ભરૂચ: ભરૂચ (Bharuch) શહેરમાં દિનપ્રતિદિન તસ્કરો બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રથયાત્રાના (Rathyatra) આગલા દિવસે તસ્કરો પોલીસ પેટ્રોલિંગને (Police Petroling) પડકારી આશ્રય સોસાયટીમાં આવેલા ભગવાન જગન્નાથ મદિરમાં મૂકેલી દાનપેટીમાં હાથફેરો કરી ગયા હતા.
શહેરમાં આવેલી આશ્રય સોસાયટીના પાછળના ભાગે આવેલા ભગવાન જગન્નાથ મંદિરની એક તરફ ભક્તો ભગવાન જગન્નાથની નીકળનારી રથયાત્રાની તૈયારીઓમાં લાગેલા હતા. ત્યારે ગત રાત્રિના તસ્કરોએ ત્રાટકીને મંદિરના ઉપરના ભાગમાં રહેલી દાનપેટીનું તાળું તોડી નાંખ્યું હતું. એક વર્ષથી ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા અંદાજે ૨૦થી ૨૫ હજાર રૂપિયાની ચોરી કરીને અંધારામાં પલાયન થઈ ગયા હતા. વહેલી સવારે મંદિરમાં થયેલી ચોરી જાણ થતાં જ મંદિરના ટ્રસ્ટીઓ અને એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે, રથયાત્રા પૂર્વે મંદિરમાં થયેલી ચોરીની ઘટનાના પગલે સ્થાનિક લોકો સહિત ભક્તોમાં રોષની લાગણી પણ જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જગન્નાથ મંદિરમાં આ ત્રીજી વખતે મંદિરમાં રહેલી દાનપેટીમાં ચોરી થઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હાલમાં તો એ-ડિવિઝન પોલીસે ચોરીનો ગુનો નોંધી ચોરી કરનારા તસ્કરોને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
ચોરી અટકાવવાની જવાબદારી ગ્રામજનોની: સરભોણ આઉટ પોસ્ટ પોલીસે હાથ ઊંચા કર્યા
બારડોલી : બારડોલી ગ્રામ્ય પોલીસમથકના સરભોણ આઉટ પોસ્ટ વિસ્તારમાં થતી ચોરી અટકાવવા માટે પોલીસે જવાબદારીનો ટોપલો પ્રજાને માથે નાંખ્યો છે. શુક્રવારના રોજ સરભોણ આઉટપોસ્ટના જમાદારે ગણતરીના ગ્રામજનો સાથે મીટિંગ કરી ચોરીની ઘટના અટકાવવા માટેની સમજ આપી હતી. પરંતુ પોલીસ શું કરે છે અને શું કરશે તે બાબતે કોઈ ફોડ ન પાડતાં ગ્રામજનોમાં પોલીસ જવાબદારીમાંથી છટકી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી ગ્રામ્ય પોલીસની નિષ્ક્રિયતાને કારણે ગામે ગામ ચોરીના બનાવો વધી રહ્યા છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કે ગુનાઓ નોંધવામાં આવતા નથી. બીજી તરફ પોલીસ લોકોને તકેદારી રાખવાની શિખામણ આપી રહી છે. શુક્રવારના રોજ બારડોલી તાલુકાના સરભોણ ગામમાં ચોરીની ઘટનાઓ અટકે તે માટે જમાદાર દ્વારા ગ્રામજનોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પોલીસે ગ્રામજનોને ફેરિયાઓ પર ખાસ ધ્યાન રાખવું, રાત્રિ સમયે તકેદારી રાખવી તેમજ મકાન બંધ કરી બહારગામ જાવ તો આજુબાજુમાં જાણ કરીને જવું તેવી શિખામણ આપી હતી. ઓફિસમાં બેસીને વહીવટ કરવા ટેવાયેલા ગ્રામ્ય પોલીસ મથકના અધિકારી તાલુકાનાં ગામડાંની ભૌગોલિક સ્થિતિ અંગે પણ વાકેફ હશે કે કેમ તે અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. ગ્રામજનોને શિખામણ આપી અધિકારીઓ પોતે જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. અનેક ગામોમાં ચોરીની ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ છે. છતાં ગ્રામ્ય પોલીસ ચોરોને શોધવામાં નિષ્ફળ રહી છે. ગુના ઉકેલવામાં નિષ્ફળ રહેલી પોલીસ હવે ગ્રામજનો પર જવાબદારીનો ટોપલો ઢોળી રહી હોય લોકોમાં પણ પોલીસની નીતિરીતિ સામે રોષ જોવા મળી રહ્યો છે.
રાત્રિના સમયે 18 ગામ નધણિયાત
બારડોલીના સરભોણ આઉટ પોસ્ટ અંતર્ગત 18 જેટલાં ગામ આવે છે. આઉટ પોસ્ટનું નવું બિલ્ડિંગ તથા રહેણાક માટે ક્વાટર્સ ફાળવવામાં આવ્યા હોવા છતાં જવાબદાર પોલીસકર્મચારીઓ બારડોલીથી જ અપડાઉન કરે છે. રાત્રિના સમયે વિસ્તારનાં 18 ગામ નધણિયાત બની જતાં હોય ચોર, લુંટારુ આસાનીથી નિશાન બનાવી શકે છે.