સુરત: શહેરના સિટી લાઈટ વિસ્તારમાં આવેલા શિવ પૂજા કોમ્પ્લેક્સમાં ૬ નવેમ્બરે સાંજે આગ લાગતાં ગૂંગળામણને કારણે સિક્કીમની બે મહિલાનાં મોત નીપજવાની ચકચારી ઘટનાના પગલે ઉમરા પોલીસે જીમ સંચાલક અને સ્પા સંચાલકની સાપરાધ મનુષ્યવધના ગુનામાં ધરપકડ કરી હતી. આ ગુનામાં આરોપીઓનાં રિમાન્ડ અદાલતે રદ કર્યા બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. દરમિયાન આ પ્રકરણમા આખરે ભૂપત પોપટની પૂછપરછ પછી અનિલ રૂંગટાને બે દિવસમા હાજર થવા માટે પોલીસે સમન્સ પાઠવ્યુ છે.
ભૂપત પોપટે પૂરાવા રજૂ કરતા હવે ગાળિયો વીએચપી પ્રમુખ અનિલ રૂંગટા પર
આ આખા પ્રકરણમા પોલીસ જયારે ભૂપત પોપટ પર ગાળિયો કસવા જઇ રહી હતી ત્યારે ભૂપત પોપટે તેણે વર્ષ 2021મા કરેલો દસ્તાવેજ પોલીસને આપ્યો છે. આ ઉપરાંત જે જીમ ચાલતુ હતુ તે શાહનવાઝ સાથે રદ થયેલો કરાર પણ આપવા માટે તૈયારી બતાવી હતી. વર્ષ 2021થી ભાડૂ અનિલ રૂંગટા લઇ રહ્યો હોવાની વિગત જાણવા મળી છે.
શાહનવાઝના નિવેદનમા પણ ભાડુ રૂંગટાને અપાતુ હોવાની વાત
આ આખા કાંડમા પોલીસ ગોળ ગોળ ફેરવી રહી છે કે કોઇને બચાવી રહી છે તે વાત સમજણની બહાર છે. ભૂપત પોપટે દસ્તાવેજ રજુ કર્યા બાદ આ જીમ તથા સ્પાનુ ભાડૂ ચેકથી ચૂકવાતુ હોવાનુ નિવેદન વસીમ અને શાહનવાઝે પોલીસને લખાવ્યુ છે તો પછી આ પ્રકરણમા પોલીસ શહેરના મોટા ગજાના બિલ્ડર અનિલ રૂંગટાની પૂછપરછ કરતા શા માટે ડરી રહી છે. આ ડર કોઇ રાજકીય નેતાઓનો છે કે પછી કોઇ ગાઇડ લાઇન પ્રમાણે આખી તપાસ ચાલી રહી છે. હાલમાંતો ભૂપત પોપટ આ કાંડમાંથી બહાર આવી જતા હવે તપાસ સાચી થાય છે કે નાટક કરાય છે તે જોવાનુ રસપ્રદ થઇ જાય છે.
શું છે ઘટના ?
ઉમરા પોલીસમથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી.પટેલે જણાવ્યું હતું કે, સિટી લાઈટ વિસ્તારના શિવપૂજા કોમ્પ્લેક્સમાં અમૃતિયા સ્પા એન્ડ સલૂન આવેલું છે. ૬ નવેમ્બરે સાંજે સ્પા એન્ડ સલૂનમાં કોઈક કારણોસર આગ લાગી હતી. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર બ્રિગેડના અધિકારીઓ અને લાશ્કરોએ ઘટના સ્થળે ધસી જઈ આગ બુઝાવી નાંખી હતી. પરંતુ સિક્કિમની બે મહિલા ૩૦ વર્ષની બીનુંહંગમાં લીંબુ અને મનીષા દલાઇનાં ગૂંગળામણને કારણે કરુણ મોત નીપજ્યાં હતાં.
આ ઘટનાને પગલે ઉમરા પોલીસ સ્ટેશનનો પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આગ અને ગૂંગળામણનાં કારણોની તપાસ કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના સાયન્ટિફિક ઓફિસરો ઘટના સ્થળે પહોંચી ગયા હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.
બીજી તરફ ચકચારી ગુનાની તપાસ કરી રહેલા ઉમરા પોલીસમથકના પીઆઇ પટેલે જણાવ્યું હતું કે, ગૂંગળામણને કારણે બે સિક્કિમની મહિલાનાં મોત નીપજવાની આ મિલકતની ખરીદી ભૂપત પોપટ પાસેથી અનિલ રૂગંટાએ કરી હતી. ઉમરા પોલીસે વિશ્વ હિન્દુ પરિષદના શહેરના અધ્યક્ષ અનિલ રૂગંટાને નોટિસ પાઠવી બે દિવસમાં પોલીસ સમક્ષ હાજર થઈ જવાબ લખાવવાનું સૂચન કર્યું છે.