વડોદરા: વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં ટીમને યુવતીએ લખેલી એક ડાયરી હાથ લાગતા યુવતીની આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું હતું. યુવતીએ ડાયરીમાં જણાવ્યું હતું કે, આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરામાં રિક્ષાચાલક યુવક સહિત બે લોકોએ તેનું અપહરણ કર્યું હતું.
ત્યારબાદ યુવતીને નવી બંધાતી કલેકટર ઓફિસની બાજુમાં આવેલ વેક્સિન ગ્રાઉન્ડમાં લઇ જઈ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી બેથી વધુ શકમંદોની પૂછપરછ શરૂ કરી છે. રવિવારે મોડી રાત્રે વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘે વેક્સિન ઇન્સ્ટિટ્યુટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી અને ગેંગરેપ કેસ અંગેની માહિતી મેળવી હતી. ઉલ્લેખનિય છે કે, આવતીકાલે 16 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા અને સાવલીની મુલાકાતે આવનાર છે, તે પહેલા પોલીસ આ કેસનો પર્દાફાશ કરે તેવી શક્યતા છે.
વલસાડમાં ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં ગળે ફાંસો ખાઇ નવસારીની અને હાલ વડોદરામાં રહેતી 18 વર્ષીય છાત્રાએ 4 નવેમ્બરના રોજ આપઘાત કર્યા બાદ પોલીસની તપાસમાં યુવતીની ડાયરી મળી હતી, જેમાં યુવતી પર શહેરના દિવાળીપુરા પાસે વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં દુષ્કર્મ આચરાયું હોવાની વિગતો મળતાં ખળભળાટ મચી ગયો હતો. બનાવ બાદ રેલવે પોલીસે તપાસ શરુ કરી છે પોલીસે દુષ્કર્મ આચરાયું તે સ્થળ ઉપરથી પુરાવા એકત્ર કરવા માટે એફ.એસ.એલ.ની મદદ લઇ તપાસ શરૂ કરી દીધી છે.
તે સાથે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ પી.એમ.ના પ્રાથમિક રિપોર્ટમાં આંતરીક ભાગોમાં ઇંજાના નિશાન હોવાનું જણાવાયું છે. આ મામલે પીડિતાનો કોઇ પીછો કરી રહ્યાં હોવાનો ડીવાયએસપી બી.એસ.જાધવે ઇન્કાર કર્યો હતો. જ્યારે સુત્રોએ જણાવ્યું હતું કે, બંને નરાધમો અથવા કોઇ એક પીડિતાને ઓળખતો પણ હોઇ શકે છે. તે લોકો પીડિતાને જાણે ઓળખતા હોય, તેનાથી ખૂબ સારી રીતે પરિચિત હોય તેવુ તેને લાગતુ હતુ. કારણ કે, એ બન્ને તેનું નામ પણ જાણતા હતા. પોલીસની ટીમોએ તપાસ દરમિયાન સામાજિક સંસ્થા, પીડિતાના ઘર અને બનાવના સ્થળ વેક્સીન મેદાનની આસપાસમાં આવેલી તમામ નાની-મોટી લારીઓ, દુકાનોમાં જઇને પૂછપરછ કરી રહી છે.
આ વિસ્તારના 113 જેટલા સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ બસ ચાલક એક કાકા કે જે જેણે પીડિતાને ઓળખતા હોવાનું જણાવ્યું હતું તે કોણ છે, તેની તપાસ કરાતાં તે સિક્યોરિટી ગાર્ડ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે આ કેસમાં કુલ 500થી વધુ સીસીટીવી ચેક કર્યાં છે. તેમજ પોલીસે બેથી વધુ શકમંદોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. વડોદરા શહેરના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાઉન્ડમાં નવસારીની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનારા 2 નરાધમોને શોધવા રાજ્યની 5 એજન્સીઓ કામે લાગી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ અને એફએસએલની ટીમ રવિવારે વેક્સિન ગ્રાઉન્ડમાં પહોંચી ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી. રેલવે આઈજી સુભાષ ત્રિવેદી સહિત પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળેથી ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યુવતીની કપડાં ભરેલી બેગ પણ ઘટના સ્થળે લાવવામાં આવી હતી. પોલીસે મેળવેલા 400થી વધુ સીસીટીવી ફુટેજની તપાસ કરતા એક ફૂટેજમાં બે આરોપી ભાગતા દેખાયા હતા. આ ઉપરાંત પીડિતાની સાઇકલ હજી ગાયબ છે.
દરમિયાન રવિવારે મોડી રાત્રે વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘ દ્વારા વેક્સિન ઇન્સ્ટિટ્યુટ ગ્રાઉન્ડની મુલાકાત લેવામાં આવી હતી. શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘે ગેંગરેપ કેસ મામલે માહિતી મેળવી હતી. ઉલ્લેખનિય છે કે, આવતીકાલે 16 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા અને સાવલીની મુલાકાતે આવનાર છે, તે પહેલા પોલીસ નરાધમને પકડી પાડી આ કેસનો પર્દાફાશ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.
