નડિયાદ: અતિ ચકચારી એવા માસુમ મહિડા લવ જેહાદ કેસમાં જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું નામ ઉછળ્યું હતું, તેમની તાજેતરમાં અતિ મહત્વના એવા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપમાં બદલી કરવામાં આવી છે. જેને લઇને લવ જેહાદનો ભોગ બનેલી યુવતીના વાલી દ્વારા ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં જાણ કરીને પીએસઆઇની તાત્કાલિક અસરથી જિલ્લા બહાર બદલી કરવાની રજૂઆત કરવામાં આવી છે. તેઓએ આ મામલે ગૃહ મંત્રીને પણ આ પત્ર રજૂઆત કરી છે. નડિયાદ શહેરના કુખ્યાત બુટલેગર માસુમ મહિડા દ્વારા વર્ષ ૨૦૧૫ – ૧૬માં એક આશાસ્પદ યુવતીને ધાક-ધમકી આપી, વશમાં લઇને બોગસ નિકાહનામુ તૈયાર કરી, તેના પર યુવતીની સહી લઇ લેવામાં આવી હતી.
આ સમગ્ર મામલામાં જે તે સમયે યુવતીએ આપેલા નિવેદનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ.ચારણ (વિજય એ.ચારણ) દ્વારા માસુમને મદદ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જે તે સમયે પેટલાદના કોઇ પોલીસ મથકમાં લઇ ગયા બાદ યુવતીને ચારેક કલાક માટે વી.એ.ચારણની ચેમ્બરમાં બેસાડી રાખવામાં આવી હતી. બાદમાં પોલીસની ગાડી દ્વારા પાયલોટીંગ કરીને યુવતીને ધર્મજના કોઇ ફાર્મ હાઉસ પર લઇ જવામાં આવી હતી. જેને પગલે લવ જેહાદના ગંભીર મામલામાં પી.એસ.આઇ. વી.એ.ચારણનું નામ ઉછળ્યું હતું. જોકે, તેમછતાં તેમને પેરોલ ફર્લો સ્ક્વોડમાં નિમણુંક આપવામાં આવી હતી. જે તે સમયે પણ લવ જેહાદનો ભોગ બનેલી યુવતીના પરિવાર દ્વારા પોલીસને, નડિયાદના ધારાસભ્યને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
જોકે, તેમના તરફથી યુવતીના પરિવારજનોને કોઇપણ પ્રકારનો સહયોગ આપવામાં આવ્યો ન હતો. થોડા સમય અગાઉ પી.એસ.આઇ. વી.એ.ચારણની કઠલાલ બદલી કરવામાં આવી હતી અને હવે તેમને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.) માં નિમણુંક આપવામાં આવી છે. લવ જેહાદ જેવા અતિગંભીર ગુનામાં પણ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સંડોવણી બાબતે યુવતીએ નિવેદન આપવા છતાં તેમને કોના દ્વારા અને કેમ છાવરવામાં આવી રહ્યા છે તે એક યક્ષ પ્રશ્ન છે. હાલમાં યુવતીના પરિવાર દ્વારા પીએસઆઇ વી.એ.ચારણની જિલ્લા બહાર બદલી કરવામાં આવે, તેવી માંગણી કરવામાં આવી છે. લવ જેહાદના ચકચારી કેસમાં આ પી.એસ.આઇ. દ્વારા કોઇ હાનિ પહોંચાડવામાં ન આવે કે કેસ લૂલો ન થાય તે માટે તાત્કાલિક અસરથી તેમને બદલીની માંગ કરવામાં આવી છે.
વી.એ.ચારણ દ્વારા મોટા પાયે મિલ્કત પણ વસાવવામાં આવી હોવાની રજૂઆત કરવામાં આવી છે. જેમાં બે લક્ઝરીયસ કાર ઉપરાંત થાર જીપ, બુલેટ, બે બંગલા, દત્ત નગરમાં પર્સનલ જીમ સાથેનું પોતાનું આલીશાન મકાન અને જમીનો પણ ખરીદવામાં આવી છે.
પોલીસ મથકમાં બેસાડી, સરકારી ગાડીના પાયલોટીંગ સાથે ફાર્મહાઉસ લઇ જવાઇ
યુવતીને જે તે સમયે ગાંધીનગરના રિસોર્ટથી પેટલાદના એક પોલીસ મથકમાં લઇ જવામાં આવી હતી. જ્યાં પી.એસ.આઇ. વી.એ.ચારણની ચેમ્બરમાં તેને ત્રણથી ચાર કલાક માટે બેસાડી રાખવામાં આવ્યા બાદ સરકારી ગાડી દ્વારા માસુમ મહિડાની ખાનગી કારનું પાયલોટીંગ કરીને બુટલેગર – યુવતીને ધર્મજના ફાર્મ હાઉસ સુધી લઇ જવામાં આવ્યા હતા.
યુવતીને બતાવેલી રિવોલ્વર કોની ?
યુવતીને ધાક-ધમકી આપીને તેની સહીઓ લેવામાં આવી હતી. આ સમયે તેને રિવોલ્વર પણ બતાવવામાં આવી હતી. આ રિવોલ્વર કોની હતી ? તેને લઇને હજી સુધી કોઇ સ્પષ્ટતા થઇ નથી. જોકે, જે રીતે વી.એ.ચારણ દ્વારા સરકારી ગાડીમાં માસુમ મહિડાનું પાયલોટીંગ કરવામાં આવ્યું હતું, તેને લઇને શંકાસ્પદ સંડોવણીની આશંકા છે.
ગૃહ રાજ્યમંત્રીને પણ જાણ કરાઇ
ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા લવ જેહાદને લઇને એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. લવ જેહાદના પ્રકરણમાં આખા રાજ્યમાં બોગસ નિકાહનામાનો પહેલો કેસ નડિયાદના માસુમ મહિડાનો જ હતો. આ ગંભીર ગુનામાં વી.એ.ચારણની સંડોવણીને પગલે તેમની બદલીની માંગ કરવા ગૃહ મંત્રી, કેબિનેટ મંત્રીને રજુઆત કરી છે.