Farmer) ફોન (Call) કરીને ‘તમને પંદર મિનિટનો સમય આપુ છું. ગોલવાડ પહાડમાં પંદર લાખ રૂપિયા પહોંચાડ, નહી તો તને તથા તારા છોકરાને ઉડાવી દઇશું’ તેમ કહી ધમકી (Threat) આપી ખંડણી માંગતા પોલીસે (Police) ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી પંકજભાઇ વલ્લભભાઇ પટેલ (ઉ.વ. ૪૮ – હાલ રહે. આમધરા કણબીવાડ મૂળ સિયાદા દાદરી ફળિયા તા. ચીખલી)ના ફોન ઉપર રવિવારના રોજ બપોરના ૧૨:૨૧ ના સમયે ફોન આવ્યો હતો.
ફોન પર તેમણે જણાવ્યુ હતુ કે ‘તમને પંદર મિનિટનો સમય આપુ છું અને ગોલવાડ પહાડમાં પંદર લાખ રૂપિયા પહોંચાડ નહી તો તમારા છોકરાને જોઇ લઇશું, તેવી ધમકી આપતા તેમણે જણાવ્યુ હતુ કે તમે કોણ બોલો છો? અમારી કોઇ ભૂલ હોય તો જણાવો ત્યારે છોકરાને જોઇ લેવાની ધમકી આપી ફોન કટ કરી દીધો હતો. આ અંગે તેમણે તેમના મિત્ર અને મોટાભાઇ સાથે ચર્ચા કરી પોલીસ સ્ટેશનમાં જાણ કરવાનું નક્કી કર્યુ હતું. તે અરસામાં થોડીવારમાં ફરીથી તેજ મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો અને પંકજભાઇને જણાવ્યુ હતુ કે તમને હજુ વીસ મિનિટનો સમય આપુ છું અને ગોલવાડ પહાડમાં પંદર લાખ રૂપિયા પહોંચાડ નહી તો તમારા છોકરાને જોઇ લઇશું અને તને તથા તારા છોકરાને ઉડાવી દઇશું, તેવી ધમકી આપી પંદર લાખ રૂપિયાની માંગણી કરતા પોલીસે જે નંબર પરથી ફોન આવ્યો હતો તે ફોન નંબરનો ઉપયોગ કરનાર સામે ખંડણી અને ધમકી સંદર્ભનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે ત્રણની ધરપકડ કરી પરંતુ એફઆઇઆરમાં નામ નહીં દર્શાવી મોડી રાત્રે ધરપકડ બતાવી
ચીખલી પોલીસે ખંડણીના ગુનામાં એક સગીર સહિત ત્રણની ધરપકડ કરી હતી. પરંતુ એફઆઇઆરમાં આરોપીના નામ નહીં દર્શાવી મોડી રાત્રે ધરપકડ બતાવી ગુનો નોંધ્યાના ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું બતાવી પોતે ઉજળી કામગીરી કરી હોવાનું તરકટ કરતા ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. હકીકતમાં તો ફરિયાદ થતા જ પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા. આમધરા ગામના આ ખંડણીના ગુનામાં પોલીસે પિપલગભણ ગામે મેદાન પાસેથી શિવાંગકુમાર બિપિનભાઇ પટેલ (રહે. આમધરા મોટી કોળીવાડ તા.ચીખલી) રોનક રાજેશભાઇ પટેલ (રહે. પિપલગભણ ગાંધી ફળિયા તા.ચીખલી) તથા એક સગીર મળી ત્રણ જેટલાને ઝડપી લઇ સગીર વયના આરોપીને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી.
સામાન્ય માણસને પણ પોલીસના ધક્કે ચઢવાની નોબત આવી
આમધરા ગામના ખંડણીના ગુનામાં વપરાયેલા મોબાઇલ ફોનનો સિમકાર્ડ એક મજૂરી કામ કરતા સામાન્ય વ્યક્તિનો હોવાનું બહાર આવ્યુ હતું. માણેકપોર વિસ્તારમાં મજૂરી કામ કરતા વ્યક્તિનો ફોન બગડતા આજ વિસ્તારમાં મરામત માટે આપ્યો હતો. ત્યાંથી આ સિમકાર્ડ તફડાવી ખંડણી માંગવા માટે તેનો ઉપયોગ આરોપીએ કરતા આ સામાન્ય માણસને પણ પોલીસના ધક્કે ચઢવાની નોબત આવી હતી.