સામુહિક બળાત્કારની ઘટનાના આજે 12 દિવસ થયા હોવા છતાં પોલીસ તપાસ અંધારામાં
3 નવેમ્બરની મોડી સાંજે વેક્સીન ગ્રાઉન્ડમાં યુવતી ઉપર આચરવામાં આવેલ સામુહિક બળાત્કારની ઘટનાના આજે 12 દિવસ થયા હોવા છતાં પોલીસ તપાસ અંધારામાં છે. પોલીસે હજુ સુધી કોઈ ઠોસ પુરાવા એકત્ર કરી શકી નથી. જોકે પોલીસ દ્વારા વિવિધ ટિમ બનાવી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે 400 કરતા વધુ સીસીટીવી પણ તપાસ કર્યા છે.
પોલીસે યુવતીની સહેલીની પણ સઘન પુછપરછ હાથ ધરી
વેક્સીન ગ્રાઉન્ડમાં યુવતી ઉપર થયેલ સામુહિક બળાત્કારની ઘટનામાં યુવતી જે સામાજિક સંસ્થા કામ કરતી હતી. તે સંસ્થા દ્વારા યોગ્ય સમયે યોગ્ય પગલાં નહિ લેવાના કારણે ઘણા સવાલો ઉભા થયા છે. જેથી પોલીસ દ્વારા સંસ્થાના દરેક વ્યક્તિની પુછપરછ કરવામાં આવી રહી છે. પોલીસની વિવિધ ટિમો દ્વારા સંસ્થામાં કામ કરતા લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. તેમજ પોલીસ દ્વારા યુવતીની સહેલીની પણ સઘન પુછપરછ કરવામાં આવી રહી છે.
આખી ઘટનામાં સમાવિષ્ટ સાયકલને પોલીસ હજુ સુધી શોધી શકી નથી
વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડ ઉપર અઢાર વર્ષની યુવતી પર સામૂહિક બળાત્કારના કેસમાં બંને નરાધમો દ્વારા સાઇકલ પર જઈ રહેલી યુવતીની પાછળથી ટક્કર મારી ત્યારબાદ નીચે પાડી દીધી હતી. ત્યારબાદ યુવતીનું અપહરણ કર્યાબાદ દુસ્કર્મ આચરવામાં આવ્યું હતું. જોકે આખી ઘટનામાં સમાવિષ્ટ સાયકલને પોલીસ હજુ સુધી શોધી શકી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર સાયકલમાં પહેલા થી જ પંચર પણ પાડવામાં આવ્યું હતું. જે કોઈ પરિચિત દ્વારા પાડવામાં આવ્યું હોવાનું શક્યતાઓ સેવાઈ રહી છે.
ઘટના બાબતે સ્થાનિક પોલીસને જાણ સુધ્ધા ન કરાઈ
આ ઘટનાની ગંભીરતાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. ગત રોજ વડોદરા પોલીસ નવસારી યુવતીના ઘરે આવી તેના પરિવારજનો અને નજીકના કેટલાક લોકોની પૂછપરછ કરી હતી. સાથે જ નવસારીમાં સીસીટીવી ફૂટેજો પણ ચકાસ્યા હતા. પરંતુ આ બાબતે સ્થાનિક પોલીસને જાણ પણ કરાઈ ન હતી. સામાન્ય રીતે અન્ય જિલ્લા કે અન્ય રાજ્યની પોલીસ જે તે વિસ્તારમાં તપાસ કરવા અથવા આરોપીની ધરપકડ કરવા જાય તો સ્થાનિક પોલીસને જાણ કરી તેમની મદદ લેતી હોય છે. પરંતુ ગત રોજ આવેલી વડોદરા પોલીસે વિજલપોર પોલીસને જાણ કરી ન હતી તેમજ તેમની મદદ વિના જ તેઓ નવસારી તપાસ કરી જતા રહ્યા હતા. આ ઘટનામાં વિવિધ જિલ્લાઓની પોલીસની ટીમો કામે લાગી છે.
સામૂહિક બળાત્કાર ગુજારનાર પૈકી 1 પરિચિત હોવાની આશંકા
વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડ ઉપર અઢાર વર્ષની યુવતી પર સામૂહિક બળાત્કારના કેસમાં પોલીસ ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. દરમ્યાન આ યુવતી પર બળાત્કાર ગુજારનાર બે પૈકી એક શખ્સ પરિચિત હોવાની માહિતી બહાર આવી છે. પોલીસ દ્વારા આ શખ્સની શોધખોળ બાદ તેની પૂછપરછમાં સત્ય હકીકત બહાર આવે તેવી શક્યતા છે પોલીસનું એવું માનવું છે કે યુવતીએ બળાત્કારની ઘટનાનો ઉલ્લેખ જે ડાયરીમાં કર્યો તે ડાયરીનું છેલ્લું પેજ કેમ ફાડી નાખ્યું અને તે આધારે કદાચ કોઈ પરિચિત હોય તેવી આશંકા પોલીસ કરી રહી છે.