કામરેજ: સુરતના (Surat) ડભોલી ખાતે લોર્ટસ-24માં ફ્લેટ નં.1101માં વિરેન ચંદુભાઈ ઈટાલિયા રહે છે. બે વર્ષથી કામરેજના વલણ ગામે ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ-2માં પ્લોટ નં.91માં ક્રિષ્ના ટેક્સટાઈલ (Tetxtile) અને પ્લોટ નં.92માં રૂક્ષ્મણી ટેક્સટાઈલના નામથી કાપડ બનાવે છે. વર્ષ-2021માં એસ.કે.એફ ઈમ્પેક્સના પ્રોપરાઈટર કૃણાલ જે.ભોજક (રહે., બી-303, શુભમ્ પાર્ક, પરશુરામ ગાર્ડનની સામે, અડાજણ)એ વિરેનની વરાછા માતાવાડી ખાતે મોહનનગરમાં ત્રીજા માળે આવેલી ઓફિસ લોનની ઈન્કવાયરી કામે આવ્યા હતા.
રેપિયર જેકાર્ડ મશીનની લોન બાબતે પૂછપરછ કરતાં કૃણાલે પોતે ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો પણ ધંધો કરતા હોવાનું જણાવી રેપિયર જેકાર્ડ મશીન ચાઈનાથી મંગાવી આપવાનું કહેતાં છ મશીન ખરીદવાનું વિરેને નક્કી કર્યું હતું. બાદ વલણ ગામે આવેલી બે ફેક્ટરીમાં કૃણાલે મશીનરી જોતાં રેપિયર જેકાર્ડ મશીન એક નંગની યુએસ કિંમત મુજબ 63000 ડોલરમાં મંગાવી આપવાની અને ત્રણ વર્ષ ગેરંટી અને જો મશીન ખરાબીના કારણે 24 કલાક બંધ રહે તો 60 યુ.એસ. ડોલર ચૂકવી આપવાની ખાતરી આપી છ નંગ મશીન ચાઈનાથી મંગાવવાનું નક્કી કરતાં કુલ 3,78,000 યુ.એસ. ડોલર (કિંમત રૂ.2,89,00,000) થતી હતી, જેના અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી એસ.કે.એફ. ઈમ્પેક્સના ખાતામાં રૂ.85 લાખ આપી દીધા હતા. બાકીના રૂ.2,04,00,000ની રકમની મશીનરીની બેંક લોન લઈ તા.31-3-22ના રોજ ખાતામાં મોકલી દેવામાં આવ્યા હતા. આમ કુલ રૂ.2,89,00,000 ચૂકવી દીધા બાદ દસ દિવસમાં મશીન આવી જશે તેમ કહ્યા બાદ પણ મશીન ન આવતાં ખોટા વાયદા કરી છેતરપિંડી કરતાં કામરેજ પોલીસમથકમાં કુણાલ જે.ભોજક સામે ફરિયાદ નોંધાવી હતી.
ઉમરામાં ભરાયેલા મેળામાંથી પોલીસ કોન્સ્ટેબલની પત્નીનું પર્સ ચોરાયું
સુરત : શહેરમાં હવે જેમના માથે પ્રજાના રક્ષણની જવાબદારી છે તે પોલીસનો પરિવાર પણ સુરક્ષિત નહીં હોવાની ઘટના સામે આવી છે. પીપલોદ પોલીસ લાઈનમાં રહેતા કોન્સ્ટેબલની પત્નીના પર્સની ચોરી થયાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. સૌથી રસપ્રદ બાબત તો એ છે કે, મેળામાં ખૂબ ગીરદી હોવાથી ચેઇન ખેંચાઇ જવાના ભયથી કોન્સ્ટેબલની પત્નીએ તેને જે પર્સમાં મૂકી તે પર્સ જ ચોરાઇ ગયું હતું.
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પીપલોદ પોલીસ લાઈનમાં રહેતા રણજીતભાઈ રણછોડભાઈ ડેરવાળિયા સુરત શહેર પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગતરોજ તેઓ ફરજ પર હતા ત્યારે તેમની પત્ની મિત્તલ અને દીકરી ઉમરા સ્મશાનભૂમિ રોડ પાસે લાગેલા મેળામાં ગયા હતાં. મેળામાં ભીડ વધારે હોવાથી મિત્તલબેને તેમની સોનાની ચેઈન પર્સમાં મૂકી દીધી હતી. જોકે તેઓ તેમની દીકરી સાથે મેળામાં ફરવામાં મશગુલ હતા. ત્યારે કોઈ ચોર તેમના પર્સની ચોરી કરી ફરાર થયો હતો. મિત્તલબેનના પર્સમાં રૂપિયા ૪૦ હજારની કિંમતની સોનાની ચેઈન તથા રોકડા રૂપિયા 2000 હતા. આ પર્સમાં તેમના પતિનું ગુજરાત પોલીસનાં આઈકાર્ડની કોપી પણ હતી. આ ઘટના અંગે તેમણે ઉમરા પોલીસમથકમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.